



મિ. ડેપ્યુટી કમિશનર મંડોરી તમારી નજર અહીં મંડાય તેવું પણ કંઈક કરજો
નાગલપુરના ગેરકાયદે બાંધકામની ઇમ્પેક્ટ ફી પાલિકાએ રદ કરી નોટિસો ફટકારી છતાં દબાણ કેમ દૂર થતું નથી!
• તત્કાલીન પાલિકાના સત્તાધિશોએ નોટિસ.. નોટિસની રમત બહુ રમી લીધી,હવે નકર કામગીરી કરો તેવી આશા
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
(દબાણ હટાવ અભિયાન ભાગ: ૦૩)
મહેસાણા શહેરની ભાગોળે આવેલા નાગલપુર ગામના સર્વે નં.૪૫૨ની એન.એ. થયેલી જમીન ઉપર મહાદેવ સોસાયટીના નામે ૬૩ રહેણાંક મકાનો બાંધવાની મંજૂરી લેવામાં આવી હતી. જ્યાં વર્તમાન સ્થિતિમાં ૬૩ના બદલે ૬૯ મકાનો અને ૧૨ દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી હોવાની બાબતની પોલ ખોલી પાલિકાના વોર્ડ નં.૧૦માં સમાવિષ્ટ તત્કાલીન નગરસેવક વિષ્ણુભાઈ પટેલે વર્તમાન મહાનગરપાલિકાના કમિશનરનું ધ્યાન દોરી ગેરકાયદે દબાણ હટાવી દેવા રજૂઆત કરી છે.
જોકે દબાણો ખદેડવાનો ઠેકો લઈને બેઠેલા ડેપ્યુટી કમિશનર મંડોરીની નજર અહી મંડાશે કે કેમ તેવા પ્રશ્ન પણ અમુક જાગૃત નાગરિકોમાં ઉઠ્યા છે. બીજી તરફ અહીંના એક જાગૃત નાગરિકે માત્ર મહાદેવ બંગલો જ નહીં પરંતુ આખેઆખો વિકાસ નગર પાટિયા વિસ્તાર જ દબાણોથી ખડકાઈ ગયો હોવાના ખુલાસા કર્યા છે. અત્રે નોંધનીય છે કે જે તે વખતે પાલિકા હતી ત્યારે મહાદેવ બંગલોઝ સોસાયટીના જવાબદારો દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને દબાણ કાયદેસરનું કરવા પ્રયાસ કર્યા હોવાનો ખુલાસો પણ પૂર્વ કોર્પોરેટરે કર્યો છે. જોકે એ વખતે પણ પાલિકા તંત્રએ ઇમ્પેક્ટ ફી નહીં સ્વીકારી અહીં માપણી સહિતની કાર્યવાહી કરી દબાણ હોવાનું સાબિત કર્યું હતું. જે દબાણ હટાવી દેવા માટે વખતો વખત દબાણ કરનાર તત્વોને એક પછી એક નોટિસો આપીને રમત રમવામાં આવી હતી. જોકે હવે કમિશનરની સત્તામાં આ દબાણો હટાવી દેવામાં આવશે તેવો આશાવાદ પણ જાગ્યો છે.
