સુરતમાં અનોખો શોખ ધરાવતો એક ચોર રાંદેર પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે આ ચોર પાસેથી કુલ 10 બાઇક કબજે કરી હતી. ચોરીની ધરપકડ સાથે જ 10 ગુનાના ભેદ ઉકેલાયા છે. ચોરની પૂછપરછમાં પોલીસને જણાવા મળ્યું કે તે હાઈપ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે અલગ-અલગ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરતો હતો.
મળતી માહિતી મુજબ, પેટ્રોલિંગ દરમિયાન રાંદેર પોલીસે બાતમીના આધારે એક બાઇક સાથે 19 વર્ષીય યુવાન જુનેદ શાહની પૂછપરછ કરી હતી, જેમાં તે ગેરેજમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કડક પૂછપરછ કરતા તેને અન્ય 9 બાઇક ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી 10 બાઇક જપ્ત કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ કરી તો અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના 10 ગુનાના ભેદ ઉકેલાયા હતા.
શોખ પૂરા કરવા માટે તે વાહન ચોરીના રવાડે ચઢ્યો
આરોપી યુવકે પોલીસને જણાવ્યું કે તે હાઈપ્રોફાઇલ જીવનશૈલી જીવવાનો શોખ ધરાવે છે અને પોતાના શોખ પૂરા કરવા માટે તે વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. વાહન રિપેરીંગના વ્યવસાય સાથે તે જોડાયેલો હોવાથી બાઈકના લોક તોડતા તેને આવડતું હતું. આથી તે અલગ-અલગ વિસ્તારમાં જઈને વાહનોની ચોરી કરતો હતો. યુવક માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજ્ય બહાર પણ વાહનનોની ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તપાસ આદરી છે.