•બે દિવસ પૂર્વે કરોડોના ખર્ચે બનતા અમદાવાદ-રાજકોટ છ માર્ગીય રોડનું મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું હતું.
•ખુરાનાની ‘ખુટલાઈ’ સામે સરકારના જવાબદાર અધિકારીઓ પણ નત મસ્તક બનીને કેમ બેઠા છે?
અમદાવાદ:(અપના મિજાજ નેટવર્ક)
અમદાવાદ રાજકોટ હાઈવે છ માર્ગીય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાઈવે પર જનારા લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી માર્ગ પરના તમામ ગામડાઓ પાસે પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભમાસર ગામ પાસે એક મહિના પહેલા જ બનાવેલા નવા પુલ પરનો ડામર રોડ ઉખડીને ખાડા પડી ગયા છે.એટલું જ નહીં આ પુલની દિવાલો પણ જર્જરિત થઇ ગઇ છે અને આ પુલ ગમે ત્યારે ધ્વંસ થઈ જાય તેમ છે. ગત તા. 18 નવેમ્બર 2021ના માર્ગ અને મકાનના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અને ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના લોકોની ઉપસ્થિતિમાં મોટા ઉપાડે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નબળી કામગીરીથી માર્ગ નિર્માણ કરનાર એમએસકે ખુરાના કોન્ટ્રાક્ટ એજન્સી સામે કાર્યવાહી કરવા ગ્રામજનો માગણી કરી રહ્યા છે. આ પ્રમાણેનો અહેવાલ ગત તા. 8 જાન્યુઆરીના રોજ ‘અપના મિજાજ’ વેબ ન્યુઝ પોર્ટલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે બાદ આજે તા.૧૦ જાન્યુઆરીના ખુરાના કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા માર્ગ ખોતરીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સભાસર ગામ પાસે નિર્માણ કરવામાં આવેલ માર્ગ એક જ મહિનામાં તૂટી જતા અહીં પ્રાણઘાતક અકસ્માત સર્જાવાની ભીતિ વાહનચાલકો અને ગ્રામજનો દર્શાવી રહ્યા છે. જે અંગેના અહેવાલ બાદ કોન્ટ્રાક એજન્સીના જવાબદારો સફાળા જાગ્યા હતા અને માર્ગ મરમ્મતની કામગીરી બીજા દિવસે હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરીના રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ પણ કરોડો રૂપિયાના ખર્ચે અમદાવાદ રાજકોટ માર્ગ કેવો બની રહ્યો છે તે અંગેનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. જોકે તેઓ ભમાસર ગામ થઈને ગયા ન હોય તેમના ધ્યાને સંભવત અહીંનું તકલાદી કામ ધ્યાને નહીં આવ્યું હોય. જો કે સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસારીત થયા બાદ કોન્ટ્રાક એજન્સીએ સમારકામના બહાને કરોડોના ખર્ચે બનેલા આ માર્ગ પર થિંગડા મારવાનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે ગ્રામજનો કહે છે કે હજુ તો દિવસો જશે તેમ કરોડો રૂપિયાના આ છ માર્ગીય રોડ ઉપરથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ને બહાર આવશે.