• ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ ભાજપ હાઈ કમાન્ડ પાસે માગણી કરી
• બહોળા મતદારો ધરાવતાં સમાજની અવગણના ન થાય તે માટે ભાજપા પ્રદેશ અધ્યક્ષને રજૂઆત
• બંને બેઠકો પૈકી એક બેઠક ઉપર વિષ્ણુભાઈ પટેલને ભાજપ ટિકિટ આપે તેવી માગણી કરાઈ
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ચૂંટણી લડવા ઈચ્છુક યોદ્ધાઓ પણ સંપૂર્ણ રીતે સજ્જ થઈને બેઠા છે. દરેક પક્ષમાં જો ક્યાંક નારાજગી હોય તો આયારામ ગયારામનો પણ દોર શરૂ થયો છે. તો બીજી તરફ પક્ષના વફાદાર લોકો પોતાના વિચારો પર કાયમ હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. આ બધા વચ્ચે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સેક્રેટરી તરીકેની લાંબી ફરજ બજાવીને નિવૃત્ત થયેલા 52 કડવા પાટીદાર સમાજના ‘કોહીનુર’ ગણાતા વિષ્ણુભાઈ પટેલે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઊંઝા અથવા તો વિસનગર બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવે તો ચૂંટણી યોદ્ધા તરીકે લડાઈ લડવાની ભરપૂર તૈયારી કરી લીધી છે. જેને વિસનગર તેમજ ઊંઝા વિસ્તારમાં બહોળી સંખ્યા ધરાવતા 52 કરવા પાટીદાર સમાજના લોકોએ ઉમરકાભેર આવકારી હોવાની વાત સપાટી ઉપર આવી છે.
ઊંઝા નજીકના ઉનાવા ગામે રહેતા વિષ્ણુભાઈ પટેલ લાંબા સમયથી એશિયાના સૌથી મોટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝામાં સેક્રેટરી તરીકે સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. વર્ષોથી જન સેવાને ‘સાધના’ માનતાં વિષ્ણુભાઈ પટેલ સેવા નિવૃત્તિ પછી સમાજ સેવા માટે પણ જોરશોરથી કાર્ય કરી રહ્યા છે. આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટી દ્વારા 52 કડવા પાટીદાર સમાજની અવગણના ન કરી સમાજના આગેવાનને ઉમેદવાર તરીકે નિયુક્ત કરી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે મોકલવાની તક આપવામાં આવે તો ઊંઝા અથવા તો વિસનગર તાલુકામાં 52 કડવા પાટીદાર સમાજની પ્રતિષ્ઠામાં વધુ એક સન્માનિત છોગું ઉમેરી શકાય તેમ છે.
52 કરવા પાટીદાર સમાજમાંથી આવતા લોક સેવક વિષ્ણુભાઈ પટેલે પણ ભાજપ હાઇકમાન્ડ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત કરી ઊંઝા અથવા તો વિસનગર તાલુકાની વિધાનસભા બેઠક પરથી તેઓને ઉમેદવારી કરવાની તક આપવામાં આવે તો બાવન કડવા પાટીદાર સમાજની સાથોસાથ અન્ય સમાજના સથવારે મજબૂત નેતૃત્વ આપવા માટે સંપૂર્ણ પ્રયાસ કરાશે તેવી માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ પોતાના નિખાલસ અને ભાઈચારાના સ્વભાવથી અને તમામ સમાજના લોકોના ઉત્થાન થાય તેવી વિચારધારા ધરાવતા વ્યક્તિ તરીકે સમગ્ર વિસ્તારમાં ખ્યાતિ પામેલા છે. આવા સમયે 52 કડવા પાટીદાર સમાજના આ મુઠ્ઠી ઊંચેરા માનવીને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ઘોષિત કરે તો અહીં પાર્ટીને એક મજબૂત નેતા મળી શકે તેમ હોવાનું રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે.