•શહેરીજનોને રખડતા ઢોરથી કેમ બચી શકાય તેવી માનસિકતા સાથે ઘરથી બહાર નીકળવું પડે છે
•કલોલમાં ઢોર રેઢીયાળ છે કે પછી તંત્ર? પાલિકા પ્રમુખ પાસે મોટી આશા હતી તેઓ પણ પાણીમાં બેઠા
•શાકભાજી લેવા કે અન્ય ચીજ વસ્તુ ખરીદવા બજારમાં નીકળતી મહિલાઓને રખડતા ઢોરોનો સામનો કરવો પડે છે
• શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ રખડતા ઢોરથી બચીને રહેવાની સલાહ સાથે મોકલવા પડે છે
• શરમજનક બાબત છે કે એક મહિલા પ્રમુખ મહિલાઓ સહિત જનતાની સમસ્યા સમજી નથી શકતા
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
# ‘અ’ વર્ગની પાલિકામાં આ છે ખામી- ભાગ :૧
આપણું કલોલ શહેર રખડતા ઢોરથી દાયકાઓથી પરેશાન છે. આ ત્રાસ જાણે નસીબમાં જ લખાઈ ગયો હોય એમ શહેરીજનો વર્ષોથી સહન કરતા રહ્યા છે અને કલોલ પાલિકામાં સમયાંતરે આવતા રહેલા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ ઉચ્ચાધિકારીઓમાંથી પણ કોઈએ એવી નોંધપાત્ર કામગીરી કરી નથી કે આ સમસ્યા જડમૂળમાંથી નીકળી જાય. કલોલમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉર્વશી મુકેશ પટેલે જ્યારથી હોદ્દો સંભાળ્યો, એ પછી રોડ પરથી રખડતાં પશુઓને હટાવવા માટે કેટલાક મહિનાઓ સુધી ગંભીરતાથી અસરકારક પગલા લીધાં હતા. એટલે એ સમયે નગરજનોને લાગ્યું કે, રખડતા ઢોરની વર્ષો જૂની સમસ્યામાંથી હવે આપણને છુટકારો મળી જશે. પણ, શહેરીજનોનો એ આશાવાદ ઝાંઝવાના જળ સમાન જ સાબિત થયો. કારણકે, હાથમાં લાકડીઓ અને દોરડા લઈ ઢોર પકડનારાઓએ શરૂઆતના દિવસોમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું પણ એ પછી દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેમની કાર્યનિષ્ઠામાં ઓટ આવતી ગઈ એક તબક્કો એવો આવ્યો કે ઢોર પકડવાની સેવાની પણ સમાપ્તિ થઈ ગઈ.
શહેરની આ વિકરાળ સમસ્યાથી અવગત હોવા છતાં કલોલની નેતાગીરી (ખાસ કરીને ભાજપના સત્તાધીશો) પણ સતત આંખ આડા કાન કરી રહી છે એ બાબત શહેરીજનો માટે વધારે દુઃખ દાયક અને આઘાતજનક છે. બીજી તરફ શહેરમાંથી રખડતા ઢોર પકડીને પાંજરે પુરવામાં આવતા હતા પરંતુ હવે જ્યારે રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય થઈ પડ્યો છે ત્યારે જ પાલિકા પ્રમુખ ખરા ટાઇમે પાણીમાં બેઠેલા દેખાઈ રહ્યા છે.
•વર્ષો જૂની સમસ્યામાંથી શહેરને જો છોડાવવું હોય તો દાનત સાફ રાખવી પડશે
વર્ષો જૂની આ સમસ્યામાંથી શહેરને જો ખરેખર છોડાવવું જ હોય તો, માઈક્રો પ્લાનિંગ સાથે માસ્ટર પ્લાન બનાવ્યા પછી તેના અમલીકરણ માટે સતત મોનિટરિંગ રાખવું પડશે. કારણકે, જો એવું કરવામાં નહીં આવે તો કાગળ પર જડબેસલાક બનેલા પ્લાનિંગને કામચોર કર્મચારીઓ કલોલના રોડ ઉપર હરાયા ઢોરની જેમ ઉછાળીને ક્યાંય ફેંકી દેશે. તંત્રમાં રહેલા આવા અમુક કામચોર તત્વો આખા પ્રશાસનની વાટ લગાવી દે છે. આવા કર્મચારીઓના લીધે જ શહેરીજનો એ સમજી શકતા નથી કે, “રેઢિયાળ” ખરેખર ઢોર છે કે પછી તંત્ર?
• શરમજનક બાબત એ છે કે મહિલા પ્રમુખ મહિલાઓની જ સમસ્યા નથી સમજી શકતાં
શહેરના લોકો એ માનસિક ડર સાથે ઘરથી બહાર નીકળે છે કે ક્યાંક રખડતા ઢોર અડફેટમાં લઈને ઇજા ન પહોંચાડે. શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ ઘરેથી ટકોર કરીને મૂકવા પડે છે કે જોજો કોઈ ગાય, વાછરડું કે આંખલો સામે આવી જાય તો ચેતીને રહેજો. એટલું જ નહીં શહેરની બજારમાં શાકભાજી કે અન્ય ચીજ વસ્તુ ખરીદવા નીકળતી મહિલાઓને રોજબરોજ રખડતા ઢોરોનો સામનો કરવો પડી રહ્યો છે. શાકમાર્કેટમાં મહિલાઓને અનેક વખત રખડતા ઢોરોએ પોતાનો શિકાર બનાવ્યા હોવાના પણ દાખલા બનેલા છે. આ તમામ પરિસ્થિતિ હોવા છતાં પાલિકાના સર્વ સત્તાધીશ મહિલા પ્રમુખ શહેરની મહિલાઓની સમસ્યા સમજી નથી શકતા તે શરમજનક બાબત છે.
