સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી અવારનવાર દ્વારકાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવનાર ક્લાસ વન અધિકારીને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જમીન સંપાદન મામલે શખ્સ વારંવાર પ્રાંત અધિકારીને જાનથી મારવાની ધમકી આપતો હોવાનું જાણવા મળ્યું છે.
જમીન સંપાદન મુદ્દે નારાજગી થતા ધમકી આપતો વીડિયો બનાવ્યો
મળતી માહિતી મુજબ, દ્વારકામાં રહેતા અને પ્રાંત અધિકારી તરીકે પાર્થભાઈ તલસાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે મુજબ, મૂળ ભાટિયાના રહીશ એવા કાના ચાવડા દ્વારા અવારનવાર પાર્થભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. આરોપી કાના ચાવડાને કલ્યાણપુર તાલુકામાં આવેલી તેમની જમીનના સંપાદન બાબતે નારાજગી હતી. આ અંગે તેમણે દ્વારકા પ્રાંત કચેરીમાં રજૂઆત પણ કરી હતી.
પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ કરી
ખાનગી કંપનીમાં પોતાની જમીન સંપાદનના મુદ્દે કાના ચાવડા દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી પ્રાંત અધિકારી પાર્થભાઈને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આથી પાર્થભાઈએ કાના ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે હવે દ્વારકા પોલીસે ગુનો નોંધી ધમકી આપતા વાયરલ વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.