Apna Mijaj News
Breaking Newsસફળતા

કલોલમાં દંપતીને અમેરિકા મોકલનાર કાકા પાસેથી દસ લાખ પડાવવા ફાયરિંગ કરનાર રિયાન પકડાયો

SOGની ટીમે રિયાનને પકડવા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તપાસ કરી હતી

આખરે પોલીસ ટીમને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની ભાળ મળી જતા દબોચી લીધો

પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી રિમાન્ડની માગણી કરાશે

સંજય જાની:

       કલોલમાં દંપતીને અમેરિકા મોકલવાની બાબતને લઈ રૂપિયા તૈયાર છે કે કેમ તે જોવા આવેલા અમદાવાદના એજન્ટના મિત્ર તેમજ દિલ્હી સ્થિત એજન્ટના 3 સાગરિતો દંપતીના કાકા સાથે તકરાર કરી ફાયરિંગ કરાયાની ઘટનાએ કલોલ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ બનાવની તપાસ ગાંધીનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સોંપી દેવામાં આવતા એસ.ઓ.જી.ના પી.આઇ એસ.એસ.પવાર સહિતની ટીમે અમદાવાદ એજન્ટના મિત્ર ઋત્વિક પારેખ અને ફરિયાદી વિષ્ણુ પટેલની પૂછપરછ કરી ફાયરિંગ કરી ભાગી છુટેલા ત્રણેય શખ્સોને પકડી પાડવા તેમજ બનાવના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી. જેના ફળ સ્વરૂપે ફાયરિંગ કરનાર રિયાન અને ઝડપી પાડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે.
કલોલના પંચવટી વિસ્તારના મારુતિ બંગલોઝમાં રહેતા વિષ્ણુભાઈ માણેકલાલ પટેલને તેમના મિત્ર મહેશ વ્યાસ મારફતે અમદાવાદના એજન્ટો ઋત્વિક વિજયભાઈ પારેખ (રહે. મકાન નંબર એએ/502, સરદાર પટેલ નગર, શાસ્ત્રી નગર નારણપુરા) અને દેવમ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા) સાથે મિટિંગ થઈ હતી. જે મિટિંગમાં વિષ્ણુભાઈના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલી આપવાની 1.10 કરોડમાં ડીલ થઈ હતી. એજન્ટે દંપતીને દિલ્હીથી અમેરિકા મોકલી આપવાની વાત કરી હતી. દંપતી અમેરિકા પહોંચી જાય તે પછી પેમેન્ટ આપવાનો સોદો નક્કી થયો હતો. બાદમાં નક્કી થયા મુજબ 23 અને 27મી જાન્યુઆરીની જગ્યાએ 4 ફેબ્રુઆરીએ દિલ્હી જવાની ટિકિટ દિલ્હીના એજન્ટે કરાવી આપી હતી. જેથી દેવમ બ્રહ્મભટ્ટ દંપતી સાથે દિલ્હી જવું પડશે તેવું કરિયાણાની દુકાન ચલાવતા વિષ્ણુભાઈ પટેલને કયું હતું. આથી વિષ્ણુ પટેલે દેવમને કહ્યું હતું કે તેઓને ગાડી ચલાવતા નથી આવડતી એટલે કલોલથી અમદાવાદ પોતાના ભત્રીજા વિશાલ અને તેની પત્નીને લઈને કેવી રીતે આવે? જેથી દેવમ બ્રહ્મભટ્ટે તેના મિત્ર ઋત્વિકને ગાડી લઈને કલોલ મોકલી આપ્યો હતો અને વિષ્ણુ પટેલ તેમજ તેના ભત્રીજા અને તેની પત્ની ઋતિક સાથે અમદાવાદ એરપોર્ટ ગયા હતા. જ્યાંથી દેવમ બ્રહ્મભટ્ટ વિશાલ પટેલ અને તેની પત્નીને લઈ દિલ્હી પહોંચ્યો હતો.
