•ડ્રેનેજ સફાઈના 50% મશીન 6 મહિનાથી બંધ છતાં કોન્ટ્રાક્ટર 15000 ભાડું લઈ ગયો
• મશીન કામ આવતા નથી જેના લીધે શહેરમાં ગટરો ઉભરાવાની ફરિયાદો વધી છે
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરીને દોઢો વેરો પ્રજાના માથે થોપી બેસાડ્યો છે. જેને લઈને વિરોધનો વંટોળ જાગ્યો છે. શાસકોએ શહેરનો વિસ્તાર વધ્યો હોવાથી કોર્પોરેશન નો ખર્ચ પણ વધી ગયો હોવાનો લૂલો બચાવ કર્યો છે એટલું જ નહીં કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. જેને લઈને કોર્પોરેશન ખર્ચને પહોંચી વળવા માટે પોતાની માલિકીના કરોડો રૂપિયા ના પ્લોટ વેચવાનું પણ આયોજન કરી રહી છે. જે તમામ બાબતને લઈને વિપક્ષ પણ શાસકોને ઘેરવા લાગ્યો છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે નવી બાબત પણ એ સામે આવી છે કે શહેરમાં ડ્રેનેજ સફાઈના કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટરના 50% થી વધુ મશીનો છ મહિનાથી બંધ પડ્યા છે. જેને લઈને શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યા પણ વધી છે. એટલું જ નહીં મહત્વની વાત એ છે કે છ મહિનાથી બંધ પડેલા મશીનના 15000 રૂપિયા લેખેનું ભાડું પણ કોન્ટ્રાક્ટર એએમસી માંથી વસુલાત કરતા રહ્યા છે. જેથી સમજી શકાય કે જો આમને આમ લોલ કોર્પોરેશનમાં ચાલતું હોય તો પછી તેની તિજોરી તળિયા ઝાટક ન થાય તો પછી થાય શું?
મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની સફાઈ માટે સુપર સકર મશીનો ચલાવવા માટે અલગ અલગ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. વર્ષ 2011માં સાત ઝોન માટે 16 મશીનોની ખરીદી કરવામાં આવી છે જેમાંથી 50% મશીનો છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં પડ્યા છે. બાકીના આઠ મશીનો સાત આઠ વર્ષ જુના હોવાના કારણે પૂરતી પ્રેશરથી ડ્રેનેજ સફાઈની કામગીરી કરી શકતા નથી. જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની ફરિયાદો વધી છે. ઉપરાંત વરસાદી પાણીનો પણ ઝડપથી નિકાલ થતો નથી જેને લઈને બિનજરૂરી રીતે રોડને પણ ખોદવો પડે છે. મશીનો બંધ હોવાની બાબત સપાટી ઉપર આવતા એક બાબતનો ભાંડાફોડ થયો છે કે મશીનો કામ કરતા નથી છતાં પણ આ અંગેનું કામ કરતા કોન્ટ્રાક્ટરો દર મહિને 15000 રૂપિયા લેખે ભાડું પણ કોર્પોરેશન પાસેથી લઈ ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સુપર સકર મશીન બંધ હોવાના મામલે ચર્ચા તેજ બનતા હવે આ બાબતે જે કંઈ રંધાણું હોય તેનો રિપોર્ટ કમિટીમાં રજૂ કરવા માટે સુચના અપાતા જે તે જવાબદારોમાં દોડધામ મચી હોવાનું જાણવા મળ્યું છે.
• કોન્ટ્રાક્ટરોને ભાડું આપવા માટે કોણે ‘ભાઈબંધી’ નિભાવી તપાસ જરૂરી
છેલ્લા છ મહિનાથી બંધ પડેલા સુપર સકર મશીનોનો કોઈ જ ઉપયોગ નથી થયો તો પછી કોન્ટ્રાક્ટરોને દર મહિને ભાડારૂપી 15 હજાર રૂપિયાની લહણી કરવામાં કયા જવાબદારોએ ‘ભાઈબંધી’ નિભાવી છે. તેની પણ તપાસ અત્રેથી જરૂરી બની રહે છે તેવી ચર્ચા કોર્પોરેશન સંકુલમાં તેજ બની છે. જોકે જાણકારો કહે છે કે મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ ભાજપના શાસકોને અંધારામાં રાખીને પોતાની મનમાની ચલાવે છે કે પછી..’આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાં’ ને સાર્થક બનાવવા માટે બંને પક્ષે સંબંધ સાચવી લેવામાં આવ્યો છે? આ અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી બનતું હોવાનું જાગૃત લોકો કહી રહ્યા છે.
(તસવીર પ્રતિકાત્મક છે)