Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

મહેસાણાના કોન્ટ્રાક્ટરની પ્રાકૃતિક ખેતી તરફ સફળ દોટ

મહેસાણાના કોન્ટ્રાક્ટરની પ્રાકૃતિક ખેતી તરફ દોટ
તળેટીના રહીશે શહેર છોડી ગામમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી સફળતાના શિખરો સર કર્યા
સમાજ, પરિવારના આરોગ્યને સ્વસ્થ રાખવા માટે પ્રાકૃતિક ખેતીની ઉપજ રામબાણ ઈલાજ
• કોન્ટ્રાક્ટનો વ્યવસાય છોડી પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતની અન્ય લોકોને પણ શીખ
બારણા ગામે પ્રાકૃતિક ખેતીના સફળ ખેડૂતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

મહેસાણા: હેમલતા પારેખ, માહિતી કચેરી

        મહેસાણામાં રહીને કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરનાર એક વ્યક્તિએ શહેરની ભાગોળે આવેલા તળેટી ગામમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીને એક પ્રગતિશીલ ખેડૂત તરીકે કાઠું કાઢ્યું છે. શરૂઆતના દિવસોમાં તો લોકોએ તેમને ‘આ વ્યક્તિ પાગલ થઈ ગયો લાગે છે, કોન્ટ્રાક્ટના વ્યવસાયમાં મહેસાણામાં દેવું થઈ ગયું હશે. એટલે જ ખેતી કરવા માટે ગામમાં આવ્યો લાગે છે. આવા શબ્દો એ વ્યક્તિને સાંભળવા કદાચ સહજ થઈ ગયા હશે. ને પાછા ગામના મોઢે થોડા ગરણા બાંધવા જવાય છે? પરંતુ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ને મન હોય તો માળવે જવાય આ કહેવતો ને જાણે તેમણે સાકાર કરી દીધી હોય તે રીતે પ્રાકૃતિક ખેતીના સથવારે સફળતાની હરણફાળ ભરી છે.

      મહેસાણા તાલુકાના તળેટી ગામના વતની અને મહેસાણામાં સ્થાયી થયેલા હરેશભાઈ પટેલનું આખું કુટુંબ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે .એમનો દીકરો પણ ઓસ્ટ્રેલિયામાં છે. તેમના પત્ની મેડાદરજ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. હરેશભાઈ પટેલે અંદાજે ૪ વર્ષ પહેલાં પ્રાકૃતિક કૃષિની ચળવળો નિહાળી અને તેના વિશેની જાણકારી મેળવી તમામ બાબતોથી માહિતગાર થઈને પ્રાકૃતિક કૃષિના ફાયદા અને રાસાયણિક ખેતીના નુકસાનની વાતો જાણ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતીના ખોળામાં ખૂંદવાનો દ્ર્ઢ નિર્ધાર કર્યો.
     છેલ્લા ચાર વર્ષની આકરી તપસ્યા બાદ આજે તેઓ એક વીઘામાં ૨૨ જાતની પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરી રહ્યા છે. તેમના ખેતરના શેઢે ૧૦૦૦ જેટલા સરગવાના વૃક્ષો વાવ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦માં જ એમણે પ્રાકૃતિક ખેતીમાં પાપા પગલી માંડી હતી અને એક પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત તરીકે તેમણે સુભાષ પાલેકર અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મહેસાણા “આત્મા” કચેરીના સંપર્કથી જીવામૃત,ઘનજીવામૃત, દશપરણી અર્ક, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર નિમપર્ણી વગેરે ઝડપથી શીખવા માંડ્યું અને ટૂંકા ગાળામાં તેઓએ જમીનને શુદ્ધ કરવા બીડુ ઝડપ્યું હોય એમ આજે જમીનના સ્વાસ્થ્ય સાથે સમાજના અને ઘરના સભ્યોના સ્વાસ્થ્યને સુધારવા શાકભાજી તેમજ અનાજ પ્રાકૃતિક ખેતીથી ઉગાડી રહ્યા છે.
        તાજેતરમાં વિસનગર તાલુકાના બાસણા ગામે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પોતાની સફળતા અને પ્રાકૃતિક ખેતીના લગાવ તેમજ અનુભવને વર્ણવતા તેઓએ જણાવ્યું હતું કે,આપણી જમીન વેન્ટિલેટર પર આવી ગઈ છે. આપણા વડવાઓની ખેતી પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમથી આપણે ઓછા પાણી અને ખાતરથી પ્રાકૃતિક ખેતી કરીને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું છે .ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને “આત્મા” કચેરી દ્વારા આજે ઠેર ઠેર તાલીમો અને પ્રવાસો દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે લોકોમાં જનજાગૃતિ ફેલાવાઈ રહી છે ત્યારે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. પ્રાકૃતિક શાકભાજી અને અનાજની મારે ત્યાં એટલી માંગણી છે કે રવિવારે બે પાંચ હજારનું શાક તો પલભરમાં વેચાઈ જાય છે.
      મહેસાણા શહેરના નાગરિકો જ નહીં પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજનારા સૌ મારે ત્યાંથી અનાજ પણ ખરીદી જાય છે. કેન્સર અને યુવાઓમાં હાર્ટ એટેકનું કારણ રાસાયણિક ઝેર છે. તેને હરાવવાનું એક માત્ર શસ્ત્ર પ્રાકૃતિક ખેતી છે. આપણે આપણી જમીનને વેન્ટિલેટરમાંથી ઉઠાડી પ્રાકૃતિક ખેતીને સ્વીકારવા માટે તેઓએ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે અને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલે તેમને પ્રગતિશીલ ખેડુત તરીકે પ્રમાણિત કરીને સન્માનિત કર્યા હતા.

Related posts

કલોલ મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી

ApnaMijaj

રાજ્ય પોલીસને અભિનંદન સાથે ઇનામ અપાયાં

ApnaMijaj

જો ઉનાવામાં ઢોર રખડતાં મળ્યા તો….

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!