• મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ પુલને તા.૧૮નવે.૨૦૨૧ના ખુલ્લો મુક્યો હતો
• અમદાવાદ-બગોમાર્ગદરા વચ્ચેનો પુલ પ્રાણઘાતક અકસ્માત નોતરશે તો જવાબદારી કોની?
• પુલ નિર્માણ કરનાર ખુરાના એજન્સી સામે કાર્યવાહી કરી માર્ગ તાત્કાલિક રીપેર કરો
અમદાવાદ:
અમદાવાદ રાજકોટ હાઈવે છ માર્ગીય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાઈવે પર જનારા લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી માર્ગ પરના તમામ ગામડાઓ પાસે પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભમાસર ગામ પાસે એક મહિના પહેલા જ બનાવેલા નવા પુલ પરનો ડામર રોડ ઉખડીને ખાડા પડી ગયા છે.એટલું જ નહીં આ પુલની દિવાલો પણ જર્જરિત થઇ ગઇ છે અને આ પુલ ગમે ત્યારે ધ્વંસ થઈ જાય તેમ છે. ગત તા. 18 નવેમ્બર 2021ના માર્ગ અને મકાનના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અને ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના લોકોની ઉપસ્થિતિમાં મોટા ઉપાડે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નબળી કામગીરીથી માર્ગ નિર્માણ કરનાર એમએસકે ખુરાના કોન્ટ્રાક્ટ એજન્સી સામે કાર્યવાહી કરવા ગ્રામજનો માગણી કરી રહ્યા છે.
અમદાવાદ રાજકોટ હાઈવે છ માર્ગીય બનાવવાની કામગીરી પ્રગતિ પર છે જેમાં અનેક ગામડા પડતી હાઇવે પસાર થાય છે જેથી ગામડા પરથી પસાર થતાં હાઇવે પર પુલ બનાવવામાં આવી રહ્યા છે. હાઇવે પરના નવાપુરા, મોરૈયા, બાવળા, કેરાવીટ ભાયલા અને બગોદરા જેવા ગામો નજીક વાહન ચાલકોને અને ગ્રામજનોને સુવિધા મળી રહે તે માટે પુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ બગોદરા વચ્ચે ભમાસર ગામે પુલનું કામ પૂર્ણ કરી 18 નવેમ્બર 2021ના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ માર્ગનું લોકાર્પણ કરાયું છે. ભીમાસર નજીકના નવા જ બનેલા પુલ પરના માર્ગ પરથી ડામર રોડ ઊખડી જઈને જોખમી ખાડા પડી જતા નહીં તે જ ગતિમાં પસાર થતા વાહનો ખાડામાં પડે છે. જેને લઇને વાહનોના ટાયર-સ્પેરપાર્ટ તૂટવાના અને અકસ્માતોના બનાવો પણ બન્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામલોકોના જણાવ્યા મુજબ માત્ર એક જ મહિનામાં ડામર રોડ તુટી જતાં આ માર્ગનું કામ કરનાર ખુરાના નામની કોન્ટ્રાક્ટ કંપની સામે પગલાં ભરી ખખડી ગયેલા માર્ગનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે. જો માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો જોખમી થઈ ગયેલા આ માર્ગે કોઇ પ્રાણઘાતક અકસ્માત સર્જાશે તેવી ભીતિ સતાવી રહી છે.
•પુલ ભારે વાહનથી જમીન પર બેસી જશે તો મોટી દુર્ઘટના સર્જાશે
કરોડો રૂપિયાના ખર્ચે બનતા માર્ગ પર આવેલો પુલ તમામ બાજુથી તૂટી ગયો છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અહીંથી તેજ ગતિથી પસાર થતાં વાહનોને કારણે તેમ જ ભારે વાહનોને લઈ પુલના પાયા હલી રહ્યા છે. જેથી કોઈ ભારે વાહન આ પુલ ઉપરથી પસાર થાય ત્યારે ગમે ત્યારે પુલ જમીન પર બેસી જશે તો મોટી દુર્ઘટના સર્જાશે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.