•ગામડાઓમાં ગૌચર અને સરકારી જમીન ખોદી માટી ખનન કરતા માફિયાઓને તંત્રના આશીર્વાદ
•બાવળાથી બગોદરા પંથકમાં માટી ચોરી ઓવરલોડ દોડતા ડમ્પરો ઉપર પણ પોલીસની છે મહેરબાની
•બગોદરા પાસે ખાણ ખનીજ વિભાગે મોટાઉપાડે કેમ્પ તાણી બાંધ્યો છે પણ ત્યાં ખનીજ માફિયાઓ સાથે નીભાવાય છે ભાઈબંધી?
વિશાલ જાની (અપના મિજાજ નેટવર્ક)
અમદાવાદથી રાજકોટ ને જોડતા ધોરી માર્ગને છ માર્ગીય બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. માર્ગ નિર્માણનું કામ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા અહીં મંગાવવામાં આવતી માટી અનેક ગામડાઓમાં ધરતી માતાની છાતી ફાડી તંત્રને ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અમુક ગ્રામ્ય વિસ્તારના રાજકીય આગેવાનો અને સરપંચોએ આ અંગે સબંધિત તંત્રને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે પરંતુ સરકારનું નાક વગરનું તંત્ર રજુઆતોને ઘોળીને પી ગયું છે. એક આક્ષેપ એવો પણ છે કે અહીં ચાલતા છ માર્ગીય રોડના કામ માં વપરાતી માટીમાંથી ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રના ગજવા ભરી દઇને તેમના મોઢા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને માટી ચોરીને ઓવરલોડ ડમ્પર બેફામ પણે દોડી રહ્યા છે તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર તેરી બી ચૂપ અને મેરી ભી પરિસ્થિતિમાં માત્ર તમાશો જોઇ રહ્યું છે.
અમદાવાદથી રાજકોટ છ માર્ગીય માર્ગના નિર્માણ માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે કામ કરતી એજન્સી દ્વારા બગોદરા, શિયાળ, ભમાસરા, મીઠાપુર, ગાંગડ, મોરૈયા, ચાંગોદર, નવાપુરા, રોહિકા અને ધનવાડા જેવા ગામોમાં આવેલી ગૌચર અથવા તો સરકારી પડતર જમીનમાં ખોદકામ કરી લાખો મેટ્રિક ટન માટી ગેરકાયદે રીતે ઉલેચીને માર્ગ નિર્માણના કામમાં વાપરવામાં આવી રહી છે. આ અંગે અમુક જાગૃત નાગરિકો દ્વારા કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત કરી માટીનું ખનન ગેરકાયદે થઇ રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ કહેવાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જમીનના સરવે નંબર મુજબના દસ્તાવેજો બતાવી કહેવામાં આવે છે કે આ અંગે અમે સરકારને રોયલ્ટી ભરીએ છીએ પરંતુ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વાસ્તવિકતા એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જે દસ્તાવેજો બતાવવામાં આવે છે તે સર્વે નંબર ઉપર ખોદકામ કરવામાં જ આવતું નથી. જો આ અંગે ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિકે મામલતદાર કક્ષાએથી ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની સંભાવનાઓ ગ્રામજનો જોઈ રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી વ્યાપક પ્રમાણમાં માટી ચોરી કરીને છ માર્ગીય રોડના કામમાં તેનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવેલા છે. બગોદરા પાસે વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી હોવાનું ખાણ ખનીજ વિભાગના ધ્યાનમાં પણ હોવાના કારણે અહીં ખાણ ખનીજ વિભાગે કેમ્પ તાણી બાંધ્યો છે. પરંતુ ગ્રામજનો આક્ષેપ કરતાં કહે છે કે કેમ્પમાં બેસતા ખાણ ખનીજના અધિકારીઓ પણ વેચાઈ ગયા છે. અમુક જાગૃત ગ્રામજનો તો એમ પણ કહે છે કે જો અહીં ફરજ બજાવતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની માલમિલકત તપાસવામાં આવે તો તેમની બેહિસાબી સંપત્તિ પણ બહાર આવી શકે તેમ છે.
•ઓવરલોડ માટી ભરી દોડતા ડમ્પરો સામે પોલીસ અને આરટીઓ ઘૂમટો તાણીને બેઠા છે
અમદાવાદ રાજકોટના છ માર્ગીય કામમાં વપરાતી માટી ભરીને ઓવરલોડ દોડતા ડમ્પરો છાશવારે અહીં ગંભીરથી અતિ ગંભીર અકસ્માત સર્જતા રહે છે. તેમ છતાં આ માર્ગે કાર્યરત આરટીઓ કચેરી અને લગત પોલીસ મથકના અધિકારીઓ કોઈ ઠોસ કાર્યવાહી કરતા ન હોવાના પણ આક્ષેપો ઉભરીને સામે આવ્યા છે. બેફામ દોડતાં ડમ્પર ચાલકો સામે આરટીઓ અને પોલીસ તંત્ર રીતસરનો ઘૂમટો તાણીને બેઠું હોય તેવી છાપ ઉપસી રહી છે.