આમાં રાહદારીઓને ચાલવું ક્યાં ? ઉકેલ જાણો તો જણાવજો
•પાલિકાએ બનાવેલી ફૂટપાથ ઉપર શાકભાજી અને ફળફળાદીના વેપારીઓએ આધિપત્ય જમાવ્યું
•ફૂટપાથના અભાવે આ માર્ગેથી અવરજવર કરતા રાહદારીઓ વાહનોની ટક્કરથી બને છે અકસ્માતનો ભોગ
ભૂલ કરે તંત્રને ભોગવે જનતા ? આ તે વળી કેવું?
•પાલિકામાં સત્તા સ્થાને બેઠેલા ‘શુરવીરો’ કહે છે, શાકભાજી ફળફળાદીના વ્યવસાયકારો અમને ગાંઠતા નથી
મહેસાણા: (અપના મિજાજ નેટવર્ક)
મહેસાણા નગરપાલિકા દ્વારા નગરના વિવિધ માર્ગો પર રાહદારીઓને જવા આવવા માટે સુરક્ષિત સગવડતા મળી રહે એ માટે ફૂટપાથનું નિર્માણ કરવામાં આવેલું છે. શહેરમાં આવેલી મોટાભાગની ફૂટપાથો નાના-નાના વ્યવસાયકારોએ પોતાના હસ્તગત કરી લેતાં રાહદારીઓને મજબૂરીવશ જાહેર માર્ગો ઉપર ચાલીને અવરજવર કરવી પડે છે. ફૂટપાથ નહિ રહેતા માર્ગો પર જતા રાહદારીઓને વાહનોની ટક્કર વાગતા અકસ્માતનો ભોગ બને છે. બીજી તરફ પાલિકામાં સત્તા સ્થાને બેઠેલા ‘શૂરવીરો’ એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે કે અમે ઘણી વખત શાકભાજી અને ફળફળાદી સહિતના વ્યવસાયકારો કે જેઓએ ફૂટપાથ કબજે કરી દીધી છે તેઓને હટાવવા કાર્યવાહી કરી છે. પરંતુ તેઓ અમને ગાંઠતા નથી. વ્યવસાયકારોએ પોતાનો માલ સામાન ફૂટપાથ પર ગોઠવી દેતા અહીં આવનારને પણ પૂછવું પડે છે કે ચાલવા માટે અહીં ફૂટપાથ હતી એ ગઈ ક્યાં ?
શહેરમાં આવેલા ગાંધી શોપીંગ સેન્ટરથી બસ સ્ટેન્ડ જવાના માર્ગ પર રાહદારીઓ સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે પાલિકા દ્વારા ફૂટપાથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ફૂટપાથ ઉપર શાકભાજી, ફળફળાદી સહિત અનેકવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ કરતા નાના નાના વ્યવસાયકારો ગોઠવાઈ ગયા હોઈ આ માર્ગ પરની ફૂટપાથ શોધવા જવી પડે તેવી દશા થઈ ગઈ છે. ગાંધી શોપીંગ સેન્ટરથી બસ સ્ટેશન જવા દ્વિ માર્ગ નિર્માણ કરવામાં આવ્યો છે અને તેના વચ્ચે ડીવાઈડર મુકવામાં આવેલું છે. એટલે આ માર્ગ સાંકડો પડી રહ્યો છે. આ માર્ગેથી પસાર થતી એસટી બસ કે રીક્ષા જેવા વાહનો માંડ માંડ જઈ શકે છે ત્યાં રાહદારીઓ કેવી રીતે ચાલી શકે તે પ્રશ્ન જટિલ બની ચૂક્યો છે. ફૂટપાથ પર નાના-મોટા વ્યવસાયકારોએ પોતાનું આધિપત્ય જમાવી દીધું છે એટલે રાહદારીઓને ચાલવા માટે કોઈ જગ્યા રહેતી નથી. રાહદારીઓ જાહેર માર્ગ પર ચાલે તો રોજ બરોજ અકસ્માતની ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. બીજી તરફ પાલિકામાં બેઠેલા સત્તાધીશો નગરમાં આવેલા માર્ગો અને તેની ફૂટપાથો પર દબાણ કરી બેઠેલા લોકો તેને ખસેડવા માટે વાર-તહેવારે કાર્યવાહી કરતા હોય છે પરંતુ વ્યવસાયકારો એકાદદિવસ શાંતિ જાળવી ફરી પાછા અમુક સત્તાધીશોના આશીર્વાદ મેળવી પોતાની જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે.
•અમે કાર્યવાહી કરીએ છીએ પરંતુ વ્યવસાયકારો દાદ દેતા નથી
પાલિકા હસ્તકના માર્ગો અને ફૂટપાથો પર શાકભાજી, ફળફળાદી સહિતના વ્યવસાયકારો દબાણ કરીને બેઠા છે. જેને લઇને આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અંગે પાલિકાના સત્તાધીશો શું કરે છે તે જાણવા પાલિકા પ્રમુખ વર્ષા પટેલનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ તેમનો મોબાઈલ ફોન રિસીવ કર્યો ન હતો. જોકે તેમના પતિ મુકુંદભાઈ પટેલ સાથે વાત થતાં તેઓએ કહ્યું હતું કે અમો અવારનવાર તોરણવાળી માતા ચોક અને અન્ય વિસ્તારોમાં દબાણ કરી બેઠેલાં લોકો સામે કાર્યવાહી કરીએ છીએ પરંતુ તેઓ અમને દાદ દેતા નથી અને એકાદ દિવસ દબાણવાળી જગ્યાએથી હતી જેથી ફરી પાછા ગોઠવાઈ જાય છે. પાલિકા કચેરીની નીચે વિશાળ જગ્યા તેઓને વ્યવસાય કરવા માટે આપીએ છીએ પરંતુ તેઓ ત્યાં આવવા તૈયાર નથી.
•દબાણ હટાવવા ગેરેજ શાખાના કર્મીઓને જવાબદારી અપાઈ છે, તેઓ વહીવટ પણ કરી લેતા હશે!?
ગાંધી શોપીંગ સેન્ટરથી બસ સ્ટેશન જવાના માર્ગ પરની ફૂટપાથ પર વ્યવસાયકારોને હટાવવા માટે ગેરેજ શાખાના અમુક કર્મચારીઓને સૂચના અપાઇ હોવાનું પાલિકા પ્રમુખના પતિ મુકુંદ પટેલે જણાવ્યું હતું. વ્યવસાયકારો અહીંથી હટતા નથી તો એ માટે ગેરેજ શાખાના જવાબદારો કોઈ વહીવટ કરી લેતા હશે કે કેમ? તેઓ પ્રશ્ન કરવામાં આવતાં મુકુંદ પટેલે કહ્યું હતું કે એ તો કંઈ ન શકાય પરંતુ કદાચ તેઓ વહીવટ કરી લેતા હોય તેવું પણ બની શકે. જો કે નિખાલસ રીતે કરેલી તેમની આ વાત સાચી માનીએ તો એ વાતમાં ‘દમ’ અને ‘વજન’ બંને છે. એટલે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર અને દબાણ શાખાના અધિકારીઓ ગંભીર બની ઠોસ કાર્યવાહી કરે તો રાહદારીઓને રાહત મળી શકે તેમ છે. એટલું જ નહીં સત્તાધીશોએ રોજનું કમાઈને રોજનું ખાતા વ્યવસાયકારોની રોજગારી માટે પણ વિચારીને તેમના માટે યોગ્ય જગ્યા ફાળવવી જોઇએ.