• રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસ અધિક્ષકે બનાવની ગંભીરતા જોતા સમગ્ર તપાસ એલસીબીને આપી હતી
• પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગંભીર થી અતિ ગંભીર ગુના નોંધાયેલા છે
અપના મિજાજ ન્યુઝ: (સંજય જાની)
નખત્રાણાના એક ખેડૂતને ગત તા. 5 નવેમ્બરના રસ્તામાં આંતરીને અજાણ્યા શખ્સોએ પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાઈ હતી. હુમલાની ઘટના અંગે સમગ્ર નખત્રાણા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પાડયા હતા. બનાવની ગંભીરતા જોઈને રેન્જ આઇ.જી ચિરાગ કોરડીયા તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સમગ્ર તપાસ પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશક શાખાને સોંપી હતી. જેના ફળ સ્વરૂપે એલસીબીના પી.આઈ. એસ એન ચુડાસમા તેમજ ટીબી રબારી સહિતની ટીમે હુમલાખોર ત્રણ રીઢા આરોપીઓને દબોચી પાડી તેમની પાસે રહેલી બે કાર પણ કબજે લઈ તપાસનો દોર લંબાવ્યો છે. નોંધનીય છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ગંભીરથી અતિ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ ગત તા. 5 નવેમ્બરના નખત્રાણાના ખેડૂત પુરુષોત્તમ પ્રેમજી નાથાણી પોતાની કાર લઈને કોટડાથી ખાંભલા માર્ગ પર આવેલી તેમની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયો તેમજ અન્ય કારમાં ધસી આવેલા અજાણ્યા શખ્સોએ તેમને પાઇપ સહિતના હથિયારો વડે માર મારીને ઘાયલ કરી ધમકી આપીને ભાગી છૂટ્યા હતા. જે સંદર્ભે તેઓએ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ બન્યાને દિવસો વીતી ગયા બાદ નખત્રાણા પોલીસના હાથ આરોપીઓને પકડવામાં ટૂંકા પડતા ઉચ્ચ અધિકારીઓએ બનાવની તપાસ એલસીબીને સોંપી હતી. જેથી એલસીબીની ટીમે હુમલાખોરોને પકડી પાડવા માટે પગેરું દબાવી સીસીટીવી ફૂટેજ તેમાં હ્યુમન સોર્સની મદદથી ગણતરીના સમયમાં જ ખેડૂતે વર્ણન આપેલા ત્રણેય શખ્સોને દબોચી હુમલામાં ઉપયોગમાં લેવાયેલી scorpio સહિતની કાર પણ કબજે લીધી હતી.
ખેડૂત ઉપર થયેલા હુમલાના બનાવની ગંભીરતા સમજીને તપાસ કરી રહેલી એલસીબી સહિતની પોલીસ ટુકડીએ 34 થી વધુ ગામોના સીસીટીવી કેમેરા, નેત્રમ કમાન કંટ્રોલ તેમજ અન્ય સોર્સ સાથે હુમલાના બનાવ વખતની અવરજવર પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસનું પગેરું દબાવ્યું હતું.
• પકડાયેલા આરોપીઓ સામે અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે
પોલીસે હુમલાખોરોને પકડી પાડવા માટે અલગ અલગ માધ્યમોની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું જેમાંશોકસિંહ વિજયસિંહ જાડેજા રહે. જુનાવાસ માધાપર, ભરત વાલજી હિરાણી (પટેલ)રહે. સરલી ,તથા કિશોર કાંતિલાલ દાતણીયા રહે. રામનગરીને ઝડપી પાડયા હતાં.આરોપી અશોકસિંહ વિજયસિંહ જાડેજા વિરુદ્ધ અગાઉ નખત્રાણા, માનકુવા, ભુજ અને માધાપર સહિતના પોલીસ મથકોએ ૧૦થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે તેના સાગરીતો ભરત હિરાણી તથા કિશોર કાંતિ દાતણીયા સામે પણ માનકુવા, ભુજ ,માધાપર પોલીસ મથકે ગંભીરથી અતિ ગંભીર પ્રકારના અપરાધ કરવા સંદર્ભે ગુના નોંધાઈ ચુક્યા છે.
• હુમલો શા માટે કરાયો તે અંગેનો ફોડ પોલીસે નહિ પાડતા રહસ્યના તાણાવાણા સર્જાયા છે
નખત્રાણામાં ખેડૂત ઉપર હુમલો કઈ બાબતને લઈને કરવામાં આવ્યો છે તે અંગેનો ફોડ પોલીસે પાડ્યો નથી. જેથી ઘટનાને શા માટે અંજામ અપાયો છે તે અંગે રહસ્યાના તાણાવાણા સર્જાયા છે. જોકે પોલીસે તપાસ દરમિયાન જે કંઈ બહાર આવશે ત્યારે જાહેર કરવાની વાત કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ ગૌચર જમીનના મુદ્દે ખેડૂતને આંતરીને હુમલો કરાયો હોવાની હવા ઉડી છે.