Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

ઈરાની ગેંગને વાયા વિરમગામ મોંઘું પડ્યું!

દેશભરમાં 47 ગુના આચારનાર કુખ્યાત ઈરાની ગેંગના બે શખ્સોને વિરમગામ પોલીસે દબોચી લીધાં

નંબર પ્લેટ વગરના બાઈક પર જતા હતા ને પોલીસની અડફે ચડી ગયા

• મહારાષ્ટ્રના વતનીઓ પોલીસની ખોટી ઓળખ આપી બેંક ગ્રાહકોને શિકાર બનાવતા હતાં 

અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)

      રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિમાં આતંક મચાવી 47 જેટલા ગુનાઓને અંજામ આપી પોલીસની ઊંઘ હરામ કરી નાખનાર ઈરાની ગેંગના બે શખ્સોને નંબર પ્લેટ વગરના બાઇક સાથે વિરમગામ પોલીસે બાતમીના આધારે દબોચી લીધા છે. પકડાયેલા બંને શખ્સો પોતે પોલીસ હોવાની ઓળખ આપી બેન્ક ગ્રાહકોને રૂપિયા અંગેના ફોર્મ ભરી આપવાનું કહી નજર ચૂકવીને રોકડ તફડાવી લેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જિલ્લાના સાણંદ, બાવળા અને વિરમગામ શહેરમાં બેંક ગ્રાહકો પાસેથી રૂપિયા હડપી લેવાનાં ગુના પણ પકડાયેલાં શખ્સો વિરુદ્ધ નોંધાયા છે. પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સોય ઈરાની ગેંગ સાથે મળીને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અંદાજે 100 જેટલા ગુના આચર્યા હોવાનો ખુલાસો થયો છે.

    વિરમગામ શહેર પોલીસના કોન્સ્ટેબલ મુકેશ જેરામજી, જયેન્દ્રસિંહ ભુરાભાઈ અને સંદીપ પ્રહલાદભાઈ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે કોઈ બે અજાણ્યા વ્યક્તિ નંબર પ્લેટ વગરના પલ્સર બાઈક પર સવાર થઈ જઈ રહ્યા છે. જેમની વર્તણુંક શકમંદ લાગી રહી છે. જેથી ત્રણેય પોલીસ કર્મચારીઓએ એ બે શંકાસ્પદને થોભાવી તેમની પૂછપરછ કરી હતી. જેમાં તેમને શંકા જતા તેમની અંગઝડતી કરતાં તેમની પાસેથી પોલીસના નકલી આઈ કાર્ડ મળી આવ્યા હતાં. તેમની પાસે રહેલું બાઈક પર ચોરી કરેલું હોવાની શંકા આધારે તેમની પૂછપરછ કરવામાં આવતાં અને તેઓ પાસે રહેલા આધાર કાર્ડના માધ્યમથી તેમની ઈ-ગુજકોપ સર્ચ કરવામાં આવતા પકડાયેલા બંને વ્યક્તિ 47 જેટલા ગુના આંતરરાજ્યમાં આચારનારી ઈરાની ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું.

        પોલીસે પકડેલા 41 વર્ષીય મુસ્તફા સબીર અલી જાફરી રહે. બી/104, હીલ વ્યુ ફ્લેટ, રસીદ કમ્પાઉન્ડ કૌસા, થાણે મહારાષ્ટ્ર અને 58 વર્ષીય સખી અકબરાલી જાફરી રહે. રામાનંદ નગર સાંગલી મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેઓએ પોલીસને આપેલી કેફિયતમાં જણાવ્યું હતું કે તેઓ બેંકમાં જઈ ગ્રાહકોને સ્લીપ ભરી આપવા સહિતની મદદ કરવાના બહાને તેમના રૂપિયા લઈ લેતા હતાં. જેમની સામે સાણંદ, વિરમગામ અને બાવળા શહેરમાં પણ ગુના નોંધાયાં હોવાની વિગતો બહાર આવી છે. પોલીસની આ કામગીરીમાં પીઆઇ કે એસ દવે, પીએસઆઇ વી એન નમશા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Related posts

આંબલીયાસણમાં પોલીસે પાવડા ઉપાડ્યા

ApnaMijaj

નખત્રાણાના ખેડૂત પર હુમલો આમણે કર્યો હતો

ApnaMijaj

ગાંધીનગર LCBએ નશેડીઓની થર્ટી ફર્સ્ટ બગાડી!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!