ગાંધીનગર સ્થિત અભયમ 181 ટીમના કાઉન્સેલર ગીતાબેન ખાંટ અને તેમની ટીમ માનસિક રીતે અસ્વસ્થ બનેલી બે મહિલાઓ માટે રક્ષક બન્યા હતા. અલગ અલગ બે ઘટનામાં પીડિત મહિલાઓ અને તેમના પરિવારજનોને સમજાવીને સમસ્યાનું સુખદ પરિણામ આપતાં 181ની ટીમનો પરિવારજનોએ આભાર માન્યો હતો.
ગાંધીનગરના સેક્ટર 3 માં રહેતા એક વ્યક્તિના ઘરે જઇ ચડેલી એક મહિલાએ કહ્યું હતું કે તેના પતિ તેને ત્રાસ આપે છે. જેથી વ્યક્તિએ અભયમ 181 પર કોલ કરીને સમગ્ર હકીકત જણાવતાં કાઉન્સેલર ગીતાબેન ખાંટ તેમની ટીમ સાથે નિયત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પીડિત મહિલા સાથે વાત કરતાં મહિલાએ તેના પતિ તેને પરેશાન કરે છે. તેમજ તેમને ઊંઘની ગોળીઓ આપીને મારી નાખવાના કાવતરું કરતા હોવાના ગંભીર આક્ષેપો ભરી વાત કરતાં મહિલાને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓના પતિને પોલીસ મથકે બોલાવવામાં આવતાં તેઓએ સમગ્ર હકીકત જાણ્યા બાદ જણાવ્યું હતું કે તેમની પત્નીની નોકરી છૂટી જતા તેઓ માનસિક ભારણનો સામનો કરી રહ્યા છે. જેઓ સારી રીતે નીંદર પણ લઈ શકતા નથી અને આ અંગે તેઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે.
સમગ્ર બનાવ અંગે પીડીતાના પતિની વાત સાંભળી જે અંગેની ખરાઈ કર્યા બાદ અભયમ ટીમ અને પોલીસ દ્વારા મહિલાના પતિ તેમજ મહિલાને વાત્સલ્યસભર શબ્દો દ્વારા સમજાવવામાં આવ્યા હતાં. કલાકોની સમજાવટ બાદ મહિલાએ તેમના પતિના બદલે બહેનના ઘરે જવાનું પસંદ કરતાં પોલીસ અને અભયમની ટીમે પીડિત મહિલાને તેમની બેનને બોલાવીને તેમની સાથે મોકલી દીધા હતા. અન્ય એક બનાવમાં પણ એક યુવતીની સગાઈ તૂટી જતાં તે માનસિક ડિપ્રેશનમાં આવી જવાથી અજુગતું વર્તન કરતી હતી. જે બનાવવામાં પણ અભયમના ગીતાબેન ખાંટ સહિતની ટીમે પીડિતા અને તેના ભાવિ પતિ સહિતના સાસરિયાઓને સમજણ આપતાં યુવતી માનસિક રીતે સ્વસ્થ થઈ જશે પછી સગાઈ અને લગ્ન ગોઠવી દેવામાં આવશે તેવો નિર્ણય બંને પક્ષે લાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. આમ, ગાંધીનગર અભયમની ટીમ બે મહિલાઓ માટે વધુ એક વખત રક્ષક સાબિત થઈ હતી.