• ઉતરાયણમાં રાજ્ય સરકારને ઢંઢોળવા સૂત્રો લખેલા પતંગો આકાશમાં ફરકયા
• વિદ્યા સહાયકની ભરતીને લઇ નોકરીવાંચ્છુકોએ ટ્વિટર પર પણ મારો ચલાવ્યો
• પ્રા. શાળાઓમાં ૧૬ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી, માત્ર ૩,૩૦૦ ભરાશે
અમદાવાદ તા.૧૬/૦૧/૨૨
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ૩,૩૦૦ જગ્યા પર શિક્ષકોની ભરતી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૧૬ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. રાજ્ય સરકાર દ્વારા ૩,૩૦૦ જગ્યાઓ ભરવામાં આવે તો પણ ૧૬ હજારથી વધુ જગ્યાઓ ખાલી રહે તેવી પરિસ્થિતિ છે. જો કે સરકારની આ જાહેરાત પછી માધ્યમોમાં જાહેર ખબર આપી ભરતી કરવામાં આવે તેવી માગણી બળવત્તર બની છે. નોકરી વાંચ્છુક વિદ્યાસહાયક ઉમેદવારોએ આ માટે રાજ્ય સરકારને ઢંઢોળવા માટે ઉતરાયણના તહેવારોમાં પતંગો પર વિવિધ સૂત્રો લખીને પોતાની વ્યથા ઠાલવી હતી. એટલું જ નહીં સરકાર તેમની વાત કાને ધરે એ માટે ટ્વિટર ઉપર પણ તેઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી જાહેર કરેલી શિક્ષકોની ખાલી જગ્યાઓ માં ધોરણ ૧ થી ૫ માં ૮૦૫૫ જગ્યાઓ ખાલી પડી છે. પરંતુ હાલમાં ધોરણ ૧ થી ૫ ના ૨૧૮૮ શિક્ષકો ધોરણ 6 થી 8 માં ફરજ બજાવી રહ્યા છે. ધોરણ ૧ થી ૫ માં ૩૧મી ઓગસ્ટ 2021 ની સ્થિતિએ ચોખ્ખી ૫૮૬૭ જગ્યાઓ ખાલી પડી છે. ધોરણ 6 થી 8 માં ૮૨૭૩ જગ્યાઓ હાલમાં ખાલી છે. જો પ્રાથમિકમાં વધુમાં પડેલા શિક્ષકો ફરજ મૂકવામાં આવે તો બીજી ૨૧૮૮ જગ્યા ખાલી પડે.જે તમામ બાબતોનો હિસાબ માંડતાં ધોરણ 6 થી 8 માં કુલ ૧૦.૪૬૧ શિક્ષકોની જગ્યા ખાલી છે. ધોરણ-૬થી ૮માં મહત્વના વિષયો જોવા જઈએ તો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયમાં જ ૬૪૧૧ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે તેમ છતાં ઉતરાયણના દિવસે યુવાનો વિદ્યા સહાયકોની તાત્કાલિક ભરતી કરવા રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે નવા સૂત્રો પતંગો પર લખીને એ પતંગોને આકાશમાં વહેતા કર્યા હતા. એટલું જ નહીં નોકરીવાંચ્છુ વિદ્યાસહાયકોએ ટ્વિટર ઉપર પણ વિદ્યાસહાયકની ભરતી મુદ્દે જે કંઇ જાણકારી હોય તે રજુ કરી પોતાનો મત દર્શાવ્યો હતો.