•કલોલ શહેરના સરદાર બાગમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા, રામધુન બોલાવવામાં આવી
•ખેડૂતોને તેઓનો હક્ક જોઇએ છે, ખેડૂતો સરકાર પાસે ભીખ માગી રહ્યા નથી નો હુંકાર કરવામાં આવ્યો
કલોલ (અપના મિજાજ નેટવર્ક)
કલોલના સરદાર બાગમાં ભારતીય કિસાન સંઘ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને તેઓની કૃષિ ઉપજમાં પડતર કિંમત પર નફા સાથેના ભાવ સરકાર સુનિશ્ચિત કરે તે બાબતે દેશ વ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજે કલોલ તાલુકાના ખેડૂતોએ પણ આંદોલનનો હિસ્સો બની પોતાની રજૂઆત અને વ્યથા ઠાલવી હતી.
ગાંધીનગર કિસાન સંઘના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં એકત્રિત થયેલા ખેડૂતો ભાઈ-બહેનોએ પોતાને કનડતી સમસ્યાઓનો ચિતાર રજૂ કર્યો હતો. સરદાર બાગમાં આંદોલનનો હિસ્સો બનીને બેઠેલા ખેડૂતોએ રામધૂન બોલાવી સંગઠન મજબૂતાઈ માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ પોતાનો હક માગી રહ્યા છે ભીખ નહીં. સરદારબાગથી ખેડૂતો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ગયા હતા અને અહીં તેઓએ જવાબદાર અધિકારીને રાજ્યપાલના નામથી સંબોધિત કરેલું પોતાનું આવેદનપત્ર આપી પોતાની રજૂઆત પહોંચાડવા નમ્રતા ભાવે વિનંતી કરી હતી. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતોને પડતી વિસ્તૃત વિગતો અંગે અધિકારીને માહિતગાર કર્યા હતા ઉપરાંત આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોને પોતાના કૃષિ ઉપજના પૂરતા ભાવ નહીં મળતા હોવાના કારણે ખેડૂત ગરીબ અને દેવાદાર બનતો જાય છે. જોકે સરકાર પોતાના તરફથી મદદ કરે છે પરંતુ તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થતું હોવાથી ખેડૂતની દશામાં કોઈ સુધારો થઈ શક્યો નથી. તેમ જણાવીને ઉમેર્યું હતું કે, ભારતીય કિસાન સંઘ દ્વારા તબક્કાવાર આંદોલન કરવામાં આવ્યા છે જેના ત્રીજા તબક્કામાં તા.૧થી૧૦ જાન્યુઆરી 2020 સુધી દેશના લગભગ એક લાખ ગામમાં ચાલેલા જનજાગરણ અભિયાનમાં નાની નાની ગ્રામસભાઓ કરવામાં આવી અને છેલ્લા દિવસે તા.૧૧ જાન્યુઆરી દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિના રોજ તમામ તાલુકા મથક પર ધરણાં પ્રદર્શન કરી રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જેમાં વિનંતી કરવામાં આવેલી છે કે ભારતની વર્તમાન સરકાર ખેડૂતોની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરે અને જે પ્રકારે દેશની અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ બધા જ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. બધા જ વર્ગને લાભ આપ્યો છે તો અમારા હક માટે અમે રડીએ છીએ તે માંગનો સ્વીકાર કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવેલી છે.