•દુરડા સહાયક યોજના સહિત વિવિધ બિનજરૂરી ખર્ચ ઘટાડી ડેરીના કરોડો રૂપિયા બચત કરાયા
•એક વર્ષનું શાસન સફળતાપૂર્વક પાર પાડનાર ચેરમેન અશોક ચૌધરીએ પારદર્શક હિસાબ રજૂ કર્યો
•પાંચ લાખ પશુપાલકોને ૩૦૦ કરોડની રકમ મળતી થઈ, વિશ્વ ફલક પર દૂધસાગર ડેરીનું નામ ગુંજ્યું
મહેસાણા: (અપના મિજાજ નેટવર્ક)
મહેસાણા દૂધ સાગર ડેરીની એક વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરનાર પેનલના શાસનને 365 દિવસ પૂર્ણ થતાં ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સંકલન સમિતિની બેઠક મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ, કડીના ધારાસભ્ય કરસનભાઈ, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, ડેરીના ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળા ખેડુત વર્ગની હાજરીમાં બોલાવીને પારદર્શક હિસાબ રજુ કરી સફળ વહીવટનો ચિતાર આપ્યો હતો. ૬૧ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ દૂધ પ્રાપ્તિની સિદ્ધિ પાર પાડવા સાથે બિનજરૂરી ખર્ચ ઘટાડી કરોડો રૂપિયા ડેરીના ખાતામાં બચત કરવામાં આવ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીની સંકલન સમિતિની બેઠકમાં ચેરમેન અશોક ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના શાસનકાળ દરમિયાન છેલ્લા એક વર્ષમાં દૂધમાં કિલો ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદનમાં એક વર્ષમાં 14 ટકાનો વધારો કરી બનાસડેરી સમકક્ષ દૂધના ભાવ 680 રૂપિયા આપવામાં આવ્યા છે. તદુપરાંત છેલ્લા એક વર્ષમાં ૬૧ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 5 જાન્યુઆરી 2020ના દિવસે ૨૪.૯૫ લાખ લીટર દૂધની પ્રાપ્તિ કરી છે. પાંચ લાખ ખેડૂતોને ૩૦૦ કરોડની રકમ પ્રાપ્તિ કરાવી વિશ્વ ફલક પર દૂધ સાગર ડેરીનું નામ ગુંજતું કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. પશુપાલકોના હિત માટે વેટરનીટી તબીબની ફી ૨૦૦ રૂપિયાથી ઘટાડીને સો રૂપિયા કરી દેવા સાથે પશુ આહાર માટે રિવર્સ ઓક્સન પદ્ધતિ પણ અપનાવવામાં આવી છે.
ડેરીમાં કરોડો રૂપિયાની બચત કઈ રીતે કરવામાં આવી તેનો ચિતાર આપતા ચેરમેને જણાવ્યું હતું કે એક વર્ષમાં લોનની રકમમાં 208 કરોડનો ઘટાડો કરાયો છે. 89 જેટલા કર્મચારીઓને છૂટા કરી ડેરીને 7.04 કરોડનો ફાયદો થયો છે. આ ઉપરાંત એવો દાવો કર્યો હતો કે લેબર કોન્ટ્રાક્ટ નીચા ભાવે આપવામાં આવતા ડેરીને ૨૦ કરોડનો ફાયદો થયો છે. એટલું જ નહીં મેનપાવર એજન્સીના 408 કર્મચારીઓ ઘટાડવામાં આવ્યા હોવાના કારણે ડેરીના છ કરોડ રૂપિયાનો ફાયદો કરવામાં આવ્યો છે. તેઓએ ફાયદાની વાત ઉચ્ચારતા વધુમાં જણાવ્યું હતું કે માણસા, કલોલ, સિધ્ધપુર અને વિસનગર ખાતે આવેલી દૂધસાગર ડેરીની ઓફિસો બંધ કરવામાં આવી છે તેમજ દૂરના સહાય યોજના બંધ કરવામાં આવતા ડેરીને ૮૦ લાખ રૂપિયા બચી ગયા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત અહીંના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અશોકભાઈ ચૌધરી એક વર્ષનો હિસાબ રજુ કર્યો છે હવે કોઈને કોઈ પ્રશ્ન રહેતો નથી. વહીવટ તો બધા કરતા હોય છે પરંતુ સારો વહીવટ ખૂબ ઓછા લોકો કરતા હોય છે અને એટલે જ સુશાસન બહુ અગત્યનો શબ્દ છે. તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે મેં ભૂતકાળમાં સ્વ.મોતીભાઈનો પ્રચાર કર્યો છે તેઓએ ડેરીના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. પારદર્શકતા, પ્રમાણિકતા સ્વ.મોતીભાઈ ચૌધરીનો વારસો હતો જે અશોકભાઇ ચૌધરીએ સાચવ્યો છે. બેઠકમાં ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે હું તો માત્ર ટ્રસ્ટી છું. ડેરીના માલિક તો પશુપાલકો છે.