બાદમાં ઋત્વિક વિષ્ણુભાઈને લઈને કલોલ રવાના થયો હતો. જોકે, દેવમે રોકેલા દિલ્હીના એજન્ટે રૂપિયા જોવાની જીદ્દ પકડી પોતાના ત્રણ શખ્સોને વિષ્ણુભાઈનાં ઘરે મોકલી આપ્યા હતા. જ્યાં વિષ્ણુભાઈએ અંદાજીત 55 લાખ ભરેલી બેગ પણ બતાવી હતી. જે પૈકીના રૈયાન નામના શખ્સે આગળથી મળેલી સૂચના મુજબ 10 લાખની ઉઘરાણી કરી હતી. પરંતુ દંપતી અમેરિકા પહોંચે તે પછીથી પૈસા ચૂકવવાની શરત હોવાની વિષ્ણુભાઇએ વાત કરતા દિલ્હી એજન્ટે મોકલેલા ત્રણ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને રૈયાને પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું. જેમાં વિષ્ણુભાઈ આબાદ રીતે બચી ગયા હતા. બુમાબુમ થતાં રૈયાન સહિત ત્રણ શખ્સો ભાગી ગયા હતા. જ્યારે ઋત્વિક પકડાઈ ગયો હતો. સમગ્ર આ મામલે પોલીસે ઋત્વિક અને દેવમ બ્રહ્મભટ્ટની ધરપકડ કર્યા બાદ બંનેને જેને હવાલે કરી દેવામાં આવ્યા છે.
          ચકચારી ઘટનામાં અમદાવાદના એજન્ટ મયંક શર્માનો અભિપ્રાય આપી દેવમ બ્રહ્મભટ્ટનો પરિચય એક મહિલા પીએસઆઇના પતિ સુનિલ પટેલે કરાવ્યો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. બીજી તરફ પોલીસ ફાયરિંગ કરનાર રિયાન તેમજ અન્ય બે શખ્સોને પકડી પાડવા તેઓનું પગેરૂં દબાવ્યું હતું. જે સમયગાળા દરમિયાન પોલીસને રિયાન વારંવાર લોકેશન બદલતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેની તપાસમાં પોલીસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ચક્કર લગાવી રહી હતી. જોકે આખરે ટેકનિકલ સર્વેલન્સના આધારે મૂળ મહારાષ્ટ્રના જલગાવનો રહીશ રિયાન કરણકાડેને એસઓજીની ટીમે દબોચી લઇ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
એક સાથે ૫૫ લાખની રકમ વિષ્ણુ પટેલ પાસે આવી ક્યાંથી?
વિષ્ણુ પટેલ પાસે એજન્ટ અને આપવા માટેની રકમ છે કે નહીં તે ખરાઈ કરવા માટે દિલ્હીના એજન્ટે પોતાના ત્રણ સાગરીતોને ઋત્વિક અને વિષ્ણુ પટેલ પાસે મોકલી આપ્યા હતા. વિષ્ણુ પટેલ ઋત્વિક સાથે અન્ય ત્રણ વ્યક્તિઓને પોતાના ઘરે લઇ ગયા હતા અને અંદાજે ૫૫ લાખથી પણ વધુની રકમ ભરેલો થેલો તેઓ દિલ્હીના એજન્ટ સાગરીતોને બતાવ્યો હતો. જેથી અહીં મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સરકારના નિયમ મુજબ કોઈ વ્યક્તિ પાસે બે લાખથી વધુની રકમ હોય તો તે અંગે નિયમ અનુસાર કાર્યવાહી થઈ શકે છે. તો અહીં વિષ્ણુ પટેલ પાસે એકી સાથે ૫૫ લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? જોકે વિષ્ણુ પટેલે નોંધાવેલી એફઆઇઆરમાં પોતે દસ લાખ રૂપિયા બતાવ્યા હોવાનું લખાવ્યું છે. તોપણ પ્રશ્ન એ થાય છે કે ૧૦ લાખની પણ એકસાથેની રકમ તેઓ પાસે આવી ક્યાંથી? જોગેશ સમગ્ર બનાવમાં સચ્ચાઈ શું છે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે પરંતુ અમુક પ્રશ્નોએ રહસ્યના તાણાવાણા જરૂર સર્જી દીધા છે.

Related posts

કટ્ટરવાદી શબ્બીરે ગોળી મારી કિશન ભરવાડની હત્યા કરી: બેની ધરપકડ, 9 દી’ના રિમાન્ડ મંજૂર 

ApnaMijaj

બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શન પર પીએમ મોદી ચિંતિત, કહ્યું- લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન કરો

Admin

કડીનો નગરસેવક નાયક “ના લાયક”નીકળ્યો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!