Apna Mijaj News
પ્રેરણા

ઉનાવા પોલીસે મકરસંક્રાંતિના દિવસે પુણ્યનું એવું કામ કર્યું કે લોકો વાહ વાહ બોલી ગયા !

ઉનાવા :(અપના મિજાજ નેટવર્ક)
           મહેસાણા જિલ્લામાં કોરોના કેસ વધતા જતા હોઈ આરોગ્ય તંત્રની સાથોસાથ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ જનતા આ મહામારીનો ભોગ બનતા કઈ રીતે અટકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકારે બહાર પાડેલી કોરોના ગાઇડ લાઇનનો ચુસ્ત રીતે અમલ થાય તે અંગે જિલ્લાનું પોલીસ તંત્ર બખૂબી પોતાની ફરજ બજાવી રહ્યું છે. એટલું જ નહીં જાહેરમાં હરતા-ફરતા નાગરિકો પોતાના મોઢે માસ્ક ફરજિયાત રીતે બાંધી રાખે તેની પણ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. ઉનાવા પોલીસ મથકના મહિલા પીએસઆઇ બી.બી.ડાભાણી સહિતના પોલીસ કર્મચારીઓએ ગઈકાલે ઉનાવા ગામની બજારમાં ફરી જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક ફરજિયાત પહેરી રાખવા અપીલ કરી હતી. એટલું જ નહીં આમ જનતા અને બજારમાં ધંધા-વ્યવસાય લઈને બેઠેલા વેપારીઓને તેઓએ માસ્કનું વિતરણ કરી મહામારી સામે રક્ષિત કઈ રીતે રહી શકાય તે અંગે સમજણ આપી હતી. ઉનાવા પોલીસ મથક દ્વારા કુલ ૬,૫૫૦ જેટલા માસ્કનું વિતરણ કરી ઉમદા કામગીરી કરવામાં આવી હતી. આજે બીજા દિવસે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારે પણ પીએસઆઇ બી.બી.ડાભાણી સહિતના સ્ટાફે ગામમાં ફરીને લોકોને એક હજાર જેટલા માસ્ક વિતરણ કરી કોરોના મહામારીથી રક્ષિત કરવા પુણ્યનું કામ કર્યું હતું. ઉનાવા પોલીસે ઉત્તરાયણના દિવસે કરેલી કામગીરીને લઇને તેઓને ઠેરઠેરથી અભિનંદન લોકો તેમની કામગીરીની સરાહના કરતા વાહ-વાહ બોલી ઉઠ્યા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષકે પણ કરેલી અનેકવિધ પ્રવૃત્તિઓ અધિકારીઓ માટે પ્રેરણારૂપ બની રહી
      જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવાની સાથોસાથ અનેકવિધ ગેરકાનુની ધંધા અને અપરાધી તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી હોવાની વાત જગજાહેર છે. એટલું જ નહીં પોતાના સ્ટાફમાંથી પણ કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની ગેર વ્યાજબી બાબત ઉભરીને તેમની સામે આવે તો તે અંગે જવાબદાર અધિકારી કે કર્મચારીઓ સામે પણ પગલાં લેવાનું ચૂકતા નહિ હોવાની તેમની છાપ ઉપસેલી છે. ઉપરાંત તેઓ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે બાળ સંભાળ કેન્દ્ર શરૂ કર્યાનું પ્રશંસનીય કાર્ય  લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. તદ ઉપરાંત અનેક એવા કાર્યો જિલ્લા પોલીસ અધિક્ષકે કર્યા છે જે સરાહનીય છે. સંભવત પોલીસ અધિક્ષકની કામગીરી જોઈને અન્ય પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ પોતાની ફરજની સાથે સાથે સામાજિક રીતે ઉત્તમ કહી શકાય તેવી કામગીરી કરતા રહ્યા છે તેનું ઉદાહરણ છેલ્લા બે દિવસથી ઉનાવા અને વિસનગર પોલીસ મથકના અધિકારીઓ આપી રહ્યા છે.

Leave a Comment

error: Content is protected !!