ઓસ્ટ્રેલિયામાં 5 દિવસમાં બીજી વખત હિન્દુ મંદિર પર હુમલો થયો છે. માહિતી અનુસાર, મેલબોર્નમાં મંગળવારે વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાન સમર્થકો પર આ હુમલાનો આરોપ છે. અહેવાલો અનુસાર, કૈરમ ડાઉન્સ સ્થિત ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે.
અગાઉ 12 જાન્યુઆરીની વહેલી સવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મિલ પાર્ક ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભદ્દા દ્રશ્યો જોવા મળ્યા હતા. મંદિર સાથે તોડફોડ કરવામાં આવી હતી અને સાથે જ દીવાલો પર ભારત વિરોધી લખાણો લખવામાં આવ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે રોજ સવારે કામ પર જતા પહેલા મંદિરે જાય છે. મંદિર પહોંચ્યા ત્યારે તેમણે મંદિરની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ લખેલું જોયું હતું. BAPS સ્વામિનારાયણ મંદિરે એક અખબારને જણાવ્યું હતું કે, ‘અમે તોડફોડ અને નફરતના આ કૃત્યોથી ખૂબ જ દુઃખી અને આઘાત પામ્યા છીએ.’ ત્યારે પણ ખાલિસ્તાન સમર્થકો પર મંદિરમાં તોડફોડ કરવાનો આરોપ લાગ્યો હતો.
મંદિરની દિવાલો પર, ખાલિસ્તાન સમર્થકોએ 20 હજારથી વધુ હિન્દુઓ અને શીખોની હત્યા માટે જવાબદાર ભારતીય આતંકવાદી ભિંડરાનવાલેને ‘શહીદ’ તરીકે વખાણતા લખ્યું હતું. હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્ય પ્રમુખ મકરંદ ભાગવતે કહ્યું હતું કે, “ધર્મસ્થાનો વિરુદ્ધ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.”
જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થકો હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા જ્યારે ખાલિસ્તાન સમર્થક સંગઠને પંજાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવાની ધમકી આપી હતી. પંજાબની એક કોલેજની દીવાલો પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ સૂત્રો પણ લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવા માટે હાકલ કરી હતી.