• મહેસાણા બાયપાસથી નુગર ગામ જવાનો માર્ગ ‘નઘરોળ’ તંત્રના કારણે કેટલાનો ભોગ લેશે તે નક્કી નથી
•લોકો ફરિયાદ કરી કરીને થાક્યા છે પણ R&Bના કરાર આધારિત બી.એસ.પટેલ કંઈ સાંભળતા નથી
•કોન્ટ્રાક્ટર સાથે વહાલા-દવલાની નીતિ જનતાનો ભોગ લઈ રહી છે તે વ્યથા કોઈને દેખાતી નથી
મહેસાણા: (અપના મિજાજી નેટવર્ક)
મહેસાણાથી મોઢેરા જતા માર્ગને પહોળો કરી નવો બનાવવાનું કામ અંદાજે સવાસો કરોડના ખર્ચે થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતા કામને લઇ આ માર્ગ પર મુસાફરી કરતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. મહેસાણા બાયપાસથી નુગર સુધી માર્ગની બંને સાઇડ ખોદી નાખવામાં આવી છે અને વચ્ચે માત્ર સિંગલ પટ્ટી રોડ વાહનની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે અત્યંત જોખમી બન્યો છે. માર્ગ અને મકાન વિભાગના તત્કાલીન મંત્રી છેલ્લા બે વર્ષથી ચાલતા કામને પૂર્ણ નથી કરી શક્યા તે કામ જેમ બને તેમ જલ્દીથી નૂતન મંત્રી પૂર્ણેશ મોદી પૂર્ણ કરાવે તેવી માગણી હવે બળવત્તર બની છે.
મહેસાણાથી મોઢેરાનો માર્ગ અંદાજે સવા સો કરોડના ખર્ચે નિર્માણ કરવાનું કામ પ્રગતિ ઉપર છે પરંતુ છેલ્લા બે વર્ષથી આડેધડ કરાતી કામગીરીના કારણે છાશવારે અહીં અકસ્માતોના બનાવ બની રહ્યા છે. એટલું જ નહીં આ અકસ્માત તો એટલા ગંભીર હોય છે કે લોકોને આર્થિક શારીરિક મુશ્કેલીની સાથે-સાથે પ્રાણ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. જાણકાર સૂત્રો ત્યાં સુધી કહે છે કે મહેસાણા માર્ગ અને મકાન વિભાગમાં મુખ્ય કાર્યપાલક ઇજનેરનો કરાર આધારિત હવાલો સંભાળતા બી.એસ.પટેલ અહીં માર્ગ નિર્માણનું કામ કરતા કોન્ટ્રાક્ટ એજન્સીના સંચાલકો સાથે પોતાની ગાઢ ‘ભાઈબંધી’ નિભાવતા હોઈ એજન્સીના સંચાલકો મનસ્વી રીતે પોતાની માર્ગ નિર્માણની કામગીરી કરી રહ્યા છે. એટલું જ નહીં એવું કહેવાય છે કે માર્ગ અને મકાન વિભાગના પૂર્વ મંત્રી નીતિન પટેલ એક સમયે આ માર્ગથી મોઢેરાનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે ખખડધજ માર્ગને ઉત્તમ બતાવવા માટે લીપા પોતું કરવામાં આવ્યું હતું. જે કામગીરી ખરેખર કોન્ટ્રાક્ટ એજન્સીએ પોતાના ખર્ચે કરવાની હોય પરંતુ કરાર આધારિત મુખ્ય કાર્યપાલક ઇજનેરના આશીર્વાદથી આ કામગીરી સરકારી ખર્ચે સરકારી પ્લાન્ટ ઉપરથી માલ મટેરિયલ લઈને કરવામાં આવી હોવાની ચર્ચા ઉડી હતી. જાણકારોએ આપેલી આ વિગત જો સાચી હોય તો રાજ્યના નવા માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે તપાસ કરાવી જો કંઈ અયોગ્ય થયું હોય તો તે અંગે કાર્યવાહી કરવી જોઈએ તેવો સૂર ઉઠયો છે.