•કરકસર માટે હું જાણીતો છું પરંતુ આજે ખબર પડી કે ડેરીના ચેરમેન મને પણ વટાવી જાય તેમ છે: નીતિન પટેલ, પૂર્વ ના. મુખ્યમંત્રી
પ્રાસંગિક પ્રવચન આપતા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલે કહ્યું હતું કે કરકસર માટે હું જાણીતો છું પરંતુ આજે ખબર પડી કે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી આ બાબતે મને પણ વટાવી જાય તેમ છે. તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે દૂધ તો બધી ભેંસ આપે પણ કઈ ભેંસ કેટલું દૂધ આપે છે તે મહત્વનું છે. ડેરીનું હજી તો એક વર્ષ પૂર્ણ થયું છે આવનારા વર્ષોમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરવાની છે. જેમાં મોદી સાહેબને ગયું તેમજ ડેરીમાં થયું છે તેમ કહી તેમણે જણાવ્યું કે ડેરીમાં સુશાસન ભાજપમાંથી જન્મ્યું છે. પહેલું વર્ષ તો બધું સાફ સાફ કરવામાં અને ખાડા પૂરવામાં ગયું છે. પાંચ લાખ પશુપાલકોને 300 કરોડ રૂપિયા મળે તે કોઈ નાનીસૂની વાત નથી દૂધસાગર ડેરીએ એક વર્ષમાં ૩૦૦ કરોડ બચાવ્યા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે ડેરી ચેરમેન અશોક ચૌધરીએ કરેલો પ્રવાસ કે અન્ય કોઈ બાબતનો ખર્ચ જે ડેરીમાંથી કરવો જોઈએ તેમાંથી એક પણ રૂપિયાનો ખર્ચ તેઓએ કર્યો નથી. ડેરી સંબંધિત તેઓના પ્રવાસ સહિતના ખર્ચ તેમણે અંગત રીતે જ ઉપાડ્યા છે. જે પ્રશંસાને પાત્ર છે.
• અમે હોઈએ ના હોઈએ અશોકભાઈ ચેરમેન તરીકે તેમની પવિત્રતાથી અખંડ રહેશે: અમરતભાઈ દેસાઈ
બેઠકમાં ઉપસ્થિત મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના વાઇસ ચેરમેન અમૃતભાઈ દેસાઈએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમે નિયામક મંડળમાં હોઈએ કે ન હોઈએ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમની પવિત્રતાથી ચેરમેન પદે અખંડ રહેશે.
•ડેરીનો પારદર્શક વહીવટ એટલે ‘દૂધ પત્રિકા’ સામયીક છે.
દૂધસાગર ડેરીમાં છેલ્લા એક વર્ષથી શાસન કરતા અશોક ચૌધરી તેમજ તેમની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડેરીનો કેવા પ્રકારનો વહીવટ કરે છે તેની પાદર શકતા તેઓ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા સામયિક ‘દૂધ પત્રિકા’માંથી મળી રહે છે. દર મહિને લાખો ખેડૂતો-પશુપાલકોને ડેરીના પારદર્શક વહીવટથી દૂધ પત્રિકા સામયિક દ્વારા માહિતગાર કરવામાં આવે છે. સંભવત તેને જ લઈને ખેડૂતો પશુપાલકો દ્વારા ડેરીના શાસન કર્તાઓને ભરપૂર સમર્થન મળી રહ્યું છે.