•’હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે’આ માનસિકતા દૂર કરવી જ પડશે
અભિમાન તો રાજા રાવણનુંય નહોંતુ ટક્યું’ એવી દમદાર ડાયલોગબાજી કર્યા પછી ય ‘મારા વગર આ ન થાત’ એનો ફાંકો રાખનાર ભંગારના ભાવે ભટકાય જ છે. ‘કોઈના વિના કશુંય અટકતું નથી’ એ સુત્ર સરકારી મકાનો પર મોટા અક્ષરોએ મઢાવીને લટકાવી રાખવા જેવું છે, જેથી હરપલ એ સ્મરણ રહે કે મેં ન કર્યું હોત તો કોઈ બીજાએ કદાચ વધુ સારી રીતે કર્યું હોત.ભૂતકાળમાં એક કહેવત ખુબ જ પ્રચલિત હતી કે, સચિવાલયના તો કૂતરાને ય સલામી મળે. આ કહેવત શીર્ષકમાં સામેલ નરસિંહ મહેતાના પદ આધારિત જ હશે! કર્મચારીને બદલે કદાચ શ્વાનનો શબ્દપ્રયોગ કર્યો હોય એવું ય બને. બળદગાડાની નીચે ચાલતા કૂતરાને એવું લાગતું હોય કે ગાડું પોતે ચલાવે છે એમ અમુક અધિકારી- કર્મચારી કે પદાધિકારી સરકારનો આખો ભાર એના એકલાના ખભા પર હોય એવા વ્હેમમાં ફરતા હોય છે. એ જ રીતે કલોલ પાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનોની નિમણૂક થઈ છે પરંતુ તેમને કોઈ સત્તા આપવામાં આવી નથી. બસ માત્ર એક જ વ્યક્તિ એવું માને છે કે તમામ બાબતો હું અને માત્ર હું જ કરી લઉં. અહીં ‘આપણે’ ની ભાવનાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોવાનું દુઃખ અન્ય નગર સેવકોના મનને દુભાવી રહ્યું હોવાની પણ ચર્ચા બળવતર બની છે.
•કલોલની જનતા આપની ફરિયાદ ન કરે પણ આપની કામગીરીને લઈ ફરી ફરીને યાદ કરે તેવું કંઈક કરો તો સારું
કલોલ પાલિકાના પ્રમુખ સાહેબા આખો દિવસ પાલિકા કચેરીમાં ભાગ્ય જ દેખાય છે. આમ જોઈએ તો તેમનો દરબાર સાંજે 5:00 વાગ્યા પછી તેમના અમુક માનનીતા અધિકારી, કર્મચારીઓ અને મળતીયાઓ સાથે ભરાતો હોવાનું કહેવાય છે. તેમના બે ચાર કલાકના રાજદરબારમાં શહેરના કોઈ વિકાસની બાબત ચર્ચા યછે કે કેમ તે ખબર નથી પરંતુ કોઈ અકળ “વહીવટ” થઈ રહ્યા હોવાની ચર્ચા પાલિકાના પ્રાંગણમાં જરૂર થઈ રહી છે. જોકે પ્રમુખ સાહેબા આ શહેરમાં કોઈ સારા કામ કરે છે તે જગ જાહેર નથી પરંતુ હંમેશા રાત્રિના ભાગે જ તેઓ વિકાસ કામ કરાવતા હોવાની વાહ વાહી તેમના સોશિયલ મીડિયાની સાઈટો ઉપર જોવા જરૂર મળે છે. જોકે આ તમામ બાબત વચ્ચે પ્રજા એમ પણ કહે છે કે, કર્મચારી-પદાધિકારીની ગેરહાજરીમાં એમના હોવાપણાની ખોટ કેટલી સાલે? જવાબ રોકડો છે: નિષ્ઠાપૂર્વક એણે કરેલા કામ જેટલી. આનાથી એક ટકો ય વધારે નહીં. એટલે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે સમજી લેવું જોઈએ કે કલોલની જનતા જે ફરિયાદ કરી રહી છે અને આ ફરિયાદ માત્ર ફરિયાદ ન રહે પરંતુ આપને અને આપની કામગીરીને ફરી ફરીને યાદ કરે તેવી બનાવવી જોઈએ.
(કલોલ પાલિકાની પોલખોલ ભાગ નં.2હવે પછી)
*કલોલ પાલિકામાં કથિત ગેરરીતિના ઝગમગતા “ચિરાગ”નો થશે પર્દાફાશ
* સેનેટરી વિભાગના કામચોરોએ ગાય પકડવાની જવાબદારી ફાયર વિભાગ ઉપર થોપી દીધી, વાહ રે વહીવટ
2 comments
Rasta pan etla j kharab chhe ane jya juvo tya kacharo padelo hoy chhe…
Ok