Apna Mijaj News
જાગ્રૃત કદમ

૨૦ જાન્યુ.પછી પેપર કપ વાપરશો તો તમારી…

કોર્પોરેશન ચાની કીટલીઓ- દુકાનો પર પેપર કપ બંધ કરાવશે

પાનના ગલ્લા પર પ્લાસ્ટિક ના વાપરવા 20 જાન્યુઆરી સુધી સમજાવાશે

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની 

       અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ બાદ હવે શહેરમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો પર આજથી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 20 જાન્યુઆરી સુધી દરેક ચાની કીટલી ઉપર તપાસ કરી અને તેઓને પેપર કપ ન વાપરવા સમજાવવામાં આવશે. 20 જાન્યુઆરી બાદ જે પણ ચાની કીટલી ઉપર પેપર કપ મળી આવશે તે ચાની કીટલી અને દુકાનને સીલ લગાવવા જેવી આકરી કાર્યવાહી કરાશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 20 જાન્યુઆરી બાદ જો કોઈપણ વ્યક્તિ દ્વારા પેપર કપમાં ચા આપવામાં આવતી હશે, તો આવી ચાની કીટલીઓ અને દુકાનને સીલ કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો ઉપર આજથી 4 દિવસ તપાસ કરવામાં આવશે. બાદમાં કાર્યવાહી કરવામાં આવશે.

       તેઓએ વધુ પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, પાનના ગલ્લાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે. જે કોઈપણ પાનના ગલ્લા ધારકો દ્વારા ગંદકી કરવામાં આવશે, તો તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે. પાનના ગલ્લા ઉપર મસાલા બનાવવા માટે જે પ્લાસ્ટિક વાપરવામાં આવે છે તે વાપરી શકાય નહીં. કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. પાનના ગલ્લા ઉપર મસાલો બનાવવા વાપરવામાં આવતા આ પ્લાસ્ટિકને વાપરી શકાય નહીં તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જેથી પાનના ગલ્લા વાળાઓને 15 દિવસ સુધી સમજાવ્યા બાદ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જોકે અત્રે એ નોંધનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા અનેકવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને જે બાબતો નિષેધ છે તેના માટે કરાતી કામગીરીમાં ક્યાંક ‘ભાઈબંધી’ સાચવી લેવામાં આવતી હોવાથી મોટા ઉપાડે કરવામાં આવતી વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે.


દૈનિક 25 લાખથી વધુ કપ રસ્તે રઝળતાં જોવા મળે છે

    અમદાવાદમાં પેપર કપ બંધ કરવા મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ ‘અપના મિજાજ ન્યુઝ’ને જણાવ્યું હતું કે શહેરના જાહેર માર્ગો ઉપર દૈનિક 25 લાખથી પણ વધુ ચા, કોફી કે અન્ય પીણું પીધેલા એંઠા પેપર કપ રઝળતાં જોવા મળી રહ્યા છે. જે ગંદકી ફેલાવે છે અને તેને વીણવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને નાકે દમ આવી જાય છે. એટલું જ નહીં આડેધડ નિકાલ કરાતા પેપર કપ ગટરની ચેમ્બરો તેમજ અન્ય પાણીના વહેણમાં ભરાઈ જવાથી શહેરીજનો તેમજ કોર્પોરેશનને ભારે હાલાકી ભોગવી પડતી હોવાની ફરિયાદો ઊઠી છે. જેને લઈને શહેરમાં પેપર કપ વાપરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો આગામી 20 જાન્યુઆરી પછી કોઈ પેપર કપ વાપરતું પકડાશે તો તેનું એકમ સીલ લગાવી દેવાશે અને ત્યારબાદ જે તે વ્યક્તિ પાસેથી પેપર કપનો ઉપયોગ નહીં કરે તેવી લેખિત બાંહેધરી લીધા પછી સીલ હટાવી દેવાશે. એટલું જ નહીં પેપર કપના વપરાશ પર કડક અમલવારી કરવાની રહેશે.


પેપર કપમાં હોય છે હાઇડ્રોફોબિક પ્લાસ્ટિક ફિલ્મ જે ઓગળીને શરીરમાં પ્રવેશી નુકસાન કરે છે

        થોડા મહિના પૂર્વે જ આઈઆઈટી ખડગપૂરે એક અભ્યાસ કર્યો છે જેમાં ડિસ્પોઝેબલ પેપર કપમાં ચા પીવાથી થતાં નુકસાન અંગે તારણો કાઢવામાં આવ્યા છે. આ અભ્યાસ સાથે જોડાયેલા આઈઆઈટી ખડગપૂરના એસોસીએટ પ્રોફેસર સુધા ગોયલે કહ્યું કે ડિસ્પોઝેબલ પેપર કપ બનાવવામાં હાઇડ્રોફોબિક પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક ફિલ્મ ડિસ્પોઝેબલ પેપર કપના તરલ પદાર્થને બહાર નિકળતાં રોકે છે. પણ ડિસ્પોઝેબલ કપમાં ચા કે અન્ય ગરમ પ્રવાહી ભરવામાં આવતા આ પ્લાસ્ટિક ફિલ્મ ઓગળે છે અને તેના સૂક્ષ્મ કણો ચા સાથે શરીરમાં પ્રવેશ કરે છે.

પેપર કપ કેટલો નુકસાનકારક છે તે આપ જાણો છો?

        એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે કોઈ વ્યક્તિ એક દિવસમાં ત્રણ વાર ડિસ્પોઝેબલ પેપર કપમાં ચા પીવે તો તેના શરીરમાં પ્લાસ્ટિકના 75,000 સૂક્ષ્મ કણો પ્રવેશ કરે છે. આ પ્લાસ્ટિક કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તે સામાન્ય રીતે આંખથી જોઈ પણ શકાતા નથી. પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોમાં પેલેડિયમ, ક્રોમિયમ, કેડમિયમ જેવી અતિ ઝેરીલી ધાતુઓ હોય છે. માનવ શરીરમાં પ્રવેશેલા પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો રક્ત કોશિકાઓના સંપર્કમાં આવતા રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે જેનાથી રક્ત કોશિકાઓ મૃત થતી જાય છે અને અને આ ક્રમ શરૂ રહે છે. રક્ત કોશિકાઓ મૃત થવાથી શરીરમાં લોહીના પરિભ્રમણ પર અસર પડે છે.

(નુકસાન અંગેની જાણકારી આપને યોગ્ય લાગે તો અનુસરવી, આપના વિચારો મુજબ)

Related posts

મનમાની કરતા શાળા સંચાલકોને સરકારનો ચૂંટીયો…

ApnaMijaj

સાયબર ક્રાઇમથી બચવા માંગો છો તો બની જાઓ જાગૃત

ApnaMijaj

અમદાવાદમાં જન આરોગ્ય સમીક્ષા બેઠક મળી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!