મહેસાણા બાયપાસથી નુગર જવાનો માર્ગ એટલી હદે જર્જરિત કરી દેવામાં આવ્યો છે કે અહીં છેલ્લા એક મહિનામાં 3થી 4 જેટલા ગંભીરથી અતિ ગંભીર અકસ્માતોના બનાવો નોંધાયા છે. જે અકસ્માતમાં આર્થિક અને શારીરિક નુકસાન વેઠનાર લોકોના પરિવારજનો માર્ગ અને મકાન વિભાગની કાર્યવાહીથી અત્યંત ક્રોધિત થયા છે. લોકોના જણાવ્યા મુજબ જો આમને આમ હજુ પણ માર્ગ અને મકાન વિભાગ તેમજ માર્ગ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી લાલીયાવાડી ચલાવતી રહેશે તો આ માર્ગે વધુ અકસ્માતો સર્જાશે. જોકે અમુક લોકો એવી પણ ચિમકી આપી છે કે હવે તંત્રના વાંકે અકસ્માત સર્જાશે તો તંત્રને કોન્ટ્રાક્ટ એજન્સીઓ સામે લોકોનો રોષ આંદોલન બનીને ફાટી નીકળશે.
•કરાર આધારિત મુખ્ય અધિકારી સત્તા ન હોય તેવા કામ પણ કરી રહ્યા છે
મહેસાણા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કરાર આધારીત ફરજ બજાવે છે. જાણકારોના મતે કહેવાય છે કે આ અધિકારીને જે સત્તાઓ સરકાર દ્વારા નથી આપવામાં આવી તે સત્તા તેઓ ભોગવી રહ્યા છે. એટલું જ નહીં ટોચના એક રાજકારણીના હાથ તેમના ઉપર આર્શીવાદ બનીને ફરતા હોઈ તેઓ તેમના સમકક્ષ અધિકારીઓને પણ કઈ જ ગણતા ન હોવાનો ગણગણાટ ઊઠયો છે. કાર્યપાલક ઇજનેર તરીકે ની પોતાની ફરજમાંથી રીટાયર થઇ ગયા પછી પણ કચેરીની સત્તાનો મોહ છુટતો ન હોવાથી બી.એસ.પટેલે લાગવગ લગાવીને કરાર આધારિત સત્તા હસ્તગત કરી લીધી છે. એટલું જ નહીં તેઓના વર્તનથી અન્ય કર્મચારીઓમાં પણ કચવાટ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.
• નાયબ કાર્યપાલક ઇજનેરને પ્રમોશન અપાતું નથી અને નિવૃત અધિકારીઓને હંગામી રીતે ‘સેટ કરી દેવાય છે
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેરોને નિવૃત્તિ પછી પણ કચેરીમાં રહેલી ખુરશીનો મોહ છુટતો ન હોઈ તેઓ સરકારમાં બેઠેલા લોકોનો સહારો લઇ કાર્યપાલક ઇજનેરના પદ ઉપર કરાર આધારિત રીતે ‘સેટ’ થઈ જતા હોવાની વાત સપાટી પર આવી છે. રાજકીય નેતાના આશીર્વાદથી કરાર આધારિત હોદ્દે ચડી જતા નિવૃત્ત અધિકારીઓના કારણે નાયબ કાર્યપાલકની ફરજ બજાવતા અધિકારીને કાર્યપાલક ઇજનેર તરીકેનું પ્રમોશન પણ મળતું ન હોવાનો કચવાટ અધિકારીગણમાં ઉચાટ ફેલાવી રહ્યો છે.
• હંગામી અધિકારી પોતાના કર્મચારીના પગાર ન કરી શકે પણ કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરવાની સત્તા ભોગવી રહ્યા છે
રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં કરાર આધારિત અધિકારી તરીકે નિવૃત કર્મચારી લાગવગના જોરે સત્તા હસ્તગત કરી લે છે પરંતુ સરકાર દ્વારા તેઓને નાણાકીય વહીવટ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. એટલું જ નહીં તેઓ તેમના જ કચેરીના કર્મચારીઓને અપાતા પગારનું ચુકવણું પણ તેમની સહીથી કરી શકતા નથી પરંતુ અમુક જગ્યાએ તો ધરાર તમામ નીતિ-નિયમો નેવે મૂકીને કરાર આધારિત કાર્યપાલક ઇજનેર કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના થતા બિલો પોતાની સહીથી મંજૂર કરે છે. જેની તેઓને સત્તા નહીં હોવાનું કરાર આધારિત સરકારના નિમણૂક પત્રમાં જ ઉલ્લેખ કરાયો છે. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને યોગ્ય પગલાં ભરવા જોઇએ તેવી માગણી પણ બળવત્તર બની છે.