• અરે તમે તો સાંસદ, ધારાસભ્ય કે સરકારમાં મંત્રી છો એક હુકમ કરો તો ઘાતક દોરી વેચાતી બંધ થઈ શકે પણ..
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
રાજ્યમાં ઉતરાયણનો તહેવાર ઉજવવા માટે પતંગ રસીયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે. જોકે તે પૂર્વે જ અમુક લોકોએ ચાઈનીઝ તેમજ કાચ પાયેલી ઘાતક દોરીઓથી પતંગ ઉડાડવાના શરૂ કરી દીધા છે. પતંગ રસિયાઓ તેમના શોખ પૂરા કરે ને આનંદ, ઉત્સવ, મોજ અને મસ્તીથી પ્રફુલિત થાય તેમાં ના નથી. પરંતુ તેઓ જે દોરીનો વપરાશ કરે છે. તે ઘાતક દોરીથી અનેક પશુ પંખીઓ ઘાયલ થયા હશે. જોકે સમાચાર માધ્યમોમાં ચાઈનીઝ જેવી પ્રતિબંધિત દોરીથી કેટલાય વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અમુક કિસ્સામાં તો લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેની પરવા કોઈએ કરી નથી. વાસ્તવિકતામાં જોઈએ તો આવી ઘટનાઓ પણ હત્યા કે હત્યાની કોશિશમાં ગણાવી જોઈએ એવું પણ અમુક વર્ગ માની રહ્યો છે. બીજી મહત્વની બાબત એ છે કે, રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતીને નેતા બની ગયેલા લોકો દ્વારા દ્વિચક્રી વાહનચાલકોને સળિયાની બનાવટના સેફટી ગાર્ડ લગાવી તેમના જીવ બચાવવાના પ્રયાસનું ઉમદા કાર્ય કરવામાં આવે છે. જે આવકાર્ય છે, પરંતુ જે પ્રમાણે પોતાની વાહ વાહી લૂંટાવાય છે તે પદ્ધતિ ખોટી માની શકાય તેમ છે. પરંતુ આપણે એવું કંઈ માનવું નથી. કારણકે પોતાની વાહ વાહી લૂંટવાનો કે લૂંટાવવાનો સૌ કોઈને બંધારણીય હક છે.
હવે મુખ્ય વાત એ છે કે, લોકસભા, રાજ્ય સભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત્યા પછી ઈસ્ત્રી ટાઈટ ઝભ્ભા લેગા ઠઠાવીને નેતાગીરીમાં પોતાનો એક્કો જમાવવા માટે કોઈપણ ક્ષેત્રે ગમે તેવું કામ કરવા અને જનતા વચ્ચે વાહ સાહેબ વાહ… કહેવડાવવા નીકળી પડતા આ નેતાઓ લોકોના જાનમાલની રક્ષા કેમ થાય ને તે સારી રીતે જાણતા હોય છે. પરંતુ તેમને તો પોતાની પીઠ થપ થપાવડાવવી હોય છે. એટલે કોઈ એવો દેખાડો કરે કે જેનાથી જનતા જનાર્દન કહે કે વાહ ભાઈ વાહ સાહેબ કેટલું સારું કામ કરી રહ્યા છે! વાત છે ઉતરાયણ પૂર્વે અને ઉતરાયણ સમયે અને એના પછી જો કોઈ લોકો ચાઈનીઝ કે પછી પ્રતિબંધ લગાવેલી દોરીનું વેચાણ કરે કે ઉપયોગ કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે અદાલતી નિર્દેશ છે. બીજી તરફ જે તે જિલ્લાના અધિક કલેકટર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી ઘાતક દોરીનું વેચાણ કે ઉપયોગ કરનારા સામે કાનૂની રાહત કાર્યવાહી કરવા કહેવામાં આવે છે. પણ તેમાં પોલીસ દ્વારા એક બે કિસ્સામાં જ કામગીરી બતાવાય છે બાકી બધામાં સંબંધો સચવાઈ જતા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
