સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સુચના અને ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામે દરોડો પાડી આયાથી કોલસામાં માટી મિશ્રણ પકડી પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતા ભારે ચકચાર મચી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના સુત્રોએ આપેલી વિગતો મુજબ સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં મુકેશદાન પ્રેમદાન ગઢવીની માલિકીની જગ્યામાં પાલનપુર-કંડલા હાઇવે ઉપર આયાતી કોલસો (પેટકોક) કંડલાથી ટ્રક મારફતે રાજસ્થાન જતા વચ્ચે ટ્રક ડ્રાઈવરોની સાથે સાંઠગાંઠ કરીને અલ્પેશ માલાભાઈ ચૌધરી તેમજ વાલા કરસનભાઈ ભરવાડ મજૂરો રાખીને ટ્રકોમાંથી આયાતી કોલસો ગેરકાયદે કાઢી તેમાં ઓછી ગુણવત્તા વાળી માટી મિશ્રણ કરી કોલસાની ચોરી કરી રહ્યા છે. જેથી બાતમી વાળી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડામાં આયાતી કોલસો (પેટકોક) ૨૨૦ મેટ્રિક ટન કિ.રૂ.૪૭.૭૪ લાખ, મિશ્રણ કરેલ કોલસો ૩૫ મેટ્રિક ટન કિ.રૂ. ૭.૫૯ લાખ, ઓછી ગુણવત્તા વાળો કોલસો ૧૨૦ મેટ્રિક ટન કિ.રૂ. ૪.૨૦ લાખ, હિટાચી મશીન, ત્રણ ટ્રક, એક લોડર, થાર જીપ સહિત કુલ રૂ.૨,૧૬,૩૫,૦૦૦ નો મુદ્દા માલ કબજે કરી સંજય વાલાભાઈ ભરવાડ સહિત કુલ છ લોકોને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવ્યા છે જ્યારે બાર લોકોને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. આમ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરોડો રૂપિયાનું કોલસા કૌભાંડ પકડી પાડી સાંતલપુર પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો છે.