ગુજરાતમાં કોંગ્રેસની આજથી હાથ સે હાથ જોડો યાત્રા શરુ થઈ રહી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોર હાજરી આપશે, આ યાત્રાનો અરવલ્લીથી પ્રારંભ થશે આજે ભિલોડાથી ધ્વજવંદન કરી આ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. વિધાનસભામાં ચૂંટણીમાં કારમી હાર અને સ્થાનિક ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણીઓ પહેલા કેટલી સફળ રહેશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર હાર બાદ કેન્દ્રીય હાઈકમાન્ડ રાજ્યમાં પાર્ટીની સ્થિતિને લઈને ચિંતિત હોય તેવું લાગતું નથી. આ જ કારણ છે કે ચૂંટણી બાદ પ્રદેશ કોંગ્રેસ છોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ, બહુપ્રતિક્ષિત હાથ સે હાથ જોડો યાત્રામાં કોઈ હેવીવેઈટ દેખાતું નથી.
કોંગ્રેસની હાથ જોડો યાત્રા 26 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. હવે હાથ સે હાથ જોડોની યાત્રા આજથી શરૂ થઈ રહી છે પરંતુ બહુપ્રતિક્ષિત હાથ સે હાથ જોડો યાત્રા હાર બાદ ગુજરાતમાં કેટલી સફળ રહેશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરા તેની જવાબદારી સંભાળી રહ્યા છે અત્યાર સુધી આ પહેલા તેમણે ગુજરાતની મુલાકાત લીધી નથી તેઓ આ યાત્રાને લઈને ગુજરાતમાં સક્રીય ઓછા દેખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મોટા નેતાઓની સક્રિયતાના અભાવને લઈને સવાલો ઉભા થયા હતા.
8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસે મજબૂત વિપક્ષનો દરજ્જો ગુમાવી દીધો હતો. કારમી હાર બાદ પાર્ટીનું રાજ્ય એકમ આઘાતમાં સરી પડ્યું. કોંગ્રેસના નેતાઓ એક સપ્તાહથી સક્રિય થવા લાગ્યા છે. પક્ષના નેતાઓએ મંથન અંગે વાત કરી હતી. દરમિયાન રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા ભારત જોડો યાત્રાના સમાપન બાદ હાથ સે હાથ જોડો યાત્રા નિકળશે તેવો નિર્ણય લેવાયો હતો. એવા રાજ્યમાં જ્યાં પાર્ટી 77થી 17 સીટો પર આવી ગઈ છે. આ પછી યાત્રા કેટલી અસર કરશે તે સમય બતાવશે. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે પાર્ટી આખરે ફ્રન્ટ ફૂટ પર ક્યારે રમશે?.
આ યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીનો સંદેશ અને ચાર્જશીટ લોકો સુધી પહોંચાડશે. ગુજરાતમાં આ યાત્રા ભિલોડા બાદ ગાંધીનગર સહીતના વિવિધ સેન્ટરોમાં પહોંચશે. 7 ફેબ્રુઆરીએ અમદાવાદના આશ્રમ રોડ પરથી પણ યાત્રાનો પ્રારંભ થશે. પાર્ટીના નેતાઓ કહે છે કે આ સમય દરમિયાન પાર્ટી ગુજરાતમાં વારંવાર પેપર લીક થવા પર હોબાળો પણ કરશે.