Apna Mijaj News
અપરાધદેશ

વિસનગર પોલીસની ‘ભાવના’ને કચડી નાંખવા હિન પ્રયાસ: ‘ખાદીધારી’એ બુટલેગરોને છોડી મૂકવા ભલામણ કરી

વિસનગરના ભરબજારમાં બનેલી ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો

પીઆઈ કક્ષાના મહિલા અધિકારીને ધમકી આપનાર બુટલેગરો બેફામ કેમ બની ગયા?
શું હપ્તાખોરીએ પોલીસનું લોહી પાતળું કરી નાખ્યું છે? કે પછી ધોકો ખોખરો થઈ ગયો છે?
વિસનગર:તા.૧૬/૦૧/૨૨(અપના મિજાજ નેટવર્ક)
       વિસનગરના ભર બજારમાં અહીંના લિસ્ટેડ બે બુટલેગરોએ શહેર પોલીસ મથકના મહિલા પી.આઈ. ભાવનાબેન પટેલને ગાડી નીચે કચડી નાખવાની ધમકી આપ્યાની ચર્ચાએ ભારે ચકચાર મચી છે. બુટલેગરોએ જાહેરમાં એક પોલીસ અધિકારીને ધમકી આપવાની હિંમત દાખવતાં શહેરીજનોમાં ભયનો માહોલ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસે પણ બુટલેગર તત્વો સામે કાનૂની રાહે પગલાં ભર્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છેકે અહીના એક ભાજપી આગેવાન અને રાજ્ય સરકારના મંત્રીએ ખાખીધારીના બદલે બુટલેગરનો પક્ષ લઇ પોલીસને મોટી કોઇ કાર્યવાહી નહીં કરવા ફોન કોલ કર્યો હોવાની ચર્ચા પણ હલચલ મચાવી છે.
        વિસનગર શહેર અને તાલુકામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો બેફામ બની ચૂક્યા છે. તાલુકાભરમાં થઈ રહેલી ચર્ચા મુજબ હપ્તા ખોરીની રકમે જાણે પોલીસનુ લોહી પાતળું કરી નાખ્યું હોય એ રીતે પોલીસને કંઈ જ નહિ સમજનારા બુટલેગરો હવે પોલીસ અધિકારીઓને ‘પતાવી’ દેવાની ધમકી આપતા થઈ ગયા છે. વિસનગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઉતરાયણના દિવસે રોડ વચ્ચોવચ એક શિફ્ટ અને નંબર પ્લેટ વગરની i10 કાર ટ્રાફિકને અડચણ કરતી ઉભી હતી. જેને લઇને અહીં પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ કર્મચારીએ કાર હટાવવાનું કહેતા કારમાં બેઠેલા શહેરના લિસ્ટેડ બુટલેગર રઘાજી ઉર્ફે રઘજી સબાજી ઠાકોર અને વિક્રમ સબાજી ઠાકોર ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસ કર્મચારી સાથે માથાકૂટ કરી હતી.
        પોલીસ સાથે તકરાર થતાં પીઆઇ સહિત અન્ય પોલીસ કાફલો બસ સ્ટેન્ડ વિસ્તારમાં બોલાવી લેવામાં આવ્યો હતો. જ્યાં બંને બુટલેગરોએ પોલીસ યુનિફોર્મમાં રહેલા અધિકારી સહિતના કર્મચારીઓને ધાક ધમકી આપી હતી. જોકે ચર્ચા તો એવી છે કે બુટલેગરોએ મહિલા પીઆઇને પોતાની કાર નીચે કચડી નાંખવા સુધીની ધમકી આપ્યાની હદ પાર કરી નાખી હતી. બનાવને લઇ આજુબાજુમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ઉશ્કેરાયેલા બુટલેગરો પોલીસને તમારાથી થાય તે કરી લો રસ્તામાંથી ગાડીઓ નહીં હટે તેવું સાફસાફ સંભળાવી દીધું હતું. જોકે પોલીસે શિરજોર બૂટલેગરો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં એક ખાદીધારીએ પોલીસને ફોન કરી બુટલેગરના સમર્થનમાં ભલામણ કરતા બૂટલેગરો સામે નેતાજીની શરમ ભણીને હળવી કલમો તળે ગુનો નોંધી તેઓને થોડા જ સમયમાં છોડી મુકાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ને..બુટલેગરોએ પોલીસને કહ્યું વિસનગરમાં નોકરી કરવાનું તમને ભારે પડી જશે!
        શહેરમાં રોડ વચ્ચે બે ગાડી મૂક્યા પછી પોલીસ સાથે તકરાર કરીને માથાભારે બુટલેગરોએ પોલીસને ધમકી પણ આપી દીધી કે તમારાથી થાય તે કરી લો રસ્તામાંથી ગાડીઓ નહીં હટે, તમે અમને ઓળખતા નથી અને વિસનગરમાં કઈ રીતે નોકરી કરો છો ને તમને નોકરી કરવાનું ભારે પડી જશે. બુટલેગરની ધમકી સામે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ તળે ગુનો નોંધ્યો છે. પરંતુ પ્રશ્ન અહીં એ થાય છે કે વિસનગરના કયા ‘ખાદીધારી’ના ચાર હાથ આ બુટલેગરો માથે છે. કે તેઓ પોલીસ અધિકારી અને કર્મચારીઓને આટલી મોટી ધમકી આપી ગયા?!
જિલ્લા પોલીસ અધિક્ષકે લાલ આંખ’ કરવી જ રહી
    મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ કડક કાર્યવાહી માટે ખૂબ જ જાણીતા છે. જિલ્લામાં આવતાની સાથે જ તેઓએ અપરાધી તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી તેમના દાંત ખાટા કરી નાખ્યા છે. એટલું જ નહીં તેઓ ખુદ પોતાના પોલીસ સ્ટાફની પણ ભૂલ માફ નથી કરતા અને તેમની સામે જરૂરી પગલાં લેવામાં અચકાતા ન હોવાની છબી ઉપસી આવેલી છે. ત્યારે હવે વિસનગરના બુટલેગરોએ પોલીસ સામે કરેલી હરકત માફીને પાત્ર ન હોવાનું જનતા જણાવી રહી છે અને એક સૂરમાં અવાજ ઉઠી રહ્યો છે કે આ હરકત સામે જિલ્લા પોલીસ અધિક્ષકે લાલ આંખ કરવી જ રહી.

Related posts

કલોલમાં પરિવારને અમેરિકા મોકલવા 1.10 કરોડમાં સોદો , પૈસા ન મળતાં ફાયરીંગ કર્યું

ApnaMijaj

ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દાણચોરી, DRIએ 80 કરોડનો સામાન જપ્ત કર્યો

Admin

“આતા માજી સટકલી..!” પોલીસને ધમકી આપનાર બુટલેગરોને ‘ખાખી’એ બતાવ્યો પોતાનો અસલી મિજાજ

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!