•પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કરી ‘લાલ આંખ’, પરોઢે બુટલેગરોને ઊંઘતા જ ઉઠાવ્યા
•બુટલેગરોનું સમર્થન કરી ખાખીધારીઓને તતડાવનાર ‘ખાદીધારી’ પ્રત્યે તાલુકાભરમાં થયું થુ થૂ થૂ…
• સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ બુટલેગરોને ઉઠાવી વિસનગર પોલીસ મથક લઈ આવી
વિસનગર: (અપના મિજાજ નેટવર્ક)
વિસનગરમાં 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે કાર રસ્તા વચ્ચે ઉભી રાખી ટ્રાફિકમાં અડચણ ઉભી કરનારા તત્વોને પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે કાર હટાવવાનું કહેતા બબાલ સર્જાઇ હતી. કારમાં સવાર શહેરના બે લિસ્ટેડ બુટલેગરો રાઘજી અને વિક્રમ ઠાકોરે પોલીસ સાથે તકરાર કરીને કહેવાય છે કે અહીંના મહિલા પોલીસ અધિકારી ભાવના બહેન પટેલને ‘ગાડી અહીંથી નહિ હટે, તમારે જે કરવું હોય તે કરી નાખો, તમે અમને ઓળખતા નથી, વિસનગરમાં નોકરી કરવી ભારે પડી જશે’ આવી ધમકી આપી હતી. એટલું જ નહીં ફાટીને ધૂમાડે ગયેલા બુટલેગરોએ મહિલા પોલીસ અધિકારીને તેમના પર ગાડી ચડાવી દેવાની ધમકી આપ્યાની પણ વાત સપાટી પર આવી હતી. જેને લઇને પોલીસે તેમની સામે ફરજમાં રૂકાવટ, કોરોના જાહેરનામા ભંગ બાબતની વિવિધ કલમ તળે ગુનો નોંધ્યો હતો. પરંતુ કહેવાય છે કે અહીંના એક રાજકીય આગેવાન એવા ખાદીધારીએ પોલીસ અધિકારીને પોતાના બંગલે બોલાવીને બુટલેગરોનું સમર્થન કરી તેમની સામે કાર્યવાહી નહીં કરવા કહ્યું હતું. આથી પોલીસે થોડા જ સમયમાં બુટલેગરોને છોડી દેવા મજબૂર થવું પડ્યું હતું.
વિસનગરના ભર બજારમાં મહિલા પોલીસ અધિકારી સહિતના કર્મચારીઓ સાથે લિસ્ટેડ બૂટલેગરોએ કરેલી હરકત માફીને પાત્ર ન હોવાનું શહેર ભરમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ અહીંના ખંધા રાજકારણીએ બુટલેગરોની હરકતને છાવરીને પોલીસના મોરલને તોડવાનો પ્રયાસ કર્યો હોવાની વાતને લઈ જનતા પણ ખાદીધારી પ્રતિ થૂ થૂ કરી રહી છે. બીજી તરફ આ અંગેનો અહેવાલ ‘અપના મિજાજ’ વેબ પોર્ટલ પર પ્રસિદ્ધ કરી અમોએ પોલીસ અધિકારીઓના તૂટતાં મનોબળને મજબૂત કરવા નાનો એવો પ્રયાસ કર્યો હતો. જોકે આ બનાવ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલને વિગતો પ્રાપ્ત થતાં તેઓએ આજે વહેલી પરોઢે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને વિસનગર મોકલીને પોલીસને ધમકી આપનાર બંને બુટલેગરોને ઊંઘતા જ ઉઠાવી વિસનગર પોલીસ મથકમાં લઈ આવ્યા હોવાનું અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વિસનગર પોલીસને ધમકી આપનાર બુટલેગરો ઉપર અહીંના એક ખંધા રાજકારણીના આશીર્વાદ ફરી રહ્યા છે. જે બાબત વિસનગરની જનતા સારી પેઠે જાણે છે. અહીંના રાજકારણીના કારણે જ બે કોડીના બુટલેગરોએ પોલીસને ધમકી આપવાની ચેષ્ટા કરી હોવાની વાત ચોરે ને ચૌટે ચર્ચાઈ રહી છે. પરંતુ જિલ્લાના જાંબાઝ પોલીસ અધિક્ષક કોઈ પણ ચમરબંધીની શરમ ભરતા ન હોવાની છાપ કાયમ રહી છે. પોતાના પોલીસ વિભાગના અધિકારી સાથે તકરાર કરી તેઓને જે પ્રકારે ધમકી આપવામાં આવી છે તે બાબતને તેઓએ ગંભીરતાથી લઈને ખંધા રાજકારણીના ખોળામાં બેસી કુદતા બુટલેગરોને તેમણે ધોળા દિવસે તારા દેખાડી દીધા હોવાનો અહીં પુરાવો મળી રહે છે. બીજી તરફ વિસનગરમાં એક ચર્ચા એવી પણ છે કે આ બુટલેગર તત્વોનું પોલીસે સરઘસ કાઢી તેઓને જાહેરમાં ફેરવવા જોઈએ જેથી કરીને ભદ્ર સમાજના લોકોના માનસમાં છવાઈ ગયેલો ભય દૂર થાય અને અસામાજિક તત્વોને આમ જનતા અને કાયદાના રક્ષકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ તેનું ભાન થાય.
