વસંતપંચમી પાવન દિવસે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવનો પ્રાતઃકાળમાં અખંડ રામ નામ સંકીર્તન સાથે મંગલ પ્રારંભ થયો હતો.
શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬ માં થઈ હતી. જેને આ વર્ષે ૧૭વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ ઉપલક્ષ્યમાં વસંતપંચમીના પાવન દિવસે શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવનો પૂજ્ય ભાઇશ્રી અને શ્રીહરિ ભક્તોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા અધ્યાત્મિક અને પ્રવચનાત્મક કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી
સાંદીપનિના શ્રીહરિ મંદિરના પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ શ્રીહરિમંદિરના પ્રાંગણમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે કરવામાં આવ્યો. પૂજ્ય ભાઈશ્રીના વરદહસ્તે ધ્વજનું સ્ફુરણ કરવામાં આવ્યું અને ઉપસ્થિત સૌ ભાવિકો દ્વારા રાષ્ટ્રવંદના કરવામાં આવી. ૭૪મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઋષિકુળ અને ગુરુકુળના છાત્રો દ્વારા વક્તવ્ય રજુ થયા અને સાથે દેશભક્તિગીત અને નૃત્યની પણ સુંદર પ્રસ્તુતિ થઇ.
ઋષિકુળના પ્રધાનાચાર્ય દ્વારા પ્રજાસતાક પર્વ વિશેષ દિવસે વક્તવ્ય આપવામાં આવ્યું અને અંતે પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગણતંત્ર દિવસે સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ ઋષિકુળ અને ગુરુકુળના અધ્યાપકો, છાત્રો તથા અતિથિઓની ઉપસ્થિત રહ્યા હતા.
ભાગવત ચિંતન શિબિર
શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં પ્રાતઃ સત્રમાં પૂજ્ય ભાઇશ્રીની ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં ગુજરાતનાં વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણના વિષયોને લઈને ચિંતનાત્મક અને શાસ્ત્રીય શૈલીમાં પ્રવચન પ્રસ્તુત થયા હતા. જેમાં પ્રાતઃ સત્રમાં સાંદીપનિના ઋષિ ધવલભાઈ જોષી દ્વારા ”અક્રુરજીનું વ્રજગમન” પર, ઋષિ હર્ષિતભાઈ શુક્લ દ્વારા શ્રીમદ ભાગવતમાં ભારતવર્ષનિ મહિમા. આ સાથે ભાગવત ચિંતન શ્રેણીમાં બપોર પછીના સત્રમાં સાંદીપનિના અધ્યાપક શ્રી સહદેવભાઇ જોશી દ્વારા ”દેવહુતિ ચરિત્ર” પર, સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટી સ્થિત કોલેજના પ્રિન્સીપાલ ડો.નરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા ”વેદસ્તુતિ” પર અને અધ્યાપકશ્રી પંકજભાઈ રાવલ દ્વારા “શ્રીમદ્ ભાગવતમહાપુરાણમાં ભિક્ષુગીત” પર ચિંતનાત્મક પ્રવચન થયું હતું.
શ્રીહરિ મંદિરમાં યોજાયા વિવિધ મનોરથ
શ્રીહરિ મંદિરમાં પાટોત્સવના પ્રથમ દિવસે શ્રીલક્ષ્મી નારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોને વિધિપૂર્વક પૂજન કરીને નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યું. એ સાથે વસંતપંચમીના પાવન પર્વ નિમિત્તે શ્રીહરિની બગીચીમાં પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા વિધિવત ગોવર્ધન પૂજા કરવામાં આવી. એ સાથે શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાન સહિત સર્વે દેવી-દેવતાઓનો વિશેષ શૃંગાર કરીને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો. મધ્યાહ્નમાં પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે અન્નકૂટ આરતી કરવામાં આવી જેનો અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. અન્નકૂટ મનોરથના મનોરથી દર્શનાબેન દિનેશભાઈ કાપડિયા અને બજરંગલાલજી તાપડીયાજી પરિવારનું પૂજ્ય ભાઈશ્રીએ સન્માન કરીને અશીર્વાદ આપ્યા હતા.
દંતયજ્ઞ
પાટોત્સવના પ્રથમ દિવસથી જ પૂજ્ય ભાઇશ્રીના કરકમલો દ્વારા દીપપ્રાગટ્ય સાથે દંતયજ્ઞનો પ્રારંભ થયો હતો. વૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરિયલ ક્લિનિક ગૌરીદડ, રાજકોટ ના જાલંધર બંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી, દંતવૈદ્ય સરોજબહેન જોશી અને ટીમ પોતાની સેવા પૂરી પાડી રહ્યા છે. ૨૬,૨૭ અને ૨૮ જન્યુઆરી એમ સતત ત્રણ દિવસ સુધી રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દંતયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે.
શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવમાં આજે શ્રીહરિ મંદિરના તમામ વિગ્રહોને સવારમાં વિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું. તો શ્રીહરિમંદિરમાં અન્નકૂટ દર્શન અને સાયં આરતી અને દિવ્ય શૃંગાર સાથે ઝાંખીના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.