Apna Mijaj News
Breaking Newsઅન્યાય સામે અવાજ

ઊંઝાની સફાઈમાં 16 લાખનું “મ્મ્…મ્મ્…” થઈ ગ્યું ?!

•પૂર્વ ચીફ ઓફિસર અલ્પેશ પટેલના સમયગાળામાં રાત્રી સફાઈ માટે ચાર લાખથી વધુનું ચુકવણું કરાયું

•નવનિયુક્ત અધિકારી રવિકાન્ત પટેલે નગરના એજ વિસ્તાર, એજ સફાઈ એજન્સીને દોઢ લાખ જેટલું ચુકવણું કર્યુ

• લડાયક મિજાજી નગરસેવકે સત્તાધારીઓ ઉપર માહિતી અધિકારના કાયદાશસ્ત્રનો ઉપયોગ કરી ભાંડો ફોડ્યો

 

સંજય જાની (અપના મિજાજ)

     ઊંઝા નગરપાલિકા તાબામાં રાત્રી સફાઈ કરતી એજન્સીને નીતિનિયમો નેવે મૂકીને લાખો રૂપિયાની ચૂકવણી કરી ૧૬લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું માહિતી અધિકારના કાયદાના શસ્ત્રનો ઉપયોગ કરી સમગ્ર કાંડનો ભાંડાફોડ કરી અહીંના પૂર્વ ચીફ ઓફિસર સહિત પાલિકાના સત્તાધીશો સામે લડાયક મિજાજના નગરસેવકે સનસનાટીભર્યા આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી દોષિતો સામે આકરા પગલાં ભરવા રજૂઆત કરી છે.

    ઊંઝા નગર પાલિકાના વિપક્ષી નગરસેવક ભાવેશ કે. પટેલે વિજીલન્સના ચીફ કમિશનર અને એસીબીના નિયામકને એક પત્ર લખીને જણાવ્યું છે કે, ઊંઝા પાલિકાના સત્તાધીશોએ નગરની રાત્રી સફાઈ માટે નીરવ એન્ટરપ્રાઇઝ નામની મહેસાણાની એક એજન્સીને ગત તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે એજન્સી અને પાલિકા વચ્ચે અનરજીસ્ટર્ડ સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. જે કરારના મુદ્દા નંબર 8માં પાલિકા દ્વારા સફાઈ કામદારોના ઈપીએફ,જીએસટી, વીમો સહિતના તમામ ટેક્ષ સરકારમાં ભરપાઈ થયાના ચલણો બાદ જ બિલની રકમ ચૂકવાશે તેવું સ્પષ્ટ કરેલ છે. તેમ છતાં તત્કાલીન ચીફ ઓફિસર અને પાલિકાના સત્તાધીશોએ તમામ નીતિ-નિયમો નેવે મૂકીને ઓક્ટોબર મહિનાનું રૂ.૪,૬૩,૧૬૨,૨૪નુ બિલ એજન્સીને કામદારોના નામ, કામ કર્યાનો સમય, કામદારોના ઓળખપત્ર વિના જ બોગસ આંકડાકીય હાજરીઓ દર્શાવીને ચુકવી દેવામાં આવ્યું છે. જેની તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.

•નવનિયુક્ત ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવતા પારદર્શક કામગીરી કરાઈ: ભાવેશ પટેલ (નગરસેવક)

       આ અંગે નગરસેવકે આક્ષેપ કરતા કહ્યું હતું કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાના બિલો અંગેની કોઇ જ દસ્તાવેજી માહિતી સત્તાધીશો દ્વારા આપવામાં આવતી નથી. જે બાદ નવા આવેલા ચીફ ઓફિસર રવિકાંત પટેલને સફાઈ કામમાં ભ્રષ્ટાચાર અંગેની રજૂઆત કરવામાં આવ્યા બાદ તેઓએ સફાઈ કામદારોના ઈપીએફ, જીએસટી, વીમો સહિતનો ટેક્સ સરકારમાં એજન્સી પાસે ભરપાઈ કરાવી તેનું ચલણ મળ્યા બાદ ગત ફેબ્રુઆરી મહિનાનું રૂ. ૧,૦૬,૧૯૩,૨૮ પૈસાનું તેમજ માર્ચ મહિનાનું રૂ.૧,૬૧,૫૩૩,૪૪ પૈસાના બિલનું ચુકવણું કર્યું છે. આમ, અહીંના પૂર્વ ચીફ ઓફિસર અલ્પેશ પટેલના સહયોગથી પાલિકાના સત્તાધીશોએ જે તે વખતે વધુ ચુકવણું કરી ૧૬ લાખ જેટલી ઉચાપત કરી હોવાનું જણાવીને નગરસેવકે તપાસની માગણી કરી છે.

