સતલાસણા તાલુકામાં મનરેગાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર છતાં ટીડીઓની ‘દ્રષ્ટિ’ પડતી નથી?!
• છેવાડાના તાલુકામાં કરાતી અનદેખી ગેરરીતીઓને પ્રોત્સાહન આપતી હોવાના આક્ષેપો
• જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જવાબદારોને સતલાસણા તાલુકો દેખાતો જ નથી?
• સરકારી યોજનાનો લાભ લોકોને મળે એના કરતાં તો તંત્રના અધિકારીઓ વધુ લઈ જતા હોવાની ચર્ચા
• મનરેગામાં થતી ગેરરીતિઓ અંગે ગાંધીનગર કક્ષાએથી તપાસ થાય તો અનેકના તપેલા ચડી જાય તેવી સ્થિતિ
મહેસાણા (અપના મિજાજ ન્યુઝ)
મહેસાણા જિલ્લાના છેવાડાના સતલાસણા તાલુકામાં સરકારની મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમ છતાં અહીંના તાલુકા વિકાસ અધિકારીની ‘દ્રષ્ટિ’ કામ કરતી ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સરકારી યોજનાનો લાભ આમ લોકોને ઓછો અને તંત્રના અધિકારીઓને વધુ મળતો હોવાના કારણે અહીં કોઈ તપાસ કરાતી ન હોવાની ચર્ચા સરેઆમ થઈ રહી છે. તો બીજી તરફ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જવાબદારોના નકશામાં જાણે સતલાસણા તાલુકો આવતો જ ન હોય તેવી છાપ તેમની અનદેખીથી ઉપસી આવી છે. જેથી લોકો ઈચ્છે છે કે અહીંની સરકારી યોજનાઓમાં ચાલતી કામગીરીમાં ગાંધીનગર કક્ષાએથી નિષ્ઠાપૂર્વક તપાસ થાય તો અનેક અધિકારીઓના તપેલાં ચડી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
• તાલુકા વિકાસ અધિકારી દૃષ્ટિ ચૌધરી ઈમાનદારીની ‘દ્રષ્ટિ’ ગુમાવી ચૂક્યા છે કે શું?
સતલાસણા તાલુકામાં ચાલતા મનરેગાના કામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ થઈ રહી હોવાના આક્ષેપો અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઉઠ્યા છે. તેમ છતાં અહીંના તાલુકા વિકાસ અધિકારી દૃષ્ટિ ચૌધરી તેમને મળતી ફરિયાદો છતાં પણ કોઈ કામગીરી કરતા ન હોવાની પણ ચર્ચા સામે આવી છે. જેને લઈને લોકો એમ કહી રહ્યા છે કે ટીડીઓ દ્રષ્ટિ ચૌધરી ઈમાનદારીથી ફરજ બજાવવાની પોતાની ‘દ્રષ્ટિ’ સંભવત ગુમાવી ચૂક્યા છે. એટલે જ અહીં નિષ્ઠાથી કોઈ તપાસ કરવામાં આવતી નથી.
• જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પણ સતલાસણા તાલુકાથી કોઈ માયા ન હોય તેવું ચિત્ર
જિલ્લાનો છેવાડાનો તાલુકો ગણાતા સતલાસણા પંથકમાં મોટા પ્રમાણમાં સરકારી કામકાજો લોકોની સુખાકારી માટે ચાલી રહ્યા છે. પરંતુ તેમાં લોકોને કોઈ સુખ મળે એના કરતાં તો વધારે આર્થિક સુખ જે તે વિભાગના સરકારી બાબુઓને મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. અહીં ચાલતા મનરેગા ના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જવાબદારોને સતલાસણા તાલુકાથી કોઈ ‘માયા’ ન હોય તેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી. એક આક્ષેપ તો એવો પણ છે કે જો તપાસ થતી હશે તો પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જેવા તંત્રના અધિકારીઓ માત્ર પોતાનો જ ફાયદો કરીને બધું લોલંલોલ ચલાવતા હોય છે.