કલોલ નગર પાલિકાના પ્રમુખ ઉર્વશી પટેલ અમુક દિવસ માટે સ્વૈચ્છિક રીતે પોતાનું ‘રજવાડું’ છોડી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. કહેવાય છે કે છેલ્લા અઢી વર્ષથી કલોલની જનતાને સર્વાંગી રીતે સુખાકારી પ્રાપ્ત થાય તે માટે તેમણે રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરીને કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામોનો સાગર શહેરમાં ખેંચી લાવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમની શહેરમાં વસવાટ કરતાં તમામ લોકો માટે પણ ખરા દિલથી લગાવ હોવાની બાબત પણ સપાટી ઉપર આવી છે. સંભવતઃ એટલે જ તેઓ પોતાના ‘રાજ’ દ્વારેથી અમુક દિવસ માટે છૂટ્ટી લઈને પોતાનું ‘રાજ સિંહાસન’ પાલિકાના ઉપપ્રમુખ મુકુંદ પરીખને રાજી ખુશીથી આવતીકાલ તા.૨૫ ઓગસ્ટથી અમુક દિવસ સુધી ભોગવવા આપી રહ્યા છે.
આમ, હવે પાલિકાના ઉપપ્રમુખ મુકુંદ પરીખ કલોલ શહેરના અધિપતિ તરીકે એકથી વધુ દિવસ સત્તાની ધૂરા સંભાળવાના છે. જે અંગે બંધારણીય જોગવાઈ અને નીતિ નિયમો મુજબ કરવી પડતી તમામ લેખિત કાર્યવાહી આરંભી દેવાઈ છે અને આ માટે પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ ઉપ-પ્રમુખ મુકુંદ પરીખને ‘ઇન્ચાર્જ’ પ્રમુખનો ‘હવાલો’ આપવાની હકારાત્મક કાર્યવાહીમાં હસ્તાક્ષર પણ કરી દીધી છે.
• સત્તાનો સ્વાદ કોઈને એક ક્ષણ પણ દિલથી છોડવો નથી ગમતો, આ તો અમુક દિવસની વાત છે: ભાઈ આ તો રાજકારણ છે આમાં પણ કોઈ ‘રાજ’ છુપાયેલું હશે?!
આમ તો કહેવાય છે કે સત્તાનો સ્વાદ કોઈને પણ એક ક્ષણ ખરા દિલથી છોડવો ગમતો નથી. ત્યારે કલોલ પાલિકાના મહિલા પ્રમુખ ઉર્વશીબેન પટેલ અમુક દિવસ માટે પોતાના પ્રમુખ તરીકેનો ‘હવાલો’ ઉપપ્રમુખ મુકુંદ પરીખના હાથમાં સોંપી રહ્યા છે. જોકે આ બધી બાબત ઉજાગર થતાં પાલિકાના રાજકારણ સાથે સંકળાયેલા લોકો આ પ્રક્રિયામાં પણ કોઈ ભેદી ‘રાજ’ છુપાયેલું હોઈ શકે તેવા તર્કવિતર્કો વહેતા કરી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.
• ટૂંકા સમય માટે બહાર જવાનું હોઈ ઉપપ્રમુખને પ્રમુખનો ચાર્જ (હવાલો) આપું છું: ઉર્વશી પટેલ, પાલિકા પ્રમુખ
કલોલ પાલિકાના પ્રમુખ તરીકેનો હવાલો ઉપપ્રમુખ મુકુંદ પરીખને આપવા પાછળનું કારણ દર્શાવતા પ્રમુખ ઉર્વશીબેન પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, હું ટૂંકા સમય માટે મારા અંગત કામસર બહાર ગામ જવાની હોઈ રજા પર છું. જે કારણોસર પાલિકા પ્રમુખ તરીકે કરવી પડતી કાર્યવાહીમાં કોઈ રોક ના આવે એ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.