•”અપના મિજાજ”ના અહેવાલની અસર, આરોગ્ય મંત્રીએ નવી હોસ્પિ.ની જાહેરાત કરી
• રૂ.૧.૭૯ કરોડના ખર્ચે જિલ્લાની જનરલ હોસ્પિટલ નવી બનાવવામાં આવશે
•નાણાં ફાળવી દેવામાં આવ્યા, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રજા માણીને આવે પછી આયોજન
સંજય જાની (અપના મિજાજ)
મહેસાણા જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને આરોગ્ય સેવા પૂરી પાડતી એકમાત્ર જનરલ હોસ્પિટલ સંચાલકોની બેદરકારી અને સમયનો માર ખાતી પોતાનું “નૂર” ગુમાવી ચૂકી છે. સિવિલ હોસ્પિટલને તેના મૂળ રંગરૂપમાં જ નહીં પરંતુ એથી પણ અતિ સુંદર, સુશોભિતઅને સુવિધાથી સજ્જ કરવા માટે અહીંના યુવા કોંગ્રેસ કાર્યકરોની ટીમ મેદાનમાં આવી હતી. જેને સમાચાર માધ્યમોએ પીઠબળ પૂરું પાડ્યું. પરંતુ માધ્યમોના સચોટ અહેવાલથી હાઈ બ્લડ પ્રેશરમાં આવી ગયેલા અહીંના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ માનસિક સમતુલા ગુમાવી બેઠા,ને માધ્યમોને દબાવવા સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી જાહેર ન થઈ જાય તે માટે વિડિયો -ફોટોગ્રાફી, મીડિયા કવરેજ ગેરકાનૂની છે તેવું લખેલા બેનરો છપાવી, હોસ્પિટલની દીવાલોમાં ચિપકાવી મિડિયા કવરેજની મનાઈ ફરમાવી દીધી. પરંતુ માધ્યમોએ તઘલખી નિર્ણય સામે “અપના મિજાજ” દેખાડતા આખરે, સૂંઠના ગાંગડે ‘ગાંધી’ થવા નીકળેલા સત્તાંધ અધિકારીઓને માટે તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવો ઘાટ ઘડાયો અને જિલ્લા કલેક્ટરે તેમનો ઉધડો લઇ નાંખતા ગણતરીના સમયમાં જ હોસ્પિટલમાં ઠેરઠેર લગાવેલા બેનરો ઉતારી દેવા પડ્યા. જે બાદ રાજ્યના આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલ રૂ.૧.૭૯ કરોડના ખર્ચે નવી બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મહેસાણાની જનતા ઈચ્છે છે કે નવી હોસ્પિટલ તો ભલે બનાવો પણ અહીં વર્ષોથી ચીપકીને બેઠેલા અને મનસ્વી વર્તન કરતાં ખખડી ગયેલા સ્ટાફને પણ ખદેડી દઈને દર્દીઓ સાથે નમ્રતા ભાવ સભર વર્તન કરતો નવો સ્ટાફ પણ મૂકવો જોઈએ.