



• રૂ.૭.૧૫ કરોડનો રોડ હજુ અડધો બનાવવાનો બાકી છે, કામના વિલંબમાં સરકાર બદલાઈ ગયાનું બહાનું આવ્યું
• અમદાવાદ R&Bના અધિકારીઓને મહેસાણાના ઠેકેદારની ‘ભાઈબંધી’ માફક આવી ગઈ લાગે છે!
•અડધોઅડધ રોડ બનાવવાનું કામ બાકી છતાં 14 જાન્યુઆરીએ માર્ગ પૂર્ણ કરી દેવાયો હોવાના બોર્ડ લાગ્યુ
અમદાવાદ:(અપના મિજાજ નેટવર્ક)
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી ગયેલા માર્ગો બનાવવા માટે ઠેક આપી દેવામાં આવ્યા છે. પરંતુ નિયત સમયમાં માર્ગનું નિર્માણ નહી થતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ એવું કહેવાય છે કે અમદાવાદ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરોને ઠેકેદારોની ‘ભાઈબંધી’ માફક આવી ગઇ છે. જેનું કારણ એકમાત્ર એવું જાણકાર સૂત્રો બતાવી રહ્યા છે કે કરોડો રૂપિયાના માર્ગ જન સુવિધા માટે નવ નિર્માણ કરવા સરકાર કટિબદ્ધ છે પરંતુ કોઈને કોઈ બહાને સમયસર માર્ગનું કામ કરાતું નથી અને ખખડધજ માર્ગના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
કેશવડીથી સરલા, બગોદરાને જોડતો અંદાજે ૭.૧૫ કરોડના ખર્ચે ‘પ્રધાનમંત્રી સડક યોજના’ અંતર્ગત નવનિર્માણ થતો માર્ગ 14 જાન્યુઆરીના પૂર્ણ કરી દેવાનો હતો. જે માર્ગ હજુ અડધોઅડધ નવો બનાવવાનો બાકી છે અને મહેસાણાની નટરાજ કન્સ્ટ્રક્શન કંપનીએ માર્ગ પૂર્ણ કરી દેવાયો હોવાનું બોર્ડ પણ જમીનમાં ઘાડી દીધું છે. જોકે આ બાબતે કામ કરનાર એજન્સીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકાર બદલાઈ ગઈ અને અધિકારીઓ બદલાઈ ગયા એટલે કામ પૂર્ણ કરવામાં વિલંબ થયો છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે કોઈની ભૂલનો ભોગ નિર્દોષ વાહનચાલકો શા માટે બને?
• સરકાર બદલાઈ ગઈ, અધિકારીઓની બદલી થઈ ગઈ એટલે સડક બનાવવામાં વિલંબ થયો
આ અંગે પ્રધાનમંત્રી સડક યોજનાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટ એજન્સીના કર્મચારી સતીશભાઈ એ જણાવ્યુ હતું કે માર્ગનું કામ ચાલુ હતું તેવા માં જ સરકાર બદલાઇ ગઇ હતી. સરકાર બદલાઈ જવાના કારણે અધિકારીઓની પણ બદલી કરી દેવામાં આવી હતી. જેના કારણે માર્ગ નિર્માણ માટે ઊભી થયેલી ટેકનીકલ ખામીઓ મંજૂર કરાવવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવ્યો છે જેના કારણે નિયત સમય મુજબ માર્ગ નિર્માણનું કામ પૂર્ણ કરી શકાયું નથી.