•નંદાસણ રોડ ઉપર ટ્રક ચાલકને છરીના ઘા ઝીકી ૨૫ હજારની લૂંટ ચલાવી હતી
•ફતેપુરા, કટોસણના એક કિશોર સહિત ત્રણ લુટારુ પોલીસના હાથે ચડી ગયા
•કટોસણ ગામના બે ભાગેડુ શખ્સોને પકડવા પોલીસે કવાયત કાયમ રાખી
કડી:(અપના મિજાજ નેટવર્ક)
કડી નંદાસણ રોડ ઉપર બે દિવસ પૂર્વે ટ્રક લઈને જઈ રહેલા મૂળ રાજસ્થાનના વતની દેવકીશન ટીકુરામ કૂલડીયાને આંતરીને સ્વીફ્ટ કારમાં આવેલા રણજીતરાજ શખ્સોએ ચપ્પાના ઘા મારી 25000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન સહિત 30,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટના બાદ હુમલામાં ઘાયલ ટ્રકચાલકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવારમાં બિછાનેથી ટ્રકચાલકે પોલીસને આપેલી વિગતોને ધ્યાનમાં લઇ અહીંના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.ગોસ્વામીએ લુંટારૂ શખ્સોને પકડી પાડવા માટે પગેરૂં દબાવ્યું હતું. કડીમાં લૂંટ કરી ટ્રક ચાલકને ચપ્પા વડે ઘાયલ કરીને પોતે સફળ થયા હોવાનો અંદાજ રાખી સમાજમાં ખુલ્લેઆમ ફરી રહેલા અપરાધિક તત્ત્વોને ખબર નહોતી કે તેઓએ જે કાર્ય કર્યું છે તેની તપાસ ખમીરવંતી ‘મર્દાની’ પોલીસ અધિકારી પાસે છે. કડી પોલીસ મથકના પીઆઇ ધર્મિષ્ઠાબેન ગોસ્વામીએ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, વિભાગીય પોલીસ અધિક્ષક આર આઈ દેસાઈ સહિતનાઓના માર્ગદર્શન તળે લૂંટની ઘટનાને અંજામ આપનાર તત્વોને પકડી પાડવા માટે તમામ પ્રકારે પોતાના પ્રયાસો આદરી દીધા હતા. અંતે ઘટના બન્યાના બે દિવસ બાદ લુંટારૂ શખ્સો પૈકી એક કિશોર સહિત ત્રણ લોકોને પકડી પાડવામાં કડીના ‘મર્દાની’ પોલીસ અધિકારી સફળ થયા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત આપી હતી કે અહીં લૂંટ કર્યા બાદ તેઓએ દેત્રોજના સુજપુરા ચોકડી પાસે તેઓ એક બાઈક ચાલકને તલવાર વીંઝીને મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી હતી.
•આ લૂંટારૂ પોલીસના હાથે ચડી ગયા
(૧) ઇન્દ્રવિજયસિંહ ઉર્ફે ખુમાનસિંહ વિનુભા મકવાણા રહે. ફતેપુરા, રામજી મંદિરની સામે તા. દેત્રોજ (૨) જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ભયલુભા ઝાલા, રહે. કટોસણ-ઉદપુરા તા. જોટાણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રકમ 12,500, છરી અને તલવાર કબજે કરી છે.