રાજ્યમાં રખડતાં ઢોરની અડફેટે આવતા કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તો કેટલાક લોકોએ જીવન ગુમાવ્યું છે. ત્યારે રાજ્યમાં રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને રાજ્ય સરકાર પાસે રખડતાં ઢોરના ત્રાસ પર અંકુશ મેળવવા એક્શન પ્લાન રજૂ કરવા કહ્યું છે. ત્યારે હવે વિવિધ શહેરમાં તંત્ર દ્વારા જાહેર માર્ગ પર રખડતાં ઢોરને પકડીને તેના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
4 ઝોનની 9 ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
મળતી માહિતી મુજબ, સોમવારે વડોદરા મહાનગરપાલિકાની 4 ઝોનની 9 ટીમો સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અલગ-અલગ વિસ્તારમાં ડે. કમિશનર, એ.એમ.સી., કાર્યપાલક ઈજનેર સહિતની ટીમોએ 406 જેટલા ગેરકાયદેસર ઢોરવાળાના માલિકોને જાહેર માર્ગ પર ઢોરને છૂટા ન મૂકવા સૂચના આપી હતી અને ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપી નાખવાની ચેતવણી પણ આપી હતી. જ્યારે બીજી તરફ પૂર્વ ઝોનના 6 ગેરકાયદેસર ઢોરવાડાના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખ્યા હતા.
3 ટીમે વિવિધ ઝોનમાંથી 11 રખડતાં ઢોર પકડ્યા
સોમવારે વડોદરામાં પાલિકાની 3 ટીમ દ્વારા પૂર્વ ઝોનમાંથી 6, પશ્ચિમ ઝોનમાંથી 1 અને દક્ષિણ ઝોનમાંથી 4 મળી કુલ 11 જેટલા રખડતાં પશુઓને પકડ્યા હતા. જ્યારે 89 ઢોરવાડાને ગેરકાયદેસર બાંધકામ માટે નોટિસ આપવામાં આવી હતી. આ સાથે જ માંજલપુર વિસ્તારમાં રહેતા એક ઢોર માલિક સામે ફરિયાદ પણ નોંધી હતી. પાલિકાની વિવિધ ટીમોએ 29 હોટસ્પોટ પૈકી 7 ગાયના ટેગિંગ નંબરના આધારે પશુ માલિકોની ઓળખ કરી તેમને પણ ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વડોદરા શહેરમાં લગભગ વર્ષ 2018માં રખડતા પશુઓનું ટેગિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં કોઈ રાહદારી કે વાહનચાલકને રખડતાં ઢોરના કારણે ઇજા ન પહોંચે તે માટે આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.