મહેસાણા શહેરની જનતા અને શહેરમાંથી પસાર થતાં વાહનચાલકોને સતાવતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે મોઢેરા જંકશન ઉપર અંડર પાસ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે બ્રિજ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં નહીં આવતા ગઈકાલે સોમવારે કોંગ્રેસના આગેવાનોએ રીબીન કાપીને બ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું હતું. જે બાબત ધ્યાને આવતા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ મહેસાણા દોડી આવ્યા હતા અને તાત્કાલિક પત્રકાર પરિષદ સંબોધી બે દિવસમાં જ ભાજપ દ્વારા અંડર પાસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. એટલું જ નહીં તેઓએ જિલ્લા ભરના ભાજપના કાર્યકરો અને જનતાને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પણ આપ્યું છે.
સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવ દ્વારા એક નિમંત્રણ પત્રિકા છપાવીને આવતીકાલે 20 જુલાઈના અંડર બ્રિજના લોકાર્પણની જાહેરાત કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી દ્વારા કરવામાં આવનાર છે. જે પત્રિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને બાંધકામંત્રી પુર્ણેશ મોદીની તસવીરો સજાવવામાં આવી છે. પરંતુ જે વ્યક્તિના પ્રયત્નોથી કરોડો રૂપિયાના અંડર પાસનું નિર્માણ કરવામાં આવ્યું છે તેવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલની તસવીર મૂકવામાં નહીં આવતા તેમના સમર્થકોમાં ભારે ચર્ચા ઉઠી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
• જિલ્લા ભાજપના કાર્યકરોના મનમાં એક જ સવાલ, નિમંત્રણ પત્રિકામાં અમારા ‘સાહેબ’ની તસવીર ક્યાં?
મહેસાણામાં ૧૪૭.૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા અંડર પાસનું કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના સ્થાનિક તેમજ રાજકીય નેતાઓને સાઈડમાં રાખીને ધરાર લોકાર્પણ કરી નાખતા સ્થાનિક નેતાગીરીની હવા કાઢી નાખી છે. બીજી તરફ કોંગ્રેસના પરાક્રમથી દોડતા થયેલા ભાજપના નેતાઓએ સંભવત આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી જનતાની નજરમાંથી ઉતરી જવાના બદલે બધું જ ઠીક ઠાક કરી લેવા માટે યુદ્ધના ધોરણે અંડર પાસ લોકાર્પણનો સમારોહ આયોજિત કરી દીધો છે. જે માટે છપાવવામાં આવેલી નિમંત્રણ પત્રિકામાં મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર નહીં મૂકવામાં આવતા તેમના સમર્થકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે ભાજપા શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. એટલે કાર્યકરો કંઈ બોલતા નથી પરંતુ તેમનું દિલ કહી રહ્યું છે કે જેમણે મહેસાણાના વિકાસ માટે તન મન અને ધનથી સેવા આપી છે તેવા અમારા ‘સાહેબ’ની લોકાર્પણ સમારોહની નિમંત્રણ પત્રિકામાં તસવીર ક્યાં?!
•અંડર પાસ નિર્માતા કોન્ટ્રાક્ટરને બાંધકામ વિભાગે નોટિસ ફટકારી હતી તેનું શું થયું?
કહેવાય છે કે મહેસાણાના અંડર પાસ બ્રિજનું નિર્માણ જે એજન્સી કરી રહી છે તેના કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને મહેસાણાના બાંધકામ વિભાગે 15 થી વધુ નોટીશો ફટકારી હતી. પરંતુ તે નોટિસ ફટકાર્યા બાદ શું થયું? તે મહેસાણા શહેરની કે ઉત્તર ગુજરાતની જનતા જાણતી નથી. કોન્ટ્રાક્ટરને નોટિસ આપ્યા બાદ તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરાયા તેની જાણકારી પણ જનતાને હોવી જોઈએ પરંતુ તંત્રના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે ‘ભાઈબંધી’ નિભાવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એક હવા એવી પણ છે કે અંડર પાસ બ્રિજના નિર્માતા કોન્ટ્રાક્ટર ઉપર ટોચના સ્થાનિક રાજકારણીના ચાર હાથ છે. એટલે સ્થાનિક બાંધકામ વિભાગે નોટિસનું માત્ર નાટક જ ભજવ્યું હતું? જો નોટિસ ગંભીરતાથી આપવામાં આવી હોય તો તે નોટિસના પ્રત્યુતરમાં કોન્ટ્રાક્ટરે શું બચાવ કર્યો છે તેની જાણકારી પણ જનતા જનાર્દન સમક્ષ હોવી જોઈએ તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.
•મહાનુભાવો આપ મહેસાણા આવો છો તો અંડર પાસ અંગે વિરોધ કેમ છે? તેનું રહસ્ય બાંધકામ વિભાગ પાસેથી જરૂર જાણજો
મોઢેરા જંકશન ઉપર બનાવવામાં આવેલા કરોડો રૂપિયાના અંડર પાસના નિર્માણની વાત બહાર આવી, નિર્માણના પાયા ખોદાયા તે પછી નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું ત્યાં સુધી અંડર પાસની કામગીરી વિવાદમાં રહી છે અને આ અંગે અનેક પ્રકારે રાજકીય પક્ષો તેમજ જનતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હવે રાજ્યના મહાનુભાવ મુખ્યમંત્રી અને બાંધકામ મંત્રી આપ મહેસાણા આવો જ છો તો પછી સ્થાનિક બાંધકામ વિભાગે અંડર પાસના નિર્માતા કોન્ટ્રાક્ટરને નોટીશો કેમ આપી? કેટલી વખત આપી? કોન્ટ્રાક્ટરનો પ્રત્યુતર શું હતો? અંતમાં ન્યાયિક પ્રક્રિયા શું કરવામાં આવી? કયા રાજકીય પક્ષો અને જનતાના માણસો બ્રિજ નિર્માણ અંગે કેવા પ્રકારનો વિરોધ કરતા હતા? આ તમામ બાબતનું પૂછાણું પણ કરજો. જેથી આપને ખબર પડી જશે કે જનતાના ટેક્સના પૈસામાંથી કરવામાં આવતા વિકાસ કામમાં હકીકતમાં જનતાને શું સુવિધા મળે છે?