કલોલમાંથી એક દંપતીને અમેરિકા મોકલવા માટે રૂ.૧.૧૦ કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો. જે અંગેની રકમ લેતી-દેતી મુદ્દે અમેરિકા મોકલનાર એજન્ટ તેમજ તેની સાથેના અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ડખો પડતા શુક્રવારની મોડી રાત્રે એક શખ્સે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી પાટીદાર વ્યક્તિને પતાવી દેવા પ્રયાસ કરવામાં આવતા કલોલ શહેર સહિત તાલુકાભરમાં ભારે ચકચાર મચી છે.
કલોલ તાલુકા પોલીસ મથકમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કલોલના પંચવટી વિસ્તારમાં મારૂતિ બંગલોઝમાં રહેતા વિષ્ણુભાઈ માણેકલાલ પટેલ ખોડીયાર કીરાણા સ્ટોર્સ ચલાવે છે. જેમના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલવા માટે તેમના મિત્ર મહેશ વ્યાસે એજન્ટને ઓળખતા હોવાની વાત કરી હતી. બાદમાં 18 મી જાન્યુઆરીએ એજન્ટ ઋત્વિક વિજયભાઈ પારેખ (રહે. મકાન નંબર એએ/502,સરદાર પટેલ નગર, શાસ્ત્રી નગર નારણપુરા) અને દેવમ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા) સાથે વિષ્ણુભાઈની મિટિંગ થઈ હતી. બન્ને એજન્ટે દોઢ મહિનામાં દંપતીને દિલ્હીથી અમેરિકા મોકલી આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે અમો દિલ્હીથી ગ્રુપ તૈયાર કરી સીધા અમેરિકા મોકલી આપીએ છીએ. જે માટે કપલનાં 1. 10 કરોડનો ભાવ છે.અને બે દિવસમાં અડધું પેમેન્ટ આપવાનું રહેશે. જે સોદો નક્કી થયો હતો. બાદમાં એજન્ટોએ 23 મી જાન્યુઆરીએ દંપતીની ટિકિટ આવી જશે. તમારે દિલ્હી આવી જવાનું પણ કહ્યું હતું.
23 મીએ ભત્રીજા અને તેની પત્નીની ટિકિટ નહીં આવતાં વિષ્ણુભાઈએ ફોન કર્યો હતો. ત્યારે ઋત્વિક પારેખે કહ્યું હતું કે આગળથી ટિકિટનું બુકિંગ બંધ છે. 27 મીએ ટિકિટ આવી જશે. પરંતુ 27 મીની જગ્યાએ ગઈકાલે 4 ફેબ્રુઆરીની ટિકિટ આવી હતી. વિષ્ણુભાઈને ગાડી આવડતી ન હોવાથી એજન્ટ દેવને કહ્યું હતું કે મારો માણસ આવશે અને 10 લાખ બતાવવા પડશે. બંને અમેરિકા પહોંચે એટલે અડધું પેમેન્ટ અને બાકીનું દોઢ મહિના આપી દેવું પડશે. તેવી પણ વાત કરી હતી. એરપોર્ટ સુધી ઋત્વિક મૂકવા ગયો હતો. દેવમ પેસેન્જરોને લઈને દિલ્હી જવા રવાના થયો હતો.
•એજન્ટો રૂપિયા જોવા ઘરે પોણો કલાક રોકાયાં
રસ્તામાં પહોંચતા જ દિલ્હીના એજન્ટે દેવમને કહ્યું હતું કે અમે કામ શરૂ કરી દીધું છે. રૂપિયા બતાવવા પડશે. જેથી દેવમે ઋત્વિકને રૂપિયા જોવા માટે માણસો આવે છે. એમને વિષ્ણુભાઈનાં ઘરે લઈ જવાની વાત કરી હતી. એટલે કલોલમાં એન.સી.દેસાઈ પેટ્રોલ પંપ પાસે પહોંચીને ઋત્વિકે ફોન કરતાં રૈયાન અને તેની સાથે બે શખ્સો આવ્યા હતાં અને બધા વિષ્ણુભાઈના ઘરે પહોંચ્યા હતા. રાત્રે સવા નવ વાગે પહોંચ્યા પછી બધા વિષ્ણુભાઈનાં ઘરે પોણો કલાક રોકાયા હતા. ચારેય લોકોએ પૈસાની માંગણી કરી હતી. આથી વિષ્ણુ ભાઈએ કહેલું કે મારો ભત્રીજો અને તેની પત્ની અમેરિકા પહોંચે એટલે પૈસા આપવાની વાત હતી.
•ગોળી જમીનને ટકરાઈને સામે સોફામાં વાગી
એજન્ટે મોકલેલા શખ્સો ઘરે આવતાં વિષ્ણુ ભાઈએ 10 લાખ રોકડા બતાવ્યા પણ હતા. પરંતુ એજન્ટની સૂચના મુજબ રૈયાનને કોઈપણ ભોગે રૂપિયા લઈ લેવાના હતા. રૈયાને કમરમાંથી રિવોલ્વર કાઢીને વિષ્ણુભાઈ સામે તાકી દીધી હતી. હજી વિષ્ણુભાઈ કંઈ સમજે એ પહેલાં જ તેણે ફાયરિંગ કરી દીધું હતું. જો કે વિષ્ણુભાઈ ખસી જતાં ગોળી સોફામાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન વિષ્ણુ ભાઈના પુત્રએ મોબાઇલ ફોન છૂટો મારતા રૈયાનનાં હાથમાં રિવોલ્વર પડી ગઈ હતી. જેને તેની સાથેના ઈસમો એ ઉઠાવીને બધા ભાગ્યા હતા.
•ઋત્વિક પગે ઇજા હોવાથી ભાગી ન શક્યો
વિષ્ણુભાઈ સહીતના પરિવારજનોએ ફાયરિંગ કરાતા બૂમાબૂમ કરતા રૈયાન તેના બે માણસો સાથે નાસી ગયો હતો. પરંતુ ઋત્વિકને પહેલેથી પગે ઇજા થઇ હોવાથી તે ભાગી નહીં શકતા ઝડપાઈ ગયો હતો. બાદમાં ઋત્વિકનાં પિતા અને તેનો ભાઈ પણ કલોલ વિષ્ણુભાઇના ઘરે આવી ગયા હતા. જેમને પણ પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા. હાલમાં કલોલ તાલુકા પોલીસ દિલ્હીથી અમેરિકા જવા રવાના થયેલા પેસેન્જર અને એજન્ટ દેવમને પરત લાવવા માટે મથામણ કરી રહી છે.