•એક જ વ્યક્તિ આટલી બધી રસી કેવી રીતે લઈ લીધી? પ્રશ્ન જરૂર ઉઠશે
•12મી વખત રસી લેવા જતા હતા અને પોલ ખુલી જતા આખરે પકડાઈ ગયા
•વારંવાર મોબાઈલ નંબર બદલીને તંત્રના અધિકારીઓને ઉઠા ભણાવી દીધાં
અમદાવાદ:
દેશભરમાં કોરોનાવાયરસ એ ભારે હાહાકાર મચાવ્યો છે. બે વર્ષ પૂર્વે આવેલી પ્રથમ અને એ પછીની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરે દેશ-વિદેશમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. કોરોના સામે રક્ષણ મેળવવા દેશના આરોગ્ય વિભાગે રસીકરણ ઝૂંબેશ પૂરજોશમાં ચલાવી છે. કોરોના સામે રક્ષણ આપતી રસી ભારત દેશમાં આવ્યા બાદ નીતિ નિયમો અનુસાર બે ડોઝ લેવા માટે જનતાને જાગૃત કરવામાં આવ્યા છે. સમજું નાગરિકો દ્વારા કોરોના રક્ષિત રસી લઈ લીધી છે તો અમુક કિસ્સામાં ક્યાંક અધુરાશ જોવા મળે છે. દેશના અમુક ભાગોમાં હજુ પણ મોટાભાગના લોકોએ રસી મુકાવી નથી. એ લોકો માટે સરકાર દ્વારા જનજાગૃતિ કેમ્પ કે અન્ય નીતિ નિયમો બનાવી રસી મુકાવવા માટે સમજણ પૂર્વક વિનંતી કરવામાં આવી રહી છે.
તાજેતરમાં પણ ૧૫થી ૧૮ વર્ષના બાળકોને પણ કોરોનાથી રક્ષણ આપવા રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સરકારની આ ઝુંબેશમાં સારા એવા સફળ પરિણામો પ્રાપ્ત કરી શકાયા છે. પરંતુ કહેવાય છે કે હજુ અમુક મોટેરાઓ રસી લેવા માટે ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેઓ પણ તાત્કાલિક રસી મુકાવી તે અંગે સરકારી વાહકો દ્વારા સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે બિહાર રાજ્યનો એક ચોંકાવનારો અને બીજી ભાષામાં રમુજી કહી શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના એક ૮૪ વર્ષીય વૃદ્ધે લોકોની આંખો ખોલી દે અને વહીવટીતંત્રને વાંકા કરી દેવાની હરકત કરતા આ અંગેના એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
લોકો કોરોના રસીના બે ડોઝ માંડ-માંડ લે છે ત્યારે બિહાર રાજ્યના મધેપુરા જિલ્લાના પુરૈની વિસ્તારમાં આવતા કરાય ગામના ૮૪ વર્ષીય બ્રહ્મદેવ મંડલએ છેલ્લા દસ મહિનામાં અલગ અલગ સ્થળે કોરોનાની 11 વખત રસી લીધી છે. તેમનું કહેવું છે કે રસી લીધા પછી તેમના ઘુંટણનું દર્દ ઓછું થયું છે. તેથી તેમણે આટલી વખત રસી લીધી છે. તેમણે લાંબા સમય સુધી ગ્રામીણ ચિકિત્સક તરીકે પણ કામ કર્યું છે. આ મામલો બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે. જોકે આટલી રસી પછી પણ તેમના પર કોઈ આડઅસર પણ થઈ નથી. તેઓ રવિવારે 12મો ડોઝ લેવા માટે ચૌસા કેન્દ્ર પર ગયા તો લોકો તેમને ઓળખી ગયા અને ત્યાં આ મામલાનો પર્દાફાસ થયો. તપાસ કરતાં માલૂમ પડ્યું કે તેઓ મોબાઇલ નંબર બદલી બદલીને રસી લેતા હતા.
પુરૈનીના તબીબી અધિકારી વિનય કુમારે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સિવિલ સર્જન પણ અહીં આવી ગયા છે. ૧૧-૧૧ વખત રસી લેનાર બ્રહ્મદેવ મંડલ પોસ્ટ વિભાગના નિવૃત કર્મચારી છે. સિવિલ સર્જન અમરેન્દ્ર નારાયણ સાહીએ જણાવ્યું હતું કે આઈડી બદલીને વારંવાર રસી લેવી નિયમ વિરુદ્ધ છે તેમના પર કેસ પણ નોંધવામાં આવશે. તેમણે પહેલો ડોઝ પુરૈનીના પીએચસીમાં ૧૩ ફેબ્રુઆરીના લીધો હતો. બીજો દોર 13 માર્ચના પુરૈની પીએચસીમાં, ત્રીજો ડોઝ 19 મેએ ઔરાય આરોગ્ય કેન્દ્ર, ચોથો ડોઝ ભુપેન્દ્ર ભગતના કોટા પર લાગેલા કેમ્પમાં જઈને લીધો. પાંચમો ડોઝ ૨૪ જુલાઈએ પુરૈનીના બડી હાટ સ્કૂલના કેમ્પમાં, છઠ્ઠો 31 ઓગસ્ટે નાથ બાબા સ્થાનિક કેમ્પમાં, સાતમો 11 સપ્ટેમ્બરે બડી હાટ સ્કૂલમાં લીધો હતો.
આઠમો ડોઝ 22 સપ્ટેમ્બરે બડી હાટ સ્કૂલ, નવમો 24 ઓક્ટોબરે કલાસન આરોગ્ય કેન્દ્ર, 10મો ખોડિયાર જિલ્લાના પરબતામાં અને 11મો ડોઝ ભાગલપુરના કહલગામ ખાતે લીધો હતો. વૃદ્ધે તો આટલી રસી લીધી પણ આરોગ્ય વિભાગની બેદરકારી હવે તેના જ ગળામાં મોટું હાડકું બની ગઈ છે. એક વ્યક્તિ આટલા દૂધ લઈ ગઈ અને આરોગ્ય વિભાગને તેની જાણ સુધ્ધા પણ ન થઈ. હાલ તો આરોગ્ય વિભાગમાં હડકમ મચેલો છે દરેકના મોઢા પર એક જ સવાલ છે કે એક વ્યક્તિ આટલા બધા રોજ કઈ રીતે લઈ શકે છે.