• માસ્ક વગર ફરતા લોકો અને વ્યવસાયકારોને કોરોના અને એમિક્રોન અંગે જાગૃત કરી માસ્ક પહેરવા સમજણ આપી
• પોલીસ મથકના મહિલા અધિકારીએ બજારમાં ફરીને કરેલી કામગીરી લોકો અને આગેવાનોએ બિરદાવી
મહેસાણા:(અપના મિજાજ નેટવર્ક)
રાજ્યભરમાં કોરોના અને એમિક્રોન વાયરસે લોકોને જ પેટમાં લેવાનું શરૂ કર્યું છે જેને લઇને આમ જનતામાં અને સરકારમાં હલચલ મચી જવા પામી છે. રાજ્યમાં રોજબરોજ વધતા કોરોનાના કેસને લઇ આરોગ્ય તંત્રની સાથોસાથ પોલીસ વિભાગ પણ સચેત બન્યો છે અને માસ્ક વગર ફરતા લોકોને રોગ વિશે જાગૃત કરી માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પોલીસના અધિકારીઓ દ્વારા લોકોને માસ્ક પહેરી રાખવા અપીલ કરી રોગથી કઈ રીતે બચી શકાય તે અંગે સમજાવવામાં આવી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં રોજ-બ-રોજ કોરોના કેસ વધતા જતા હોઈ આરોગ્ય તંત્રની સાથોસાથ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ જનતા આ મહામારીનો ભોગ બનતા કઈ રીતે અટકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકારે બહાર પાડેલી કોરોના ગાઇડ લાઇનનો ચુસ્ત રીતે અમલ થાય તે અંગે જિલ્લાનું પોલીસ તંત્ર બખૂબી પોતાની ફરજ બજાવી રહ્યું છે. એટલું જ નહીં જાહેરમાં હરતા-ફરતા નાગરિકો પોતાના મોઢે માસ ફરજિયાત રીતે બાંધી રાખે તેની પણ તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. જિલ્લાના ઉનાવા પોલીસ મથકના મહિલા પીએસઆઇ બી.બી.ડાભાણી સહિતના પોલીસ કર્મચારીઓ આજે ઉનાવા ગામની બજારમાં ફરી વળ્યા હતા અને જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પણ ફરજિયાત રીતે પહેરી રાખવા નમ્રતાપૂર્વક અપીલ કરી હતી. એટલું જ નહીં આમ જનતા અને બજારમાં ધંધા-વ્યવસાય લઈને બેઠેલા વેપારીઓને તેઓએ માસ્કનું વિતરણ કરી મહામારી સામે રક્ષિત કઈ રીતે રહી શકાય તે અંગે સમજણ આપી હતી. ઉનાવા પોલીસ મથક દ્વારા કુલ ૬,૫૫૦ જેટલા માસ્કનું વિતરણ કરી ઉમદા કામગીરી કરવામાં આવી હતી. જેને આમ જનતા અને ગામના આગેવાનોએ બિરદાવી હતી.
બીજી તરફ વિસનગર શહેરમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન પટેલ, પીએસઆઇ શ્રીમતી દેસાઈ સહિતનો પોલીસ કાફલો બજારમાં ઉતરી પડયો હતો અને માસ્ક વગર ફરતા લોકોને માસ્કનું વિતરણ કરી તેઓને ફરજિયાત રીતે માસ્ક બાંધી રાખવા સમજાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મકરસક્રાંતિના તહેવારને લઇ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકો ખરીદદારી માટે ઉમટી પડ્યા હતા જેને લઇ બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને લોકો મોઢે માસ્ક બાંધ્યા વગરના નજરે પડ્યા હતા. સમાજમાં લોકોના જાનમાલની રક્ષા કરવાની પ્રતિજ્ઞા રહેનાર પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા આજે જનતાના આરોગ્યની ચિંતા કરી માસ્ક વિતરણ તેમજ મહામારી સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેની જનજાગૃતિ અને સમજણ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેની જિલ્લાભરમાં સરાહના થઈ રહી છે.