•કલોલ શહેર ભાજપ સંગઠનના લોકોને લાગે છે કે અમે બધું બરાબર કરીએ છીએ પણ વાસ્તવિકતા અલગ છે
•કલોલ પાલિકાના મેડમ સાહેબા માને છે કે અમે ઉત્તમમાં ઉત્તમ કામગીરી કરીએ છીએ પણ જનતા શું કહે છે એ જાણ્યું છે ખરું?
•પાલિકાના સુકાની મેડમજી સાંજે 5: 00 વાગ્યા પછી જનતાના પ્રશ્નો સાંભળવા પ્રગટ થાય, જનતાને જરૂર હોય ત્યારે માનતા રાખવી પડે છે
•પોતાના કામ માટે આવતા અરજદારોને પાલિકાના દેવીના દર્શન થઈ જાય તો અહોભાગ્ય, અન્યથા કામ માટે વિનંતીઓ કરવી પડે છે
કલોલ: (સંજય જાની)
કલોલ પાલિકાની ચૂંટણીમાં શહેરની જનતાએ ભાજપના ઉમેદવારોને ખોદેખોબા ભરીને મતોની વર્ષા કરી હતી. પરંતુ અઢી વર્ષના શાસન પછી પણ જનતા માટે સુવિધાની વર્ષા કરવામાં ન આવતી હોવાની બાબતને લઈને જનતા પરેશાન જોવા મળી રહી છે. કહેવાય છે કે પાલિકાના સત્તાધીશો માને છે કે તેઓ પારદર્શક વહીવટ કરી રહ્યા છે. પરંતુ તેમનો વહીવટ અપારદર્શક હોવાનું તેમના વર્તન ઉપરથી જણાઈ આવે છે. બીજી તરફ શહેર ભાજપ સંગઠનના લોકો એમ માને છે કે પાલિકાના શાસનથી જનતા સંતુષ્ટ છે. પરંતુ જો જનતાના આંગણે જઈને પૂછવામાં આવે તો સમજાઈ જશે કે તમારી નેતાગીરીમાં જનતા કેટલી અસંતૃષ્ટ છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી જ મૂળિયા મજબૂત કરવા કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે કલોલ ઉપર ખાસ ધ્યાન આપવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો મિ. પાટીલ ભાઉ અહીં બે ધ્યાન રહ્યા તો સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું કલોલની બેઠક જીતવાનું સપનું સ્થાનિક નેતાગીરીના કારણે ચકનાચૂર થઈ શકે તેમ હોવાનું જનતા જનાર્દનમાં ચર્ચાઈ રહ્યું છે.
કલોલ શહેરની જનતામાંથી જાણવા મળેલી વિગતો મુજબ કલોલ નગરપાલિકાના પ્રમુખ મેડમ સાહેબા પાલિકા વિસ્તારમાં પાયાગત સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયા હોય તેવું અહીંની પરિસ્થિતિ ઉપરથી સાબિત કરી શકાય તેમ છે. કહેવાય છે કે મેડમ સાહેબ પોતાના અને પોતાના મનપસંદીતા સાથી નગર સેવકોના મતવિસ્તારમાં સરકારી ગ્રાન્ટ કે અન્ય રીતે આવેલી રકમ વિકાસ કામોમાં ફાળવી જાણે આખા કલોલ શહેરની સિકલ બદલી નાખી હોય તેવો દંભ ઉભો કરી પોતાના હાથે જ પોતાની પીઠ થાબડતાં હોય છે. જાણકાર સૂત્રોના મત મુજબ પાલિકા કચેરીમાં મોટાભાગનું મહેકમ ઓછું છે. હાજર અધિકારી- કર્મચારીઓને વધારાના ચાર્જ સોંપી પાલિકા તંત્રનો વહીવટ ટચૂક ટચૂક રીતે ચલાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પાલિકાના દેવીજી એમ માને છે કે તેઓ પારદર્શક વહીવટ કરી રહ્યા છે પરંતુ પાલિકામાં કેવો વહીવટ થાય છે તે ગામ આખું જાણે છે. સુત્રો ત્યાં સુધી કહે છે કે જો કોઈ નિષ્ઠાવાન અને ઈમાનદાર ઉપરી અધિકારી અઢી વર્ષના વહીવટનો પારદર્શક હિસાબ કાઢે તો અનેક કૌભાંડોની હારમાળા સર્જાઈ શકે તેમ છે. ઉપરાંત જાણકાર સૂત્રો ભાર દઈને કહી રહ્યા છે કે શહેર ભાજપના સંગઠનમાં બેઠેલા લોકો પણ એમ સમજે છે કે તેઓની મધ્યસ્થિથી ચૂંટણીમાં જેઓને ઉમેદવાર બનાવી જીતાડ્યા છે તેઓ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને જનતા તેમના કામથી સંતુષ્ટ છે. પરંતુ જ્યારે ચૂંટણી વખતે મત માગવા જનતાના દ્વારે ગયા હતા તેવી રીતે જ આ અઢી વર્ષમાં પાલિકામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિએ કેવી કામગીરી કરી છે તેની જાણકારી મેળવવામાં આવે તો ખબર પડી જશે કે જનતા તેમની કામગીરીથી સંતુષ્ટ છે કે પછી અસંતુષ્ટ?