• પાલિકા પ્રમુખ સહિત આ લોકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં ખળભળાટ મચ્યો

       પાલિકાના વિપક્ષી નગરસેવકે મહિલા પ્રમુખ રીન્કુ બેન પટેલ, તત્કાલીન ચીફ ઓફિસર અને મહેસાણા નગરપાલિકાના વર્તમાન મુખ્ય અધિકારી અલ્પેશ પટેલ, ઉપપ્રમુખ અલ્પેશ પટેલ, કારોબારી ચેરમેન પ્રિતેશ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન રાજેશ પટેલ, ગુમાસ્તા ના ચેરમેન રાકેશ પ્રજાપતિ અને સફાઈ કામ કરતી નીરવ એન્ટરપ્રાઇઝ એજન્સી સામે લાખો રૂપિયાની રકમનો ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ કરી તેમની સામે તપાસ કરવા વિજિલન્સ તેમજ એન્ટી કરપ્શન બ્યુરોને રજૂઆત કરવામાં આવી છે.

સફાઈ માટે વિસ્તાર એનો એ જ, સફાઈની એજન્સી એજ, પરંતુ ચીફ ઓફિસર બદલાયાને સફાઈ બિલ ૩ લાખ જેટલું ઘટ્યું!

     નગરસેવક ભાવેશ પટેલે ‘અપના મિજાજ’ ન્યુઝ સાથે વાત કરતા કહ્યું હતું કે, કોઈપણ એજન્સી જ્યારે પાલિકામાં કોન્ટ્રાક્ટ રાખે છે ત્યારે તેનું રજીસ્ટર્ડ નોટરી દ્વારા કરવામાં આવે છે પરંતુ અહીંના તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અનરજીસ્ટર્ડ કરારથી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. બીજું પાલિકા તાબામાં આવતો વિસ્તાર સફાઇની કામગીરી માટે એનો એ જ છે, સફાઈ કામ કરતી એજન્સી પણ એ જ છે. પરંતુ નવા ચીફ ઓફિસર આવ્યા અને તેઓને રજૂઆત કરવામાં આવી તો પારદર્શક વહીવટ કરવામાં આવતા પૂર્વ ચીફ ઓફિસરના વખતમાં ચાર લાખથી વધુનું ચુકવણું એજન્સીને કરવામાં આવતું હતું અને નવા ચીફ ઓફિસર અહીં મુકવામાં આવતા એ જ ચુકવણું અંદાજે ત્રણ લાખ જેટલું ઘટી ગયું છે. ઉપરાંત માહિતી અધિકાર તળે મળેલી વિગતો મુજબ તત્કાલીન ચીફ ઓફિસર અને તેમના મળતીયા સત્તાધીશો દ્વારા ૧૬ લાખથી વધુની ઉચાપત કરવામાં આવી હોઇ ઉચ્ચ કક્ષાએથી તપાસની માગણી કરવામાં આવી છે.

Related posts

મહેસાણા ભાજપ જસ્ન મનાવે તે પૂર્વે કોંગ્રેસનું ચક દે…

ApnaMijaj

ખેડૂતોને કૃષિ ઉપજના પુરતા ભાવ નહીં મળવાથી તે દેવાદાર બનતો જાય છે: કલોલમાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી

ApnaMijaj

મહેસાણા જિલ્લા કોંગ્રેસની ‘પ્રિયંકા’ કોણ છે?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!