ગાંધીનગરના ઘ૦૨ પાસે આવેલી ‘કદંબ ડાયગ્નોસ્ટિક’માં ચાલતાં લોલમલોલનો પર્દાફાશ દેવાંશ લેબ.ના રિપોર્ટે કરી નાખ્યો
•કદંબ લેબ. દ્વારા દસ વર્ષીય દર્દીનો રિપોર્ટ ‘સબ સલામત’નો અપાયો, તબીબોએ પણ રિપોર્ટ આધારે સારવાર આપી
• અંતે બાળ દર્દીને કણસતી હાલતમાં તેનો પરિવાર દેવાંશ લેબોરેટરી લઈ ગયો જ્યાં તેને ૧૧ MMનું એપેન્ડિક્સ હોવાનું જાહેર થયું
• કદંબ લેબોરેટરીના ‘લડખડાયેલા’ રિપોર્ટના ભોગે દસ વર્ષીય બાળકને એપેન્ડિક્સના દર્દથી આખી રાત ‘કણસવું’ પડ્યું
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
ગાંધીનગરમાં રહેતા એક વિપ્ર પરિવારના દસ વર્ષીય બાળકને પેટના ભાગે અસહ્ય દુઃખાવો ઉપાડતાં તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ પરિવારને સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સોનોગ્રાફી વિભાગ તેનો સમય પૂર્ણ થયે બંધ હોઈ પરિવાર દર્દથી કણસતા બાળકને શહેરના ઘ ૦૨ વિસ્તારમાં આવેલી ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ નામની લેબોરેટરીમાં લઈ ગયા હતાં. જ્યાં તેની સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ નીલ (સબ સલામત) નો આવ્યો હતો. જે રિપોર્ટ જોઈને સિવિલ હોસ્પિટલના તબીબે કરવી પડતી સારવાર આપી દર્દીને ઘરે મોકલી દીધા હતા.
સિવિલ હોસ્પિટલના તબીબની સલાહ લઈ પરિવાર બાળકને લઈને ઘરે પહોંચ્યા હતાં.પરંતુ મોડી રાત્રે બાળકને પુનઃ અત્યંત કષ્ટદાયક પીડા ઉપડતાં પરિવાર વ્યથિત હાલતમાં બાળકને લઈને શહેરમાં આવેલી ‘દેવાંશ લેબોરેટરી’ માં પહોંચ્યો હતો. જ્યાં બાળકની સોનોગ્રાફી કરાવતા તેને અંદાજે 90 થી 95 ટકા જેટલું એટલે કે ૧૧ MMનું એપેન્ડિક્સ હોવાનો રિપોર્ટ જાહેર થતાં કદંબ લેબોરેટરીના લોલમલોલનો પણ પર્દાફાશ થયો હતો. શરીરમાં એપેન્ડિક્સના અસહ્ય કષ્ટ સાથે બાળકને ફરી પાછો સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેનું ઓપરેશન કર્યું હતું. સિવિલમાં તબીબોએ કરેલી શસ્ત્રક્રિયા બાદ દસ વર્ષના માસુમ બાળકને દર્દમાંથી છુટકારો મળ્યો હતો. જોકે આજે ત્રણ દિવસ બાદ પણ હજુ તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
• તંત્ર દ્વારા ઉઘાડ પગાઓને ઠપકારી દેવાતાં લેબોરેટરીના લાઈસન્સો દર્દીઓને લૂંટવાનું માધ્યમ બની ગયા છે?!
ગાંધીનગરમાં આવેલી ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ લેબોરેટરીએ સોનોગ્રાફીનો રિપોર્ટ સો ટકા ખોટો આપતા એક માસુમને એપેન્ડિક્સના દર્દથી આખી રાત કણસવું પડ્યું હતું. જોકે અન્ય દેવાંશ નામની લેબોરેટરીનો રિપોર્ટ એપેન્ડિક્સના દર્દ સાથે સો ટકા સાચો આવતાં જન માનસમાં એવું ચિત્ર ઉપસ્યું છે કે, દર્દ પરીક્ષણ માટે લેબોરેટરી ટેક્નિશિયનના પ્રમાણપત્રો કે લેબોરેટરી ચલાવવા માટેના લાઈસન્સો જે તે જવાબદાર તંત્ર આડેધડ આપતું હશે?! સંભવત એટલે જ આવા કદંબ લેબોરેટરીના કહેવાતા ઉઘાડ પગા ટેક્નિશિયનો માત્ર રૂપિયા કમાવવાની લાલચમાં આડેધડ દર્દ પરીક્ષણોના રિપોર્ટ દર્દીઓને કે તેમના પરિવારજનો પધરાવી દેતાં હોય છે.