Apna Mijaj News
કરુણાંતિકા

ગોવામાં હનીમૂન મનાવી પરત ફરતા ‘નવોઢા’ ને સુરતમાં મળ્યું મોત, પતિ સળગતી બસની બારીમાંથી કુદી ગયો

રાજધાની ટ્રાવેલ્સની સળગતી બસ જોઈને કમકમાટી ઉપજાવે તેવા દ્રશ્યો સર્જાયા

ભાવનગરનું નવયુગલ ગોવામાં હનીમુન મનાવી પરત ફરી રહ્યું હતુંને સુરતમાં સજોડે ખેંચેલી સેલ્ફી અંતિમ તસવીર બની ગઈ

સુરત: (અપના મિજાજ નેટવર્ક)
       સુરતના હીરાબાગ સર્કલ પાસે ગત રાત્રે રાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગતાં એક મહિલાનું મોત થયું હતું. મૂળ ભાવનગરની મૃતક મહિલા પતિ સાથે લગ્ન બાદ હનિમૂન માટે ગોવા ગઈ હતી. ત્યાંથી પરત ફરી સુરતથી ભાવનગર જવા નીકળ્યાં હતાં. દરમિયાન બસમાં આગની દુર્ઘટના બની હતી, જેમાં પતિ વિશાલ નવલાની સળગતી બસની બારીમાંથી કૂદી ગયો હતો, જ્યારે પત્ની તાનિયા બારીમાં જ ફસાઈ જતાં મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી નીકળતાં પહેલાં નવયુગલે પોતાના ફોનમાં સજોડે એક સેલ્ફી લીધી હતી, જે હવે અંતિમ તસવીર બની ગઈ છે.
       ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય પહેલાં જ તાનિયા નામની યુવતી સાથે થયા હતા. ગોવા ખાતે હનિમૂન મનાવવા જવા માટે તેમણે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યાં અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયાં હતાં. ગઈકાલે તેઓ ગોવાથી સુરત આવ્યાં અને રાત્રે રાજધાની ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા. બસ વરાછામાં હીરાબાગ પાસે પહોંચી ત્યારે અચાનક જ ભીષણ આગ લાગી અને બસમાં બેસેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી. આ દરમિયાન વિશાલ સળગતી હાલતમાં બસની બારીમાંથી કૂદી ગયો અને તેની પત્ની તાનિયા બસમાં ફસાઈ ગઈ હતી. ભીષણ આગમાં તેનું મોત નીપજ્યું હતું. વિશાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટના પૂર્વે બસમાં બે ત્રણ આંચકા આવ્યા
પ્રત્યક્ષદર્શીઓએ ઘટના વર્ણવી, બનાવ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
      મંગળવારે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. જોકે બનાવ બન્યો તે પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બસ બેથી ચાર આંચકા મારીને રોડ ઉપર ઊભી રહી ગઇ હતી. બાદમાં જોરદાર ધડાકો થયો હતો. જેને લઇને આસપાસમાં બેઠેલા સ્થાનિકોમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો.
ધડાકાથી લોકો ગભરાયા
આગનું કારણ જાણવા એફ.એસ.એલ.ની મદદ લેવાઇ, આરટીઓ ઇન્સપેકટર પણ નિરીક્ષણ કરશે
ખાનગી ટ્રાવેલ્સની બસમાં બનેલી આગજનીની ઘટના અંગે એસીપી સીકે પટેલે કહ્યું હતું કે બસમાં આગ કયા કારણોસર લાગી એ માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. ઉપરાંત ઈલેક્ટ્રીક અને આરટીઓ ઇન્સપેકટર સ્થળ નિરીક્ષણ કામગીરી પણ કરી તપાસ કરવામાં આવી રહી છે. બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Comment

error: Content is protected !!