રાજકોટ જિલ્લાના જસદણનો આધેડ મગજની અસ્થિરતાના કારણે કોઈ રીતે અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારના રોહિકા ગામે આવી ચડ્યો હતો. જે અંગેની જાણ કોઈ જાગૃત નાગરિકે બગોદરા પોલીસ મથકમાં કરતા પોલીસે તેનો કબજો લઈને તેની સાથે સહાનુભૂતિ અને પ્રેમાળ વાર્તાલાપ કરી વાસ્તવિકતા જાણીને તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારજનો સાથે પણ વાતચીત સાથે ખરાઈ કરીને તેના પરિવારજનોને બગોદરા બોલાવી આધેડને પરિવારને સોંપીને તેમનું સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલ જીવણભાઈની વાડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય સુભાનભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ પોતાની માનસિક સ્વસ્થતા ગુમાવીને કોઈ કારણોસર જસદણથી નીકળીને બગોદરા પાસે આવેલા રોહિકા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બાપાસીતારામની મઢુલી ખાતે આશરો લીધો હતો. સ્થાનિક લોકોએ અજાણ્યો વ્યક્તિ પોતાના ગામમાં આવી ચડ્યો હોવાનું જાણીને બગોદરા પોલીસ મથકે આ અંગેની જાણ કરી હતી. જેથી પોલીસના જવાનો રોહિતા પહોંચ્યા હતા અને જસદણના આધેડ સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસ કર્મચારીઓએ આધેડ સાથે કરેલી વાતચીતમાં તેમના પરિવારજનો અંગેની વિગતો મળતા પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. જેથી સભાનભાઈના દીકરા વિકાસ અને અન્ય સભ્યો બગોદરા પોલીસ મથક આવ્યા હતા જ્યાં પોલીસે તેમની સાથે સંવાદ કરી ખરાઈ કર્યા બાદ સભાનભાઈને તેમના પરિવાર સાથે તેમના વતન મોકલી દેવામાં આવ્યા હતા.