•માર્કેટ યાર્ડની આવક એક જ વર્ષમાં ૨૬ કરોડને આંબી,ચેરમેનની દીર્ઘદ્રષ્ટિ ર્યાર્ડને સફળતાના શિખરો પર લઈ ગઈ
•દિનેશ પટેલના અઢી વર્ષના શાસનમાં માર્કેટ યાર્ડ નું ટર્નઓવર પણ ૧૪૦૦ કરોડને વટાવી ગયું
•કોરોના કાળમાં રાજ્યમાં અન્ય માર્કેટયાર્ડની આર્થિક હાલત કથળી છે પરંતુ અહીં વિકાસ સાધી શકાયો છે
મહેસાણા:
એશિયાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ તરીકે જેની ગણના થાય છે તેવા ઊંઝાના માર્કેટિંગ યાર્ડનો વિકાસ અહીંના ચેરમેન દિનેશભાઈ પટેલ ની દૂરંદેશીના કારણે ઝગમગી રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી માર્કેટીંગ યાર્ડના સત્તાના સિંહાસન પર બિરાજમાન દિનેશ પટેલ ફરી એક વખત માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે પસંદગી પામ્યા છે. ચેરમેનના અઢી વર્ષના કાર્યકાળમાં માર્કેટિંગ યાર્ડ આર્થિક રીતે ખૂબ જ મોટી હરણફાળ ભરી છે. છેલ્લા અઢી વર્ષમાં માર્કેટિંગ યાર્ડનું ટર્નઓવર ચૌદસો કરોડ સુધી પહોંચ્યું છે. એટલું જ નહીં માર્કેટિંગ યાર્ડએ છેલ્લા એક મહિનામાં ૨૬ કરોડની આવક પણ ઉભી કરી છે. અઢી વરસથી સુશાસન આપનાર તેમજ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સંબંધોનો પાયો મજબૂત કરનાર ચેરમેન દિનેશ પટેલની પુનઃ વરણી કરાતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ હાલે ઉંજા એપીએમસીમાં જોવા મળી રહ્યો છે.
સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. બીજી તરફ ધંધા વ્યવસાય ભાંગી પડ્યા છે અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજ્યમાં કાર્યરત સહકારી ક્ષેત્રના માર્કેટીંગ યાર્ડની હાલત પણ કથળેલી જોવા મળી રહી છે. પરંતુ એશિયાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ઊંઝામાં દૂરંદેશી ધરાવનાર નેતૃત્વને કારણે સારોએવો આર્થિક વિકાસ સાધી શકાયો છે. યાર્ડના ચેરમેન દિનેશ પટેલની રાહબરી હેઠળ ઊંઝા માર્કેટિંગ યાર્ડ રે.ગ કરોડો રૂપિયાનું ટર્નઓવર સાથે કરોડો રૂપિયાની આવક પણ ઉભી કરી છે. માર્કેટિંગ યાર્ડમાં પોતાની ખેત ઊપજ વેચવા આવતા ખેડૂતો અને ખરીદનાર વેપારીઓ વચ્ચે સાનુકૂળતા સર્જાય તેવા પ્રયાસ થકી દિવ્ય દ્રષ્ટિ ભર્યું આયોજન કરીને ચેરમેન દિનેશ પટેલે ખેડૂતો વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડ અને મોટો આર્થિક સહયોગ ઉભો કરી આપ્યો છે.
અઢી વર્ષના શાસન દરમિયાન ચેરમેન દિનેશ પટેલે માર્કેટિંગ યાર્ડને સફળતાના શિખરો સર કર્યા છે. ખેડૂતો અને વેપારીઓ વચ્ચેના સંબંધો મજબૂત બનાવી તેઓએ સહકારી ક્ષેત્રને પણ ઉચ્ચ ફલક પર રાખ્યું છે. તેઓના વિચારો અને કાર્યપદ્ધતિના કારણે ઊંઝા માર્કેટિંગ યાર્ડ કોરોના જેવી મહા મારી સામે પણ સારો એવો નફો કરતું ક્ષેત્ર સાબિત થયું છે. શાસનના અઢી વર્ષ બાદ પણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે તેઓની પુનઃવરણી કરવામાં આવતાં આવનારા દિવસોમાં પણ ઊંઝા માર્કેટિંગ યાર્ડ વિશ્વ ફલક પર પોતાની સફળતાની ગાથા અંકિત કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નહી રહે તેવું અહીંના વેપારીઓ અને ખેડૂતો દ્વારા ચોરે ને ચૌટે ચર્ચાઈ રહ્યું છે.
•નવું સુવિધા સભર અધ્યતન માર્કેટિંગ યાર્ડ ઊભું કરવાની તૈયારી પૂરજોશમાં: દિનેશ પટેલ (ચેરમેન,)
બ્રાહ્મણવાડા ગામ નજીક અંદાજે રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે અનેકવિધ સુવિધાઓથી સભર અધ્યતન માર્કેટિંગ યાર્ડ ઊભું કરવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી હોવાનું ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અહીં કેન્ટીન, આરામ ગૃહ, ટ્રેડિંગ સહિતની સુવિધાઓ ઊભી કરી વેપારીઓ અને ખેડૂતોને કોઈ જાતની કનડગતના રહે તેવું ભવ્ય માર્કેટિંગ યાર્ડ નિર્માણ કરવામાં આવશે.
•ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં પારદર્શક વેપાર કરવામાં આવે છે
ચેરમેન દિનેશ પટેલે કહ્યું હતું કે ઊંઝા પ્રોસેસિંગ અને માર્કેટિંગ માટે મોટું પ્લેટફોર્મ છે. અહીં માલ વેચવા આવનાર ખેડૂતોને તેઓની ખેતી ઉપજ વેચાયા પછી તુરંત ચુકવણું કરી દેવામાં આવે છે. એટલું જ નહીં અહીં ખેડૂતો અને વેપારીઓ વચ્ચેનો પારદર્શક વહીવટ રહેતો હોઈ વ્યાપારમાં સારો એવો વિકાસ સાધી શકાયો છે. જે ભવિષ્યમાં પણ કાયમ રહેશે.