મહેસાણામાં રૂ.૧૪૧ કરોડના ખર્ચે બનેલો અંડર બ્રિજના લોકાર્પણ માટે ભાજપના નેતાઓ સારા મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અંડરપાસના અભાવે જનતા પરેશાની ભોગવી રહી હતી. જોકે બે દિવસ પૂર્વે અહીંના કોંગ્રેસી આગેવાનોએ અંડર બ્રિજનું લોકાર્પણ કરવા માટે રજૂઆત સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ લોકાર્પણ કરી દેશે. જોકે કોંગ્રેસની વાતને મજાકમાં લઈને બેઠેલા મહેસાણા ભાજપના જિલ્લા પ્રમુખ જશુ પટેલ સહિતના આગેવાનોને ઊંઘતા રાખીને કોંગ્રેસના આગેવાનોએ આજે સવારે સોમવારે અંડર બ્રિજનું રીબીન કાપીને લોકાર્પણ કરી દીધું હતું.
મહેસાણા કોંગ્રેસના આગેવાનોએ અંડર બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકી ભાજપના આગેવાનોના ગાલ પર તમતમ તો તમાચો માર્યો હોય તેવો તાલ જોવા મળ્યો હતો. કોંગ્રેસે અંડર બ્રિજનું લોકાર્પણ કરી દીધું હોવાની વાત જાણી કહેવાય છે કે મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મારતા ઘોડે મહેસાણા પહોંચી ગયા હતા અને પત્રકાર પરિષદ સંબોધી હતી. તેઓએ પત્રકારોને વિગતો આપતા કહ્યું હતું કે આગામી બુધવારના મુખ્યમંત્રી અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીની હાજરીમાં અંડર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત તેમના દ્વારા ભાજપના તમામ આગેવાનો અને જનતાને હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ અંગે કોંગ્રેસના આગેવાન ભૌતિક ભટ્ટે કહ્યું હતું કે જનતા ટ્રાફિકથી પરેશાન હતી અંડર બ્રિજનું કામ પૂરું થઈ ગયું હતું. પરંતુ તેનું લોકાર્પણ કરવામાં આવતું ન હતું એટલે અમે લોકાર્પણ કરી દીધું છે. જોકે ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસના નવ જેટલા કાર્યકર્તાઓ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે ધમ પછાડા કરવામાં આવ્યા હતાં પરંતુ આ અંગે કોઈ ગુનો બનતો ન હોઈ કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકી ન હતી.