•સેવા, સુરક્ષા અને શાંતિ જેનું સુત્ર છે તે ગુજરાત પોલીસને છંછેડનારા તત્વો ચેતી જજો
રાજ્યમાં નશીલા પદાર્થોનો વ્યવસાય કરનારા અસામાજિક અને બુટલેગર તત્વોએ ભૂતકાળમાં અનેક પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે તકરારો કરી હોય કે પછી તેમના પર હુમલા કર્યા હોય તેવા બનાવો બનેલા છે. પરંતુ જ્યારે જ્યારે ખાખીને વધુ પડતી છંછેડવામાં આવી છે ત્યારે તેમણે તેમને મળેલી મહત્વપૂર્ણ સત્તાઓનો ઉપયોગ કરી અસામાજિક અને બુટલેગર તત્વોને પાંચમું રતન દેખાડી દીધાના પણ દાખલા છે. ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ ના સૂત્રને લઈને પોતાની ફરજ બજાવતા પોલીસ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓને છંછેડવાની ભૂલ કેટલી ભારે પડી શકે છે તે વાત આવા તત્વો અને તેમને છોડાવવા મથતાં ખંધા રાજકારણીઓએ કોઈ અનુભવીને પૂછી લેવી જોઈએ.
•બુટલેગરો સામે આકરા પગલા લેવાય તેવી સંભાવના, ઉચ્ચ અધિકારીઓ વિસનગર પહોંચી શકે
વિસનગરના પોલીસ અધિકારી કર્મચારીઓ સામે પડેલા બુટલેગરો હવે જીલ્લા પોલીસ અધિક્ષકની રડારમાં આવ્યા છે. પોલીસવડાના આદેશથી એલસીબીની ટીમ તેમનો કાંઠલો પકડી વિસનગર પોલીસ મથકે ઘસડી લાવી છે. સંભવત હવે આ માથાભારે બૂટલેગરો સામે આકરા પગલાં લેવાય તેની ઘડીઓ ગણાઇ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડીઆઈજી અને એસપી સહિતના અધિકારીઓ વિસનગર પહોંચે અને અસામાજિક તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી શકે તેવું મનાઈ રહ્યું છે.
•રાજ્ય ગૃહમંત્રી આપ કાયદો વ્યવસ્થા માટે સજાગ છો પણ તમારા સાથીઓ શું કરી રહ્યા છે?
રાજ્યના યુવા ગૃહ મંત્રી કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ નીચો જાય તેના માટે રાત-દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી રહ્યા જ્યારે તેમના જ સાથી કહેવાતા લોકો બુટલેગર જેવા તત્વોને છાવરીને એ મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. કહેવાતા લેંઘાધારી નેતાજી દારૂનું દૂષણ ઘૂસાડનાર બુટલેગર તત્વોને છાવરવાનું બંધ કરી દે તેવી લાગણી પણ વિસનગરની ભદ્ર સમાજની જનતામાં ઉભી થયેલી ચર્ચાઈ રહી છે. હવે પ્રશ્ન એ થાય છે કે લેંઘાધારી નેતા પોતાનું નાક બચાવશે કે પછી પોતાની અને સરકારની આબરૂ કાઢશે એ તો આવનારો સમય જ કહેશે.