•શહેરનો અંડરપાસ ૧૮ મહિનામાં પૂરો કરવાનો હતો ૨૪ મહિના થયા છતાં કોઈ ઠેકાણું નથી
•રૂ.૧૦૪ કરોડનું કામ ૧૪૧ કરોડે પહોંચી ગયું, પાણી ભરાશે કે નહીં તેનો પ્રયોગ ચોમાસામાં થશે
• ભણેલા પણ (ગણેલા નહીં) સિવિલ એન્જિનિયર ડફોળ હોય તેવું ચિત્ર અહીં ઉપસ્યું
સંજય જાની, અપના મિજાજ- ન્યુઝ
મહેસાણા શહેરમાં લોકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો અપાવવા માટે મોઢેરા ચોકડી પાસે અંડરપાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અંડરપાસનું કામ અંદાજે રૂ. ૧૦૪ કરોડના ખર્ચે કરવા માટેનો કોન્ટ્રાક્ટ એક એજન્સીને આપવામાં આવ્યો છે. કહેવાય છે કે મૂળ એજન્સીએ આ અન્ડરપાસ બ્રિજનું કામ અન્ય એક મારુતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને અંડરપાસ બનાવવા માટેનું કામ આપી દીધું છે. ટેન્ડરિંગ નિયમ પ્રમાણે કહેવાય છે કે અંડરપાસનું કામ ૧૮મહિનામાં પૂર્ણ કરવાનું હતું પરંતુ આજે ૨૪ મહિના વિતી જવા છતાં પણ કામગીરી પૂર્ણ કરી શકાઈ નથી. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના જવાબદારો દ્વારા અંડરપાસનું કામ કરતી એજન્સીને ૩૦ વખત નોટિસો ફટકારવામાં આવી છે તેમ છતાં જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો ઉપર તેની કોઈ જ અસર દેખાતી ન હોય હવે આ કંપનીને “બુસ્ટર ડોઝ” અપાય તો જ વહેલી તકે અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણ થાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે. શહેરના કોંગી અગ્રણી અને બહુચરાજીના ધારાસભ્યએ માથે ચોમાસુ બેઠેલું હોઇ અંડરપાસમાં પાણી ભરાવવાની સમસ્યા બની રહેશે તેવી શંકા દર્શાવી છે. જોકે આ અંગે એક આક્ષેપ એવો પણ સામે આવ્યો છે કે અંડરપાસના નિર્માતાએ રોકેલા ભણેલા સિવિલ એન્જિનિયરે અંડરપાસ બ્રિજમાં પાણી ભરાશે કે નહીં તેનો પ્રયોગ ચોમાસામાં આવનાર વરસાદી પાણીથી નક્કી કરાશે તેવું માની લેતા પોતે ડફોળ હોવાનું ચિત્ર અહીં ઉપસી આવ્યું છે.
મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે કરોડોના ખર્ચે અંડરપાસ ભલે બનતો પરંતુ આ અન્ડરપાસનું કામ મંથર ગતિએ ચાલતું હોઇ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી અંડરપાસ બ્રિજ જનતાની સેવામાં ખુલ્લો મુકવા માટે અહીંની નગર પાલિકાના વિપક્ષી નેતા કમલેશ સુતરીયા, કોંગી અગ્રણી ભૌતિક ભટ્ટ અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે માગણી બુલંદ કરી છે. એટલું જ નહીં કોંગ્રેસના આ ત્રણ આગેવાનોએ અંડરપાસ બ્રિજમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ થયો હોવાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ મૂળ ખર્ચ કરતા વધુ પ્રમાણમાં કરોડો રૂપિયાની રકમ અંડરપાસ બ્રિજના નિર્માણમાં ખર્ચાઈ ગઈ હોવા છતાં જોઈએ તેવી કામગીરી કરવામાં ન આવી હોવાની પણ હૈયા વરાળ તેઓએ ઠાલવી કોન્ટ્રાક્ટર પ્રત્યે અહીંના સ્થાનિક ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રહેમ દ્રષ્ટિ રાખી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ એજન્સીના જવાબદારો કહી રહ્યા છે કે ડામર મળતો ન હોવાથી કામ મોડું થઈ રહ્યું છે.
• ૩૦ વખત નોટીસ આપવા છતાં કોન્ટ્રાક્ટર બાંધકામ વિભાગના અધિકારીઓને કંઈ સમજતો જ નથી!
મહેસાણા પાલિકાના વિપક્ષી નેતા કમલેશ સુતરીયા આક્ષેપથી એવું માની શકાય કે, મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ધારાસભ્ય કોન્ટ્રાક્ટરના હિતનું કામ કરી રહ્યા છે. વિભાગે ત્રીસ-ત્રીસ નોટિસો આપવા છતાં જાડી ચામડીના કોન્ટ્રાક્ટર બાંધકામ વિભાગના અધિકારીઓને કંઈ ગણતા જ નથી. કોન્ટ્રાક્ટરની મનમાની સામે બાંધકામ વિભાગના અધિકારીઓ અને ધારાસભ્યની મીલીભગત હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા. ઉપરાંત તેઓએ કહ્યું હતું કે 30 નોટિસ પછી પણ કોન્ટ્રાક્ટર દાદ દેતા ન હોઇ કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં અને તેમની ડિપોઝિટ જપ્ત કરી એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ.
•સરકારના ‘લાડલા’ તરીકે એજન્સીને કામ આપવામાં આવ્યું: ભૌતિક ભટ્ટ (કોંગી આગેવાન)
આ અંગે પોતાની તીખી પ્રતિક્રિયા આપતા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે કહ્યું હતું કે, મહેસાણાની જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અંડરપાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે બ્રિજ પોતાની સેવા માટે ૧૮ મહિનામાં ખુલ્લો મૂકી દેવાની વાત હતી પરંતુ ૨૪ મહિના પછી પણ તે વાત માત્ર ‘વાત’ જ રહી છે. લોકો ટ્રાફિકની સમસ્યા આજે પણ સહન કરી રહ્યા છે. ઉપરાંત, અંડરપાસ બ્રિજનું કામ કરતી એજન્સી સરકારના ‘લાડલા’ તરીકે કામ આપવામાં આવ્યું હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.
•જે એજન્સીના નામનું ટેન્ડર છે તે એજન્સી કામ કરતી જ નથી: ભરતજી ઠાકોર (ધારાસભ્ય-બહુચરાજી)
મહેસાણાના મોઢેરા ચાર રસ્તા નજીક બનાવવામાં આવતા અંડરપાસ બ્રિજ મુદ્દે પોતાની હૈયાવરાળ ઠાલવતા બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, અંડરપાસ બ્રિજનું કામ જે એજન્સીના નામે ટેન્ડર પાસ થયું છે તે એજન્સી કરતી નથી પરંતુ અન્ય એજન્સી કરી રહી છે. જ્યારે કામ બરાબર નથી થતું ત્યારે જે-તે એજન્સીઓના કહેવા જઈએ ત્યારે તે કહે છે કે આ કામ અમારું નથી અન્ય એજન્સી કરી રહી છે. ઉપરાંત આવનારા ચોમાસામાં વરસાદી પાણી અંડરપાસ બ્રિજમાં ભરાઇ જવાથી લોકોને મોટી મુશ્કેલી સહન કરવી પડશે તેમ કહી તેઓએ પોતાનો આક્રોશ છતો કર્યો હતો.