• મહેસાણા એલસીબીની ટીમે 1.88 લાખનો દારૂ જમીન ખોદીને કાઢ્યો
• ત્રણ શખ્સો સામે લાંગણજ પોલીસ મથકમાં ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની-મહેસાણા
મહેસાણા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ એસએસ નીનામાએ જિલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવા માટે કવાયત હાથ ધરી છે. જેના ફળ સ્વરૂપે એલસીબીની ટીમે લાંગણજ પોલીસ મથક તાબામાં આવતા આંબલીયાસણ ગામની સીમના ખેતર ખોદીને 1.88 લાખથી વધુની કિંમતનો અંગ્રેજી પ્રકારનો ભારતીય બનાવટના દારૂની 2028 બોટલ કબજે કરવા સાથે એક વ્યક્તિની અટકાયત કરી ત્રણ શખ્સો સામે લાંગણજ પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો છે.
વિગતો મુજબ મહેસાણા જિલ્લા એલસીબીની ટીમ દારૂ જુગારની પ્રવૃત્તિને બંધ કરાવવા માટે સક્રિય બની છે તેવામાં ટીમના પી.એસ.આઇ એમડી ડાભી, એએસઆઈ ડાયાભાઈ ગણેશભાઈ, અનિલકુમાર દેવુસિંહ, હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર ગીરીશભાઈ, શૈલેષકુમાર મયજીભાઈ, જયેશકુમાર ભરતભાઈ અને રમેશભાઇ બબાભાઈએ બાતમી આધારે આંબલીયાસણના ખેતરમાં દરોડો પાડી જમીનમાં દાટેલી દારૂની બોટલો પકડી પાડી હતી. પોલીસ તપાસમાં ચરાડુ પરુના ઠાકોર સંજયજી ઉર્ફે ભૂરો રામાજી, ઠાકોર લાલાજી ઉર્ફે બોબો રામાજી અને ઠાકોર અમરતજી શકરાજી બહારથી દારૂ લાવીને વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સંજયજી ઉર્ફે ભૂરાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. જ્યારે અન્ય બે લોકોને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.