•શહેરમાં ઠેર ઠેર ગંદકી, વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતી થતી હોવાની જનતા ફરિયાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનું સૂત્ર ભલે આપ્યું હોય પરંતુ જો સ્વચ્છતા મિશનની ટીમ કલોલમાં લટાર મારે તો પ્રધાનમંત્રીના સૂત્રને પાલિકાના સત્તાધીશોએ કોઈ એક ખૂણામાં નકામું સમજીને ફેંકી દીધું હોય તેવા દ્રશ્યો તેમને દેખાઈ જશે. ઉપરાંત શહેરીજનોમાં એક ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે કલોલમાં સાંસદ અમિત શાહ તેમજ રાજ્ય સરકારના સહયોગથી અનેક વિકાસ કામો સાધી શકાયા છે. પરંતુ વિકાસ કામો માટે આવેલા નાણામાં કંઈ કેટલાય લોકોની લાળ ટપકી હશે અને એ નાણામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાઈ હોવાની આશંકા છે. જો આ મુદ્દે પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પાલિકાના મેડમજી સહિત કંઈ કેટલાય કહેવાતા નગરસેવકોના પગ નીચે રહેલો આવે તેમ છે.
•દેશભરની પાલિકાના પ્રમુખ પોતાની નૈતિક જવાબદારી સંભાળવા સવારથી તેમના કાર્યક્ષેત્રમાં હોય પણ અહીં તો..!
જનતા જ્યારે પોતાના પ્રતિનિધિને ચૂંટીને સરકારમાં અથવા તો સરકારી સંસ્થામાં મોકલે છે ત્યારે અનેક આશાઓ તેના હૃદયમાં ધરબાયેલી હોય છે. જનતા માને છે કે આપણે જેને આપણા પ્રતિનિધિ તરીકે ચુંટયા છે તે તેમના કાર્યક્ષેત્રમાં જશે પછી આપણા માટે કામ કરશે. કહેવાય છે કે દેશભરની સરકાર કે સરકારી સંસ્થામાં હોદ્દેદાર તરીકે બિરાજમાન જનતાનો પ્રતિનિધિ જનતાની રજૂઆત અને તેમની મુશ્કેલી સાંભળવા માટે તેમના નિયત સ્થાન ઉપર સવારથી કાર્ય કરતો હોય છે. દાખલો આપીએ તો કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 કલાક દેશની જનતા માટે કામ કરે છે. એ રીતે કલોલ પાલિકાના પ્રમુખ મેડમ જનતાની રજૂઆત સાંભળવા માટે સવારના ભાગે ભાગ્યે જ પ્રગટ થાય છે. અરજદારોના જણાવ્યા પ્રમાણે કહેવાય છે કે અમારા દેવીજી મોટાભાગે સાંજે 5:00 વાગ્યા પછી પાલિકા કચેરીમાં આવે છે. અમને તેમની સવારના અથવા તો આખા દિવસમાં જરૂર હોય તેમને મળવું હોય રજૂઆત કરવી હોય પણ તેઓ અમને મળી જાય એ માટે માનતાઓ માનવી પડે છે.
•ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે, કલોલ પાલિકાના શાસન અંગેના પુરાવા માટે અઢી વર્ષની ખણખોદ કરવી જરૂરી
કલોલ પાલિકાના સત્તાધીશોથી અસંતુષ્ટ લોકો કહે છે કે પ્રમુખ સહિતના સત્તાધીશો માત્ર કારોબારી કે સામાન્ય સભા પૂરતા જ પાલિકામાં દેખા દે છે. અથવા તો તેઓ તેમના જ કોઈ અંગત કામ માટે આવ્યા હોય તો જનતાને મળી જતા હોય એ પ્રજાનું અહોભાગ્ય બની રહે છે. પ્રજાજનો તો ત્યાં સુધી કહે છે કે કલોલ પાલિકાના પ્રમુખ સહિતના શાસન અંગેના પુરાવા માટે જો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છેલ્લા અઢી વર્ષના સીસીટીવી કેમેરા કે અન્ય રીતે ગુપ્ત તપાસ કરાવે તો અહીંના સત્તાધીશોની કર્મ કુંડળીનું સત્ય બહાર આવી શકે તેમ છે.
• દેશના રાજકારણમાં મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવ્યો પણ કલોલમાં?
દેશના રાજકારણમાં મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા રાજકારણમાં 33% થી પણ વધુ મહિલા અનામત અંગેની વાતો નગારા વગાડીને કરાઈ રહી છે. પરંતુ કલોલ નગરપાલિકામાં પ્રમુખ પદે બિરાજમાન મહિલા સશક્તિકરણની વ્યાખ્યાને હાંસિયામાં ધકેલી દેતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હોવાનું જાણકારો કહે છે. પ્રજામાં ઊઠેલી ચર્ચા મુજબ પાલિકાના મહિલા પ્રમુખ માત્ર નામના પ્રમુખ છે. ખરા અર્થમાં પ્રમુખ તરીકેનો વહીવટ અહીં કોઈ પુરુષ કરી રહ્યા છે. અને આ માટેની સત્યતા ચકાસવી હોય તો ઉચ્ચકક્ષાએથી આકસ્મિક તપાસ થવી જરૂરી છે. જો આમ થાય તો અઢી વર્ષથી ચાલતા લોલમલોલનો પર્દાફાશ થઈ શકે અને જનતા સમક્ષ વાસ્તવિકતા આવી શકે તેમ છે.