છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો પારો નીચે જતા લોકો રીતસરના ધ્રુજ્યા છે. રાજ્યમાં 11 શહેરોની અંદર ઠંડીનો પારો 10 ડીગ્રીથી નીચે જોવા મળ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં કચ્છમાં એક દિવસ શીત લહેર જારી રહેવાની સંભાવના છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ફરી આવતી કાલથી સામાન્ય વધી શકે છે. જેથી ઠંડીથી રાહત પણ મળશે પરંતુ 14 જાન્યુઆરી પડી રહેલી ઠંડીએ સૌ કોઈને ધ્રુજાવ્યા છે.
નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે જેથી નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે 9.7 ડિગ્રી ઠંડી રહી હતી આ ઉપરાંત ગાંધીનગર સહીતના શહેરોમાં પણ ઠંડીનો પારો નીચે ગયો હતો. 11 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.
જો કે, આવતી કાલથી લોકોને ઠંડીથી રાહત મળશે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ફરી વધશે. જો કે, આ શીતલહેરથી રીતસરના લોકો થથર્યા હતા. આજે પણ વહેલી સવારે ભારે ઠંડી જોવા મળી હતી. લોકો ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગરમ વસ્ત્રો પહેરીને કામ પર જતા પણ જોવા મળ્યા હતા. તો બીજી તરફ સ્વાસ્થ્ય તરફી જાગૃત લોકો મોર્નિંગ વૉક કરતા તેમજ વ્યાયામ કરતા પણ જોવા મળી રહ્યા છે.