પોરબંદર જિલ્લામાં કોરોના વેક્સિનનો નવો જથ્થો ઉપલબ્ધ થયો છે. પરંતુ રસી લેવામાં નિરશતા દાખવી રહ્યાં છે. ચિન જેવા મોટા દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. આ મામલે ભારત સરકાર પણ એલર્ટ મોડમાં છે. પોરબંદર જિલ્લાને વેક્સિનનો નવો જથ્થો પણ અપાયો છે છતાં રસી લેવામાં લોકો આળસ કરી રહ્યાં છે. ત્યારે પોરબંદર આરોગ્ય વિભાગે નાગરીકોને કોરોના વેક્સિનનો બાકી રહેતો ડોઝ લઇ લેવા અપીલ કરી છે.
ચીન સહિતના મોટા દેશોમાં ફરી એક વખત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા દેશના દરેક રાજ્યમાં કોરોના મુદ્દે મીટીંગોનો દોર શરૂ કર્યો છે. તો હવે જિલ્લાઓમાં વેક્સિનનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં લાંબા સમયથી એક પણ કોરોનાનો એક્ટિવ કેસ જોવા મળતો નથી. ત્યારે તંત્રએ પણ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કર્મચારીઓને જરૂરી તાલીમ સહિતની કામગીરી ચાલી રહી છે. પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓને કોરોના વાયરસના નવા લક્ષણને લઇને માર્ગદર્શન અપાયું હતું. જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તમામા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ છતાં નાગરીકો સહકાર આપતા નથી. પોરબંદર જિલ્લામાં કોવિશિલ્ડ રસીનો નવો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. છતાં નાગરીકો રસીકરણ માટે આગળ આવતા નથી. જે લોકોને વેક્સિનનો ડોઝ લેવાનો બાકી છે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ફોન દ્વારા પણ વારંવાર જાણ કરવામાં આવી રહી છે આમ છતાં લોકો રસી લેવામાં નિરસતા દાખવી રહ્યાં છે. પોરબંદર જિલ્લામાં ૧૬ જાન્યુઆરીએ કોવિશિલ્ડના ૧પ૦૦ ડોઝ આવ્યા હતા. હાલની પરિસ્થિતીએ ૧૦૧૦ કોવિશિલ્ડ તેમજ ૧પ૩૦ કોવેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ નાગરીકો વેક્સિન લેવા આવતા નથી. તો પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં વેક્સિનેશન થયું તેના પર નજર કરીએ તો પ,પર,૦૦૪ના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝ ૪,૮૭,૯૬૯, બીજો ડોઝ ૪,૭૭,૭ર૦, પ્રિકોશન ડોઝ ૧,૯ર,૧૧૪ નાગરીકોએ લીધો છે. એટલે કે પ્રિકોશન ડોઝ લેવામાં નાગરીકો આળસ કરી રહ્યાં છે. જેના લીધે આરોગ્ય વિભાગ પણ મુંઝવણમાં મુકાયું છે. કોરોનાના કેસ વધે અને તેના ડરથી નાગરીકો વેક્સિન લેવા આવે છે પરંતુ નાગરીકોએ જાતે સમજી સંક્રમણ ફેલાય તે પહેલા વેક્સિન લઇ લેવી જોઇએ. નહિતર જો સંક્રમણ ફેલાશે તો તેની ઝપેટમાં પણ આવી શકે છે. પોરબંદર આરોગ્ય વિભાગે બાકી રહેતા તમામ નાગરીકોને વેક્સિન લઇ લેવા અપીલ કરી છે.