• પરિવારનું ગુજરાન ચલાવવા સાથે બાળકોને યોગ્ય શિક્ષણ પણ અપાવી ન શકાતું હોવાની સ્થિતિ
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
રાજ્યભરમાં ટ્રાફિક નિયમન અંગેની કામગીરી કરતા ટીઆરબીના જવાનોને પૂરતું વેતન નહીં મળવાના કારણે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલી ભર્યું બન્યું છે. જવાનોને કોઈપણ સ્થિતિમાં આઠ કલાકની ખડે પગે કરાતી નોકરીમાં માત્ર ₹300નું વેતન આપવામાં આવતું હોઈ સરકાર તેમની સાથે મશ્કરી કરતી હોય તેવી છાપ ઉપસી આવી છે. ખાનગી કંપનીઓની નોકરી છોડીને સરકાર તેમને ‘સાચવી’ લેશે તેવી અપેક્ષા સાથે યુનિફોર્મ પહેરી ટ્રાફિક નિયમન કરતાં જવાનોની વ્યથા સમજવા વાળું કોઈ જ નથી તેવી માનસિકતા હવે એ જવાનોના પરિવારજનો પણ વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્યમાં અંદાજે 13 હજાર જેટલાં ટી આર બી જવાનો પોલીસ કર્મચારીઓની સાથે રહીને ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા છે. શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં પણ કોઈપણ પરિસ્થિતિમાં ખડે પગે ઊભા રહીને ફરજ બજાવતા ટીઆરબી જવાનોનું આર્થિક શોષણ થતું હોવાની વ્યથા ઊભરીને હવે બહાર આવવા લાગી છે. પરંતુ તેમની વ્યથા અને મનોસ્થિતિ સમજવા વાળું પણ કોઈ નથી તેવી હૈયા વરાળ પણ બહાર આવી રહી છે. આઠ કલાકમાં દૈનિક માત્ર ₹300નું વેતન જવાનો અને તેમના પરિવારજનોનું ભરણ પોષણ કરી શકતું નથી. એટલું જ નહીં જવાનો તેમના બાળકોને સારું શિક્ષણ પણ અપાવી શકતા ન હોવાની વિગતો બહાર આવી છે. વેતનના મુદ્દે ટીઆરબી જવાનું હોય જ્યારે પણ પોતાનો અવાજ બુલંદ કર્યો છે ત્યારે તે અવાજને દબાવી દેવાના યેનકેન પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યા છે. જેની સામે ટીઆરબી જવાનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ટીઆરપી જવાનોની વ્યથા અને તેમની આર્થિક પરિસ્થિતિ તરફ નજર દોડાવાય અને તેઓને મળવા પાત્ર તમામ લાભો આપવામાં આવે તેવી માગણી પણ બળવતર બની છે.
• ખાનગી કંપનીની નોકરી છોડી ટીઆરબીમાં જોડાયાં
વર્ષ 2009માં ટીઆરબી અસ્તિત્વમાં આવી ત્યારે ટ્રાફિક નિયમન કામગીરી પોલીસ વિભાગ જેવી જ હોય છે અને એ નોકરી પણ સરકારી કહેવાય તેવું માનીને કેટલાય યુવાનો ખાનગી કંપનીઓની નોકરી છોડીને ટી.આર.બીમાં જોડાયા છે. આજે રાજ્યમાં અંદાજે 13હજારથી પણ વધુ યુવાનો પોલીસ સાથે રહીને શહેરોના માર્ગો પર ટ્રાફિક નિયમનની કામગીરી કરે છે. પરંતુ તેમને 8 કલાકની આકરી નોકરીના બદલામાં માત્ર 300 રૂપિયાનું માનદવેતન આપવામાં આવે છે. જવાનોની વાત માનીએ તો તેમના કહેવા પ્રમાણે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે આટલો જ પગાર હતો આજે 15 વર્ષે એ પગાર 50 થી 70 હજાર થઈ ગયો હોત પરંતુ ટી આર બી ની નોકરી સરકારી છે તેમ માનીને આવ્યા હતા હવે અહીં આર્થિક શોષણ થઈ રહ્યું છે.
• જવાનો ફરજ પૂરી કરી અન્ય જગ્યાએ નોકરી કરે છે
ટીઆરબીમાં ફરજ બજાવતા મોટા ભાગના જવાનો પોતાની આઠ કલાકની ટ્રાફિક નિયમનની નોકરી પૂર્ણ કર્યા બાદ વધુ આવક રળવા માટે અન્ય ખાનગી એકમોમાં નોકરી કરવા માટે મજબૂર બન્યા છે. જેનું કારણ આપતા અમુક જવાનોએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી મળતા 300 રૂપિયાના માનદવેતનમાં ઘર પરિવારનું ગુજરાન ચાલતું નથી. ઘર ખર્ચને પહોંચી વળવા માટે રોડ પર ઉભા રહીને આઠ કલાકની નોકરી પછી ઘર ખર્ચને સરભર કરવા માટે અન્ય જગ્યાએ નોકરી કરવી પડી રહી છે. જો એ ન કરીએ તો વર્તમાન સમયની મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યા છે.
• સરકારે પરિપત્ર કર્યો પરંતુ અમલવારી કરાતી નથી
ટ્રાફિક બ્રિગેડના જવાનોને વેતન-ભથ્થું આપવા માટેના નીતિ નિયમો અંગે પોલીસ વિભાગ તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ એ પરિપત્ર મુજબ પણ ટી આર બી ના જવાનોને મળવાપાત્ર લાભો આપવામાં આવતા ન હોવાના આક્ષેપો જવાનોમાંથી ઉઠ્યા છે. એટલું જ નહીં પોલીસ સાથે રહીને ટ્રાફિક નિયમન કરાવતા જવાનોને સરકારી લાભો અને વિમાના કવચથી પણ દૂર રાખવામાં આવ્યા છે. જેને લઈને તંત્ર ટીઆરપી જવાનોનું આર્થિક શોષણ કરી રહ્યું હોવાનો વસવસો તેઓના દિલો દિમાગ પર છવાયેલો જોવા મળી રહ્યો છે.
• જવાનો માનસિક વ્યગ્રતા,બીમારીનો ભોગ બન્યા
ગમે તે ઋતુમાં, ગમે તેવા સંજોગોમાં ખૂબ જ શરમજનક કહી શકાય તેવા માનદવેતનમાં આઠ કલાકની ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ દરમિયાન અનેક પ્રકારની માનસિકતા સાથે પસાર થતાં વાહનચાલકોના રોષનો ભોગ બનીને પોતાની માનસિક સ્થિતિ પર ઘણી વખત કાબુ ગુમાવતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં અનેક પ્રકારે માનસિક બીમારીનો ભોગ બનવા સાથે તેઓ ઘણી વખત અન્ય બીમારીનો પણ સામનો કરીને પોતાના આરોગ્યને પણ નુકસાનીમાં ધકેલાતું તેઓ અને તેમનો પરિવાર જોઈ રહ્યા છે ત્યારે સરકાર તરફથી તેમની વ્યથા સમજીને તેમને સંતોષ થઈ શકે તેવા લાભો આપવા જોઈએ એ જ સમયની માંગ છે.