અને છેલ્લે એક વાત કોઈપણ ક્ષેત્રમાં મતદાતાઓના સહકારથી ચૂંટાઈને નેતા બની ગયેલા લોકો ઢોલ નગારા વગાડીને ઘાતક દોરીથી લોકોને બચાવવા માટેની કામગીરીની વાહ વાહી લૂંટતા નેતાઓ જો ધારે તો જે તે જવાબદાર અધિકારીને સુચના આપે કે આપણા જિલ્લા, તાલુકા કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય પણ ચાઈનીઝ, કાચ વાળી અથવા તો જેને પ્રતિબંધિત કરવામાં આવી છે તેવી દોરી ક્યાંય પણ વહેંચાવવી ન જોઈએ અને એ માટે તમારે સઘન કામગીરી કરવાની રહેશે. તો લોકો ચોક્કસપણે માને છે કે ક્યાંય પણ લોકોના ગળા કાપીને તેમને ઘાયલ કરતી કે તેમના જીવ લઈ લેતી પ્રતિબંધિત દોરી ક્યાંય પણ વેચાતી જોવા નહીં મળે. પરંતુ આવું કામ કરવું જ કોને છે? દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવીને ફોટો સશન કરાવી પોતે લોકોની સુરક્ષા માટે કેટલું ઉમદા કામ કરી રહ્યા છે તેવું લોકોને અને સમાચાર માધ્યમોમાં બતાવવા વાળા સાંસદો, ધારાસભ્યો, જિલ્લા, તાલુકા પંચાયતના સભ્યો જેટલો સમય સારી કહી શકાય એવી આ કામગીરીમાં બગાડે છે. તેના કરતાં ઓછા સમયમાં આ કહેવાતા નેતાઓ જો પોતાના કાર્યકરો અને પોલીસ વિભાગના કર્મચારીઓને લઈને પતંગ દોરા વેચતા વેપારીઓની હાટડીયો ઉપર પહોંચીને પ્રતિબંધિત દોરીનું વેચાણ અટકાવવા એક પાંચિયા ભાર પણ પ્રયાસ કરે તો સંભવત નક્કર પરિણામ મળી શકે તેમ છે. અને ખરા અર્થમાં એજ તેમની સેવા અને માણસાઈ ગણાઈ શકાય.
• નેતાઓની દાનત સાફ હશે તો ઘણો બધો બદલાવ લાવી શકાય
દેશ કે રાજ્યમાં બનતી અમુક ઘટનાઓના વિરોધમાં વેપાર ધંધા બંધ કરાવવા ટોળા રૂપે નીકળી પડતા એ નેતાઓ લોકોના ગળા કાપતી પ્રતિબંધિત દોરીઓનો વેપાર બંધ કરાવવા જો પોતાના ઓલિયા,ઠોલીયાઓને લઈને કેમ નીકળી નથી પડતા? આવા પ્રશ્નોનો કદાચ એક જવાબ એવો પણ હોઈ શકે કે સ્વેચ્છિક રીતે લોકોની સુરક્ષા વધારીએ પરંતુ વેપારીઓના મત પણ લેવાના હોય છે અને તેમની સાથે પણ સુમેળ ભર્યા સંબંધો ચૂંટણીમાં કામ તો આવવાના જ છે ને! આમ નેતાઓના ચાવવાના અને બતાવવાના અલગ અલગ હોય છે એ તો જનતા જનાર્દન જાણે છે પરંતુ એવું પણ હોઈ શકે કે આ નેતાઓ જનતાને મામુ સમજતા હશે. એટલે થઈ શકે એવી છે છતાં પણ નહીં કરવામાં આવતી પ્રતિબંધિત દોરીનું વેચાણ અટકાવવાની કામગીરી કરવામાં રસ લેતા નથી. જે એક શરમજનક બાબત છે. માત્ર પ્રતિબંધિત દોરી વેચશો નહીં આવું કહી વાહ વાહી લૂંટી લેનારા નેતાઓ પ્રતિબંધિત દોરીના વિક્રેતાઓ પાસે જઈને કાનુની કાર્યવાહી કરવા માટે આગળ આવે તો જ તેઓએ કોઈ ઉમદા કામ કર્યું છે તેવું કહી શકાય. બાકી જનતા જાણે ઘણું બધું છે પરંતુ એ પણ સમજે છે કે કથિત વાઘને કેમ કહેવું કે તારું મો ગંધાય છે! છતાં વાસ્તવિકતા એ છે કે જો નેતાઓની દાનત સાફ હોય તો ઘણો બધો બદલાવ સમાજ જીવનમાં લાવી શકાય તેમ છે.